- 60,000 થી વધુ શ્રઘ્ધાળુઓએ મહાદેવને શિશુ ઝુકાવ્યું: 9773 રૂદ્રા ભિષેક પઠન, 67 પાઠાત્મક લધુરૂદ્ર, 69 ઘ્વજારોહણ, 77 મહાપૂજા સંકલ્પ મહા દૂધ અભિષેક કરી ભાવિકોએ ભોળાનાથને રીઝવ્યા
- ગૃહમંત્રી હર્ષ સંઘવી સોમેશ્ર્વર પૂજા કરી ધન્યતા અનુભવી
દ્વાદશ જ્યોતિર્લિંગોમાં સર્વપ્રથમ દેવોના દેવ મહાદેવ સોમનાથ દાદાને શીશ નમાવી શિવરાત્રી પર મહાદેવની અનુકંપા પ્રાપ્ત કરવા લાખો શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના ચરણોમાં પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે આજે સવારે 4:00 વાગ્યાથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું હતું. જે દરમિયાન સાંજે 6:00 વાગ્યા સુધીમાં 60,000 થી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.
આજે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 3500 થી વધુ ભક્તોને પરિવાર સહિત મારુતિ બીચ ખાતે પંચમહાભૂતનો અનુભવ કરાવતી પાર્થેશ્વર મહાપૂજા કરાવવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટના વિઝન સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટ ઇકો ફ્રેન્ડલી અને ઝીરો વેસ્ટ પૂજા તરીકે પાર્થિવેશ્વર શિવલિંગ પૂજા શ્રદ્ધાળુઓને કરાવે છે. માટીનું બનેલું શિવલિંગ સનાતન ધર્મમાં પ્રકૃતિ પ્રેમ અને સ્વચ્છતા તેમજ ત્યાગનું પ્રતિક હોય વેદોક્ત મંત્રોચાર સાથે પૂજન તો કરાવવામાં આવ્યું જ સાથે સાથે શિવજીને પ્રિય આ શ્લોકોનો ભાવાનુંવાદ કરીને દર્શનાર્થીઓને પૂજા પદ્ધતિની તલસ્પર્શી માહિતી પણ આપવામાં આવી હતી. આ પૂજા નો ભાગ બની હજારો પરિવારો ધન્ય બન્યા હતા.
સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવના પ્રતિક રૂપને પાલખીમાં વિરાજમાન કરી ભવ્ય પાલખીયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બમ બમ ભોલે હર હર મહાદેવના નાદ સાથે હજારો શ્રદ્ધાળુ જોડાયા હતા.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક માસિક શિવરાત્રીની પરંપરા અનુસાર શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા શ્રી સોમનાથ યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો. ભારત દેશના શાંતિ સુખાકારી અને વિકાસની પ્રાર્થના સાથે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક માસની કૃષ્ણ ત્રયોદશી પર આ યજ્ઞ કરવામાં આવે છે જે વિશેષ ઉલ્લાસ સાથે મહાશિવરાત્રીના પાવન પર્વે પણ કરવામાં આવ્યો હતો.
આજના દિવસમાં સોમનાથ મંદિરમાં 104 સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી હતી. સાથે સાથે શ્રી સોમનાથ મહાદેવને 69 ધ્વજાશિખર પર આરોહિત કરવામાં આવી હતી.
શિવજીને અત્યંત પ્રિય રુદ્રાષ્ટાધ્યાય એટલે કે રુદ્રાભિષેકના 1973 પાઠ કરવામાં આવ્યા હતા. સાથે સાથે આજના દિવસ દરમિયાન કુલ પાઠાત્મક 67 લઘુરુદ્ર યજ્ઞ, અને 9 પાઠાત્મક મહારુદ્ર પણ સંપન્ન થયા હતા. આ સાથે 77 મહાપૂજા સંકલ્પ, 67 મહાદૂધ અભિષેક કરી ભાવિકોએ સોમનાથ મહાદેવની પૂજા કરી.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શિવરાત્રીએ સજોડે સોમનાથ મહાદેવના દર્શન પુજન કરી થયા ધન્ય
દેશભરમાં આસ્થાભેર શિવરાત્રી ધર્મોત્સવની ઉજવણી થઈ હતી ત્યારે વિશ્ર્વપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે શિવરાત્રીના પાવન પર્વ પર રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલીબેન સજોડે દર્શન અને મહાપુજા કરી વિશ્ર્વ કલ્યાણની કામના કરી હતી.
