હીરાસર એરપોર્ટમાં ફેબ્રુઆરીથી ફ્લાઇટ ઉડાન ભરશે

એરપોર્ટનું કામ જાન્યુઆરીમાં પૂર્ણ કરી દેવાશે, ડીજીસીએમાંથી ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવાની કાર્યવાહી શરૂ : પ્રથમ કાર્ગો સર્વિસ શરૂ કરાશે

હીરાસર એરપોર્ટમાં ફેબ્રુઆરીથી ફ્લાઇટ ઉડાન ભરે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પૂર્વે જાન્યુઆરીમાં એરપોર્ટનું ફેઝ 1 નું કામ પૂર્ણ કરી દેવામાં આવનાર છે. ઉપરાંત અત્યારે ડીજીસીએમાંથી ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર હીરાસર ગ્રીનફિલ્ડ ઈન્ટર નેશનલ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. રૂા.1400 કરોડના અંદાજિત ખર્ચવાળો આ પ્રોજેકટ ચૂંટણી જાહેર થાય તે પહેલાં પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો.પણ કામ પૂર્ણ થઈ શક્યું ન હતું. આ પ્રોજેકટમાં પ્રથમ ફેઝનું કામ અંદાજે 670 કરોડનુ છે, જે હાલ પૂર્ણતાને આરે પહોંચી ગયું છે. ટર્મીનલ બિલ્ડીંગ સહિતનું કામ બીજા ફેઝમાં આવશે. ફેઝ-1નું બાકી રહેલું કામ જાન્યુઆરી મહિનામાં પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

બાકી રહેલા કામમાં ગામનું સ્થળાંતર સહિતના કામનો સમાવેશ થાય છે. હાલ તંત્ર દ્વારા ડીજીસીએમાંથી ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા ફેબ્રુઆરીથી ફ્લાઇટ ઉડાન ભરતી થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પ્રથમ અહીં કાર્ગો સર્વિસ શરૂ કરવામાં આવશે.ત્યારબાદ પેસેન્જર માટે સર્વિસ શરૂ થશે.

ઉલ્લેખનીય છે મેં એરપોર્ટમાં  ’ઈ’ કેટેગરીના મોટાં એરક્રાફટને અનુરૂપ રન-વે પ્રત્યેક કલાકમાં 12 એરક્રાફટ લેન્ડ કરાવી શકનારો હશે, એરપોર્ટમાં એક સાથે 14 વિમાન ઉભાં રાખી શકાય એવો વિશાળ એપ્રન એરિયા રાખવામાં આવશે. દર કલાકે 1800 મુસાફરોનું હેન્ડલિંગ કરી શકે એવું વિશાળ ટર્મિનલ બિલ્ડિંગ બનાવાશે.

4 ફેઈઝમાં થઈ રહ્યું છે કામ, અંતિમ ફેઈઝનું કામ 2040માં પૂર્ણ થશે

હીરાસર એરપોર્ટનો પ્રોજેક્ટ મહાકાય છે. આ પ્રોજેક્ટના કામને 4 ફેઈઝમાં વહેંચવામાં આવ્યા છે. હાલ ફેઝ-1નું કામ જાન્યુઆરી મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારબાદ પુરપાટ ઝડપે ફેઝ-2નું કામ પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવશે. જો કે ફેઝ-4નું કામ 2040માં પૂર્ણ થશે તેવું જાણવા મળી રહ્યું છે.