જામનગરમાં નિર્માણ પામેલા પ્રથમ કિસાન મોલ જગત તાત માટે વરદાનરૂપ 

સાગર સંઘાણી

તાજેતરમાં જ જામનગર જિલ્લાના હડિયાણા ગામે હડિયાણા સેવા સહકારી મંડળી દ્વારા કૃષિ ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ નાબાર્ડના સહયોગથી જિલ્લાનો પ્રથમ કિસાન મોલ બનાવવામાં આવ્યો છે. જેનું ઉદ્ઘાટન રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રી રાઘવજી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું

આ કિસાનમોલમાં ખેતીને લગતી વસ્તુઓ એક જ જગ્યાએથી કિફાયતી ભાવે મળી રહેતા ખેડૂતોને રાહત મળી છે. ગામડાના ખેડૂતોએ શહેરમાં જવું પડતું નથી. ત્યારે હડિયાણા ગામે રહેતા ખેડૂત નરસિંહભાઈ કાલાવડીયા જણાવે છે કે, ભારત સરકારના કૃષિ ઇન્ફ્રાસ્ટ્રચર ફંડ નાબાર્ડના સહયોગથી હડિયાણા સેવા સહકારી મંડળી દ્વારા કિસાનમોલ બનાવવામાં આવ્યો છે.

સામાન્ય ટોકન દરે સહકારી મંડળીને લોન મળતા હું સરકાર અને નાબાર્ડનો આભાર માનું છું. કિસાનમોલ બનવાથી ખેડૂતોએ જે દવાઓ અને બહાર લેવા જવું પડતું હતું તે હવે અહી કિફાયતી ભાવે મળશે. સાથો સાથે ખેડૂતોને મુસાફરી ખર્ચ અને સમયનો પણ બચાવ થશે. રૂ.44 લાખના ખર્ચે નિર્માણ પામેલા કિસાન મોલમાં બિયારણો, દવાઓ તેમજ ખેતઉપયોગી વસ્તુઓનું કિફાયતી ભાવે વેચાણ કરવામાં આવે છે.