Abtak Media Google News

વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી ઉચ્ચકક્ષાનું શિક્ષણ મળે સાથોસાથ પ્લેસમેન્ટની સુવિધામાં વધારો થાય તેવા પ્રયાસો કરાશે

‘અબતક’ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લેતા કાર્યકારી કુલપતિ ડો.નિલાંબરીબેન દવે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દેશની અન્ય યુનિવર્સિટીની સાપેક્ષમાં ઉભા રહેવાની ક્ષમતા ધરાવે છે. પ્રાઈવેટ યુનિવર્સિટી કરતા ટ્રેડીશનલ-ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓનું મહત્વ અને ભાવિ ખુબ જ ઉજળુ છે અને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ તેમજ પ્લેસમેન્ટમાં વધારો થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે તેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હાલના કાર્યકારી કુલપતિ ડો.નિલાંબરીબેન દવેએ ‘અબતક’ મીડિયા હાઉસની લીધેલી શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું.

Dsc 2380ખુબ જ ઉચ્ચકક્ષાનો ૩૦ વર્ષનો અનુભવ ધરાવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીના ડીન અને હાલના કાર્યકારી કુલપતિ ડો.નિલાંબરીબેન દવેએ ‘અબતક’ મીડિયા હાઉસના મેનેજીંગ તંત્રી સતીષભાઈ મહેતા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના કુલપતિ પદનો ચાર્જ સંભાળ્યો એ મારા માટે ખુબ જ ગરીમાપૂર્વક વાત છે. જે યુનિવર્સિટીમાં હું ૩૦ વર્ષથી જોડાયેલ છું ત્યાં જ મને સર્વોચ્ચ હોદા પર કામ કરવાની તક મળી અને એક સ્ત્રી તરીકે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની મુહિમ સ્ત્રીસશકિત કરણની દ્રષ્ટીએ મને પ્રથમ કુલપતિ બનવાનું ખુબ જ ગૌરવ છે. હાલ તો હું કાર્યકારી કુલપતિ તરીકે ચાર્જ સંભાળું છું પરંતુ ભવિષ્યમાં વધુ સમય આ હોદા પર સ્થાન મળશે તો આગળ કઈ રીતે વધવુ તેનો વિચાર પણ કર્યો છે. આર્થિક દ્રષ્ટીએ યુનિવર્સિટીને ઘણી બધી ગ્રાન્ટ મળી રહી છે. આર્થિક કોઈ જ પ્રશ્ર્નો રહ્યા નથી પરંતુ ગુણવતા કઈ રીતે આગળ વધે તે દિશામાં કામ કરીશ. એ ગ્રેડ યુનિવર્સિટીમાંથી એ+ ગ્રેડ બને તેવું બધાનું અને મારું સ્વપ્ન છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ખાસ તો ભવિષ્યમાં વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળે તેવા પ્રયાસો હાથ ધરવાના છે. ટુંક સમયમાં ફેકલ્ટીના વડા સાથે મીટીંગ યોજી પ્લેસમેન્ટને કઈ રીતે અગ્રતા આપી શકાય તે દિશા તરફ કામ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર અને ખાસ તો રાજકોટ ઈન્ડસ્ટ્રીયલ હબ તરીકે ઓળખવામાં આવે છે. નવી ફુડ ઈન્ડસ્ટ્રીઝ પણ ડેવલોપ થઈ રહી છે. ઈન્ડસ્ટ્રીઝ લોકોને જે જોઈએ છે તે પુરતો મળતો નથી. વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ સારી નોકરી મળતી નથી તો આ બન્ને વાત વચ્ચેના ગેપ દુર થાય તેવા પ્રયાસો કરાશે. ઈન્ડસ્ટ્રીઝ વેપારીઓની માંગને આધારે આપણા કોર્ષમાં તેને ઉમેરી જેથી વિદ્યાર્થીઓને સારું પ્લેસમેન્ટ મળી શકે.

Dsc 2358

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફેકલ્ટી ઉચ્ચકક્ષાની છે. કોર્ષ પણ ખુબ જ સારા છે. સૌરાષ્ટ્રના લોકો ઈંગ્લીશમાં થોડા પાછળ છે જેથી ડોકયુમીન્ટ્રેશન તરફ વધુ ધ્યાન આપવું જરૂરી છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના સંશોધનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થાય છે. પ્રાઈવેટ યુનિવર્સિટીની વાત કરતા ડો.નિલાંબરીબેન દવેએ જણાવ્યું હતું કે, ખાનગી યુનિવર્સિટીમાં કોર્પોરેટ કક્ષાનું કલ્ચર તેની સામે ટ્રેડીશનલ યુનિવર્સિટીમાં ખુબ જ નજીવા દરે વિદ્યાર્થીઓને શિક્ષણ પુરુ પાડવામાં આવે છે. ટ્રેડીનશલ યુનિવર્સિટીનું ભવિષ્ય કયારેય અટકી ના શકે.  રાજનીતિ વિષયક તેઓએ જણાવ્યું હતું કે, રાજનીતિની મર્યાદા હોય છે. નિયમોના દાયરા વચ્ચે કામ કરવાનું હોય છે. સેનેટ અને સિન્ડિકેટ છે કે જે એવા પ્રશ્ર્નો હોય તો તેની સમક્ષ મુકવામાં આવે છે. રાજનીતિ એક ભાગ છે પરંતુ પારદર્શક દ્રષ્ટીથી જોવા મળે તો તેની કોઈ મોટી અસર જોવા મળતી નથી.  વેકેશનના દિવસો દરમિયાન અમો પોતે પેપર ચેક કરવા માટે જતા હોય છીએ અને બને ત્યાં સુધી ઝડપથી વિદ્યાર્થીઓને રિઝલ્ટ મળી રહે તેવા જ પ્રયાસો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે.

અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમવાર નેક આવી ત્યારે હું એક માત્ર મહિલા અધ્યાપક જે યુનિવર્સિટી સાથે જોડાયેલી હતી અને હવે યુનિવર્સિટીને એ+ ગ્રેડ મળે તેવા પ્રયાસો કરીશ અને છેલ્લા એક અઠવાડીયાથી કાર્યકારી કુલપતિ તરીકે ચાર્જ સંભાળ્યો બધાનો ખુબ જ સારો સપોર્ટ મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.