Abtak Media Google News

બિગ બજારને ઇલુ ઇલુ મોંધુ પડી જશે…?

એમેઝોન સાથે ફયુચર ગ્રુપનો નહીં પણ ફયુચર કુપન કંપનીનો સોદો સુપ્રીમની બ્રેક છતાં રિલાયન્સ સાથેની ડીલ યોગ્ય હોવાનું કંપનીનું રટણ

હાલ ઈ-કોમર્સ ક્ષેત્રની કંપની એમેઝોન, રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. ફ્યુચર અને રિલાયન્સ વચ્ચે થયેલા કરારનો એમેઝોનને વિરોધ કરી સુપ્રીમ કોર્ટમાં કેસ જીત્યો છે. પણ હજુ એમેઝોનનો નિવેડો આવ્યો નથી..!! જ્યાં સુધી એમેઝોન નિવેડો ન આવે ત્યાં સુધી ફ્યુચરનું ભવિષ્ય અંધકારમય રહેશે..!! અને બિગ બજારની માલિકી ધરાવતા આ ફ્યુચર ગ્રુપને રિલાયન્સ સાથેનું ઈલું-ઈલું મોંઘું પડી જાય તો નવાઈ નહિ..!!

તાજેતરમાં સિંગાપોર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર ( એસઆઇએસી )એ ચુકાદો આપ્યો છે કે ફ્યુચર રિટેલ લિમિટેડ (એફઆરએલ)એ એમેઝોન અને ફ્યુચર કૂપન્સ પ્રાઇવેટ લિમિટેડ (એફસીપીએલ) વચ્ચે રિલાયન્સ રિટેલને તેની સંપત્તિ વેચવાની યોજના અંગે ચાલી રહેલી લવાદ માટે “યોગ્ય પક્ષ” છે.

જણાવી દઈએ કે, થોડા સમય પહેલા ફ્યુચર ડીલ ખૂબ ચર્ચામાં રહી હતી. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. ફ્યુચર ગ્રુપનો અમુક હિસ્સો રૂપિયા 24 હજાર કરોડમાં રિલાયન્સને વેચવા માટે ઓગસ્ટ 2020માં સોદો થયો હતો. જેની વિરુદ્ધ એમેઝોને વાંધો ઉઠાવી સિંગાપોર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરમાં  અરજી કરી જણાવ્યું હતું કે રિલાયન્સ અને ફ્યુચર વચ્ચેની આ ડીલ અયોગ્ય છે. કારણ કે અમે પણ ફ્યુચર ગ્રુપમાં હિસ્સો ધરાવીએ છીએ. અમેરિકન ઈ-કોમર્સ કંપની એમેઝોનનો પણ ફ્યુચર ગ્રુપ સાથે કરાર છે.

એમેઝોને વર્ષ 2019માં ફ્યુચર ગ્રુપની પેટા કંપની ફ્યુચર કૂપન લિમિટેડમાં 49% હિસ્સો ખરીદ્યો હતો. અને આ સાથે જ એમેઝોનને તેના હિસ્સાની લેવડ દેવડની વ્યવહાર કરવાનો પણ હક્ક મળેલો. ફ્યુચર કુપન કંપની કે જેનો ફ્યુચર ગ્રુપના રિટેલ બિઝનેસમાં 9 % હિસ્સો છે. આમ, પરોક્ષપણે એમેઝોનને આ ફ્યુચર ગ્રુપના ખરીદ વેચાણને લગતા નિર્ણયોમાં પણ સહભાગી થવાનો હક્ક મળેલો. રિલાયન્સ સાથેના ફ્યુચર ગ્રુપના આ સોદાનો એમેઝોને વિરોધ કર્યો અને આ એકતરફી નિર્ણયને પાછો ખેંચવા માંગ કરી અને સુપ્રીમે એમેઝોનનો પક્ષ માન્ય રાખી રિલાયન્સ અને ફ્યુચર વચ્ચેની ડીલને રદ કરી નાખી.

જો કે તાજેતરમાં ફ્યુચર ગ્રુપ દલીલ કરી રહ્યું હતું કે તેણે એમેઝોન સાથે કોઈ કરાર કર્યો નથી અને જે કરાર છે કે તે પેટા કંપની એફસીપીએલ સાથે છે. જે સાથે શેરહોલ્ડર કરાર છે. જેના પગલે 2019માં એમેઝોને એફસીપીએલમાં લગભગ 1,400 કરોડનું રોકાણ કર્યું હતું. જે ફ્યુચર ગ્રુપમાં લગભગ 9.8% હિસ્સો ધરાવે છે. એફસીપીએલમાં એમેઝોનના રોકાણ સમયે ત્રણ અલગ અલગ કરાર થયા છે. એક એમેઝોન અને FCPL વચ્ચે છે, બીજું FCPL અને BSE- લિસ્ટેડ FRL વચ્ચે અને ત્રીજું FCPL અને ફ્યુચર ગ્રુપ વચ્ચે છે. આ સામે ગઈકાલે SIACએ પોતાના ચુકાદામાં કહ્યું કે આ ત્રણ અલગ અલગ કરારોને “એક સાથે જોઈએ” તો એમેઝોનનો પક્ષ યોગ્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.