Abtak Media Google News

પુરાતત્વ વિભાગ અને કોઇ યુનિવર્સિટીની મદદ લઇ શોધખોળ હાથ ધરાશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ પ્રથમ વર્ચ્યુઅલ બેઠક સંપન્ન

સોમનાથ ટ્રસ્ટની ૧૨૦મી ટ્રસ્ટી મંડળની બેઠક યોજાઇ: અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, જે.ડી. પરમાર, પ્રવીણ લહેરી અને હર્ષવર્ધન નીઓટીયાએ આપી વર્ચ્યુઅલ હાજરી

સોમનાથની પવિત્ર ભૂમિ ઉપર સ્કંદ પુરાણના ઇતિહાસને ઉજાગર કરવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિમાયા બાદ પ્રથમ બેઠક મળી હતી. જેમાં આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.

સોમનાથમાં આવેલા પ્રભાસ તીર્થના જેટલા સ્થળો સ્કંદ પુરાણમાં દર્શાવવામાં તે તમામની શોધખોળનો પ્રયાસ કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન પ્રધાનમંત્રી મોદીએ આ માટે સહમતિ દર્શાવી છે. આ કામ માટે પુરાતત્વ વિભાગ અથવા તો કોઈ યુનિવર્સિટીની મદદ લેવામાં આવશે. મંગળવારે બેઠકમાં સોમનાથમાં પુરાતત્વ વિભાગ દ્વારા શોધખોળ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નરેન્દ્ર મોદીએ સ્કંદપુરાણમાં જેટલો ઉલ્લેખ છે એ તમામ સ્થળે શોધખોળ હાથ ધરવાની સહમતી દર્શાવી હતી. અને આ કામગિરી માટે કોઇ યુનિવર્સિટી અથવા સોમનાથ ટ્રસ્ટ પોતે પણ કોઇને આ કામગિરી સોંપી શકે એમ છે. પુરાતત્વ વિભાગના નિવૃત્ત અધિકારી રાવતનાં માર્ગદર્શન હેઠળ આ કામગિરી હાથ ધરવાનો બેઠકમાં નિર્ણય લેવાયો છે.

તાજેતરમાં જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેનની વરણી માટે ટ્રસ્ટીઓ વચ્ચે વર્ચ્યૂઅલ બેઠક મળી હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સર્વાનુમતે ટ્રસ્ટના નવા અધ્યક્ષ તરીકે જાહેરાત કરવામાં આવી હતી. મોદીને એક વર્ષનાં કાર્યકાળ માટે અધ્યક્ષ બનાવાયા હતા. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી દેશના બીજા વડાપ્રધાન છે જેમણે સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેનની જવાબદારી સંભાળી હોય. તેમની અગાઉ મોરારજી દેસાઇ પણ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન રહી ચૂક્યા હતા.

ઉલ્લેખનીય છે કે  સોમનાથ મંદિરની આસપાસ ૨૦૧૭ માં ગાંધીનગર પુરાતત્વ ખાતા દ્વારા ભૂગર્ભમાં આધુનિક સાધનો વડે સંશોધન કરી અને સોમનાથ ટ્રસ્ટને એક રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. જેમાં સોમનાથની આજુબાજુના અનેક વિસ્તારોમાં ઈતિહાસને લક્ષીને ભૂગર્ભમાં અનેક બાંધકામ અને ધાતુઓની પ્રતિમા હોવાનુ રિપોર્ટમાં સામે આવ્યું છે. ૨૦૧૭ માં જ્યારે ટ્રસ્ટીની દિલ્હી ખાતે બેઠક મળી તેમા ટ્રસ્ટી જે.ડી. પરમારના સૂચનને તાત્કાલિક તમામ ટ્રસ્ટીઓએ ધ્યાનમાં લીધા હતા. તેના અનુસંધાને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ટેકનોલોજી આઇઆઇટી ગાંધીનગરની સહયોગી એવી ભારતની ચાર સંસ્થાના પ્રતિનિધિઓ સોમનાથ આવ્યા હતા. તેઓએ પ્રભાસ પાટણના સોમનાથ મંદિરના આજુબાજુના ચાર વિસ્તારમાં જીપીઆર ઇન્વેસ્ટિગેશન સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ સ્થળ ગોલોકધામ, બીજી જગ્યા સોમનાથ મંદિરના દિગ્વીજય દ્વાર, સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે ત્રીજુ સ્થળ બુદ્ધ ગુફા, ચોથુ સ્થાન સોમનાથ મંદિરનુ પરિસર, જયાંથી મંદિરમાં જવા માટે પ્રવેશ સ્થળ છે તે જગ્યાઓએ પુરાતત્વ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. જેનો આર્કિયોલોજીકલનો સંશોધન ૩૨ પાનનો નક્શા સાથેનો રિપોર્ટ ૨૦૧૭ માં સોમનાથ ટ્રસ્ટને આપવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન બન્યા છે. તેઓની અધ્યક્ષતામાં મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં ટ્રસ્ટની સામાન્ય બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં સૌથી મહત્વનો મુદ્દો સ્કંદ પુરાણના ઈતિહાસને ઉજાગર કરવાનો રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલથી સોમનાથ તીર્થ ક્ષેત્રનો વર્ષો જૂનો ધરબાયેલો ઇતિહાસ ફરી ઉજાગર થાય તે નક્કી છે.

ઉલ્લેખનીય છે કે આ સોમનાથ ટ્રસ્ટની ૧૨૦મી ટ્રસ્ટી મંડળની બેઠક હતી. જે ઓનલાઇન મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, જે.ડી. પરમાર, પ્રવીણ લહેરી, હર્ષવર્ધન નીઓટીયાએ હાજરી આપી હતી. આ બેઠકમાં સ્વ.કેશુભાઈ પટેલના નિધનને લઈને બેઠકમાં શ્રદ્ધાંજલિનો ઠરાવ મૌન પાળીને પસાર કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.