ગૃહમંત્રી હર્ષ સંઘવી સોમેશ્ર્વર પૂજા કરી ધન્યતા અનુભવી
આજે વહેલી સવારે સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી પી.કે.લહેરી દ્વારા પાલખી પૂજન અને ધ્વજા પૂજા કરી મહાશિવરાત્રી મહોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહાશિવરાત્રી પર્વે રાજ્ય સરકારના ગૃહ મંત્રી હર્ષભાઇ સંઘવીએ પણ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી સોમેશ્વર મહાપૂજા કરી કરી ધન્ય થયા હતા. આ મહોત્સવમાં દેશ વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શને અને પૂજા અર્ચના કરી પુણ્ય અર્જિત કરવા સોમનાથ પહોંચ્યા હતા. આજના વિશેષ અવસર પર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા અને સોમનાથ મંદિર પર ધ્વજારોહણ કરી ધન્ય થયા હતા.
ત્રિવેણી ઘાટ પર સંગમ આરતી’ કરતાં કલેક્ટર
નદીઓ આપણી સંસ્કૃતિ અને પરંપરાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેના કારણે નદીઓનો ’લોકમાતા’ તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે. ’સોમનાથ મહોત્સવ’ના ત્રીજા દિવસે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ ત્રિવેણી નદીના સંગમ ઘાટ પર ’સંગમ આરતી’ કરી કૃતજ્ઞતા વ્યક્ત હતી.જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ પરિવાર સહ અર્ધ્ય આપી અને શાસ્ત્રોક્ત વિધિથી હિરણ-કપિલા અને સરસ્વતીના સંગમસ્થાનની પૂજા-અર્ચના કરી પરિવાર સહ આરતી કરી હતી.20 કરતા વધુ તીર્થ પુરોહિતોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ’સંગમ આરતી’થી વાતાવરણ દિવ્યતાસભર બન્યું હતુ.ઉલ્લેખનીય છે કે, માનવીય જીવનમાં મહત્વ એવા પાણી સહિત અનેક અમૂલ્ય ભેટોથી નદીઓએ મનુષ્યનું જીવન સુંદર અને સમૃદ્ધ બનાવ્યું છે.પ્રભાસ ક્ષેત્રમાં હિરણ, કપિલા અને સરસ્વતી નદીનું જ્યાં પવિત્ર મિલન થાય છે, તેવા ત્રિવેણી સંગમ પર આ જળસંપત્તિ પ્રત્યે આરતી થકી કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવા જનમેદની ઉમટી પડી હતી.આ ‘સંગમ આરતી’ દરમિયાન એક્ટર પ્રભાતસિંહ રાજપૂત, સોમનાથ ટ્રસ્ટના પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
મહાશિવરાત્રીના પર્વએ સિંગરી મેલમ કળા દ્વારા શિવ ભગવાનને આરાધના અર્પણ
કલાથી આરાધનાના ઉત્સવ ’સોમનાથ મહોત્સવ’ના તૃતિય દિવસે બરોડા-કેરલા સમાજ દ્વારા ’સીંગરી મેલમ’ તેમજ શ્રી નિલેશ પરમારે ગુજરાતી લોક નૃત્યની અદભુત પ્રસ્તુતિ રજૂ કરી હતી.બરોડા-કેરલા સમાજ દ્વારા ઢોલ-મૃદંગના નાદ અને વાંસળીના સુમધુર સુર સાથે અલગ-અલગ તાલવાદ્યોના માધ્યમથી ’સીંગરી મેલમ’ કળાની પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, ’સિંગરી મેલમ’ની આ કળા શિવ અને કૃષ્ણ ભગવાનની આરાધના કરવા માટે દર્શાવવામાં આવે છે.તમિલનાડુ સહિત દક્ષિણ વિસ્તારના અમુક ભાગોમાં અલગ-અલગ તાલવાદ્યોના માધ્યમથી પૂજા કરવા માટે વિવિધ મંદિરોમાં પ્રભુના ચરણમાં ’સિંગરી મેલમ’ ની આ કળા દ્વારા પૂજા અર્પણ કરવામાં આવે છે.કલાકાર શ્રી નિલેશ પરમારના ગૃપ દ્વારા પોરબંદરનો મણિયારો રાસ રજૂ કરવામાં આવ્યો હતો. શોર્ય-ભાવને પ્રસ્તુત કરતાં આ મણિયારા રાસમાં ડફ અને ઢોલના સંગમે માહોલમાં જોશ ભરી દીધો હતો.આ બંને પ્રસ્તુતિઓને કલા રસિકજનોએ મન ભરીને માણી હતી.