જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં ઝાકળવર્ષા માવઠું લઇ આવશે

૨૬મી સુધી ઠંડીમાં થોડી રાહત, ત્યારબાદ ત્રણ દિવસ કડકડતી ઠંડી પડશે

ગુજરાત ઉપર ફરી એક વખત માવઠું થવાની શક્યતા જોવા મળી રહી છે. જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં ઝાકળવર્ષા માવઠું લઈ આવે તેવી સંભાવના છે. ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ૨ અને ૩ જાન્યુઆરીએ મોટું માવઠું થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નો ટ્રફ અરબસાગરથી ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં ઉપર જોવા મળશે. જેને કારણે ફરી આ રાજ્યમાં માવઠું થવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં વધારે અસર જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે પરંતુ આ ગ્રાફમાં થોડા ફેરફારો થતા હોય છે. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત પરથી ફરી એકવાર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે જેના થકી મોટું માવઠું થવાની સંભાવના ૨ અને ૩ જાન્યુઆરીએ છે.ગુજરાત રાજ્યમાં ફરી એક વખત માવઠું થવાની હવામાન વિભાગની આગાહી થી ગુજરાત રાજ્યના ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે ચોમાસુ પાકને નુકસાન થયું હતું. ત્યારબાદ પહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ના કારણે વરસાદના કારણે શિયાળુ પાકને અસર પહોંચી હતી ત્યારબાદ હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો માં ચિંતા વ્યાપી ગઈ છે.

વાતાવરણમાં છવાયેલાં વાદળાના કારણે હાલ ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળશે. આગામી તા.૨૪ ડિસેમ્બર સુધી રાજયના વિસ્તારોમાં ૧.૨ ડીગ્રીના ઠંડીના ઘટાડા સાથે ઠંડીનો માહોલ જળવાઇ રહેશે. વિસ્તાર પ્રમાણે તા.૨૫-૨૬ ડિસેમ્બરથી ઠંડી ઉતરોતર વધારા તરફ જશે. તા.૨૮-૨૯ સુધી કડકડતી ધ્રુજાવતી ભારે ઠંડીનો માહોલ જોવા મળશે. ઠંડા પવનો પણ ફુંકાશે. ઘણા વિસ્તારોમાં સિંગલ આંકડામાં ઠંડી જોવા મળી શકે છે.પહાડી અને મેદાની રાજયોમાં ભારે હિમ વર્ષા અને કરાનો વરસાદ જોવા મળશે.

દરમિયાન જાન્યુઆરી-૨૦૨૧ના શરુઆતી દિવસોમાં એટલે કે, તા.૨ અને ૩ જાન્યુઆરી દરમિયાન મજબુત વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પસાર થશે જેનો ઝૂકાવ દક્ષિણ બાજુ રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આનુંસંગીક અપરએર સાયકલોનીક સરકયુલેશનનો ટ્રફ હિમાલયાથી વાયા પંજાબ, હરીયાણા, રાજસ્થાન, ગુજરાતથી અરબ સાગર સુધી લંબાવાની શકયતા જોવાઈ રહી હોય નવા વર્ષના પ્રારંભે જ માવઠાંરૂપી આફત વરસે તેવા સંજોગો નિર્માણ થયાં છે.