ભારતવર્ષની નદીઓનું ઉદ્ગમસ્થાનના જંગલો “સાફ”!!

“વિકાસવાદ”માં પ્રકૃતિનું નિકંદન!!

ઉતરાખંડનો ૭૦ ટકા જંગલ વિસ્તાર એટલે કે ૫૦,૦૦૦ હેકટર જમીન પરનું જંગલ ૨૦ વર્ષમાં કોમર્શીયલ એક્ટિવીટીના કારણે ખેદાન-મેદાન થયું

ભારતની મોટાભાગની નદીઓનું ઉદગમ સ્થાન ગણાતા ઉતરાખંડમાં વિકાસની હોડના કારણે પ્રકૃતિને પારાવાર નુકશાન પહોંચાડવામાં આવ્યું હોવાનું આંકડા કહી રહ્યાં છે. ઉતરાખંડમાંથી ગંગા, યમુના સહિતની મહત્વની નદીઓ વહે છે. પરંતુ આ વિસ્તારમાં કોમર્શીયલ એટલે કે પૈસા કમાવવા માટેની પ્રવૃતિના કારણે જંગલોનો સફાયો થઈ રહ્યો છે. જંગલો દેશમાં વરસાદ લાવવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત પાણીના કારણે થતું જમીનનું ધોવાણ પણ જંગલોના કારણે જ અટકતું હોય છે. આવી સ્થિતિમાં જ્યાં નદીઓનું ઉદગમ સ્થાન છે ત્યાં જ જંગલોનું નિકંદન નિકળી જાય તો દેશ મોટી મુશ્કેલીમાં મુકાય જાય તેવી દહેશત છે.

આંકડા મુજબ ઉતરાખંડના ૭૦ ટકા જંગલોનું નિકંદન નિકળી ગયું છે. એકંદરે ૫૦,૦૦૦ હેકટર જંગલને વિકાસ કાર્યોના નામે છેલ્લા ૨૦ વર્ષમાં તબાહ કરી દેવામાં આવ્યા છે. જંગલ વિસ્તારોમાં ખાણ, ખનીજ, હાડ્રોપાવર પ્લાન્ટ, માર્ગનું બાંધકામ અને વીજ વ્યવહાર માટેની લાઈનો તથા પાણીની પાઈપ લાઈન કાઢવાની કામગીરીના કારણે ૨૧૨૦૭ હેકટર જમીન ઉપર પથરાયેલુ જંગલ ખેદાન-મેદાન થઈ ગયું હતું. ખાણ-ખનીજના કારણે ૮૬૬૦ હેકટર, રોડ ક્ધસ્ટ્રશનના કારણે ૭૫૩૯ હેકટર અને વીજ વ્યવહારના કારણે ૨૩૩૨ હેકટર જમીન ઉપરના જંગલનો વિનાશ થઈ ગયો છે.

ભારતીય સંસ્કૃતિ કુદરત ઉપર આધારિત રહી છે. પ્રકૃતિનું જતન અને પૂજન ભારતીય સંસ્કૃતિમાં થાય છે. પ્રકૃતિ ખીલે એટલે માણસ જાત વિકાસ પામે છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ઉંધુ થઈ રહ્યું છે. વિકાસના નામે મસમોટા ગાઢ જંગલો મેદાનમાં ફેરવાઈ ગયા છે. કુદરતી જંગલ ઉપર કોંક્રીટના જંગલનું સામ્રાજય વ્યાપ્યું છે. જેના માઠા પરિણામો ભવિષ્યની પેઢીને ભોગવવા પડશે તેવી દહેસત સેવાઈ રહી છે. માત્ર ઉત્તરાખંડ જ નહીં પરંતુ દેશના અનેક એવા વિસ્તારો કે જ્યાં કુદરતી ખજાનો છે તેને લૂંટવાનો પ્રયાસ થાય છે. જંગલ કપાશે તો વરસાદ નહીં થાય, પાણીનું ધોવાણ પારાવાર થશે અને માનવજાત મુશ્કેલીમાં મુકાઈ જશે.

માનવસર્જીત ચીજવસ્તુઓ અને પ્રક્રિયાઓના કારણે કુદરતી સંપતિઓને મોટુ નુકશાન પહોંચી રહ્યું છે. એક તરફ વૃક્ષો વાવો, પ્રકૃતિનું જતન કરો જેવા નારા લગાવાય છે તો બીજી તરફ વિકાસની હોડમાં જંગલોની જમીનનું અતિક્રમણ થઈ રહ્યું છે. દહેરાદુન પર્યાવરણ શાસ્ત્રી અને પદ્મ ભુષણ એવોર્ડ વિજેતા અનિલ જોશીએ આ અંગે જણાવ્યું છે કે, આપણે પ્રકૃતિ તરફ ધ્યાન નહીં કેળવીએ તો કઈ રીતે “સર્વાંગી વિકાસ સાધી શકીશું.

ઉતરાખંડમાં ૩૮,૦૦૦ ચો.કી. જમીન કે જે જંગલોના આવરણથી ઢંકાયેલી છે જે ઉતરાખંડના કુલ જમીન વિસ્તારના ૭૧% છે પરંતુ છેલ્લા બે દાયકાઓના સમયમાં તેમાં મોટો ઘટાડો થયો છે જે ચિંતાજનક છે.