ગુજરાતના “નાના અંબાજી” તરીકે પ્રચલિત સાબરકાંઠા સ્થિત મંદિરના દ્વાર ખુલ્યા, શું છે અહીંનો રસપ્રદ ઈતિહાસ ?

કોરોનાની બીજી લહેરની શરુઆત થતા જ સાવચેતીના ભાગરૂપે ગુજરાત સહિત દેશભરના મંદિરોના કપાટ બંધ હતા. ભક્તો માટે તો પ્રવેશ પર જ પાબંધી લગાવી દેવાઈ હતી. પરંતુ હવે કોરોનાને કળ વળતા નવા કેસ ઘટતા મોટા ભાગના મંદિરો ફરી ખુલવા માંડ્યા છે. ગત બે દિવસથી મંદિર, દેવસ્થાનો ફરી ખુલતા ભક્તોમાં ખુશીની લહેર વ્યાપી છે. ગુજરાતમાં અંબાજી, ચોટીલા, ખોડલધામ, દ્વારકાધીશનું જગત મંદિર સહિતના પ્રસિદ્ધ દેવસ્થાનો ખુલતા આજરોજ સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલ પ્રસિદ્ધ અંબિકા માતાજીનું મંદિર ખુલ્યું છે. જેને ગુજરાતના નાના અંબાજી તરીકે પણ ઓળખવામાં આવે છે.

યાત્રાધામ ખેડબ્રહ્માનુ અંબાજી મંદિર કોરોનાને કારણે બે મહિના પહેલાં દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યુ હતુ. ત્યારે હવે કોરોનાના કેસ ઘટતા સરકારની ગાઈડ લાઈન મુજબ આજથી દશઁનાથીઁઓ માટે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા છે. આ અંગે અંબાજી મંદિર ટ્રસ્ટના આસીસ્ટન્ટ મેનેજર નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે દશઁન કરવા આવનાર ભકતે કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવાનું રહેશે. જયારે આરતી સમયે કોઈપણ ભકતને પ્રવેશ આપવામાં આવશે નહીં.

શું છે આ મંદિરનો ઈતિહાસ ?

ગુજરાત રાજ્યમાં મા અંબેના બે મંદિર જે વિશ્વ પ્રસિદ્ધ છે. એક અંબાજી માતાનું મંદિર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે. જ્યારે અન્ય એક મંદિર કે જે નાના અંબાજી તરીકે જાણીતું છે. જે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલું છે. આ ધામ પુરાતનકાળનું એટલે કે બ્રહ્મક્ષેત્રનગર વસ્તુ તે સમયનું છે. બ્રહ્મક્ષેત્ર એ બ્રહ્માજી નું ક્ષેત્ર છે. જ્યાં બ્રહ્માજીનું પુરાણું મંદિર પણ આવેલું છે. ખેડબ્રહ્મા બ્રહ્માની ખેડ તરીકે પણ ઓળખાય છે. ભારતભરમાં બ્રહ્માજીના માત્ર 2 મંદિર આવેલા છે એક રાજસ્થાનના પુષ્કરમાં અને બીજું ગુજરાતના સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં. અહીં ત્રણ નદીઓનો સંગમ થાય છે, જેથી આ સંગમ તીર્થ તરીકે પણ પ્રસિદ્ધ છે.

આ અંબિકા માતાજીનું મંદિર ૧૧મી સદીનું છે, જ્યાં માતાજીના વાહનની સવારી દરેક વાર મુજબ અલગ-અલગ દર્શન થાય છે. એ મુજબ અલંકાર ચઢાવાય છે. મંદિરમાં ઘણા વર્ષોથી અખંડ દીપ જલે છે. એ જ્યોતનું પણ વિધિવત પૂજન થાય છે માતાજીના સભામંડપમાં બે ઊંચા ગોખ છે. ત્યાં પૂર્વમાં ગણપતિજી તથા પશ્ચિમમાં ભૈરવ બિરાજે છે. ચોકની આસપાસ રહેલા સભામંડપમાં અન્ય દેવ-દેવીઓની મૂર્તિઓના દર્શન થાય છે. પૂર્વમાં નીચે માં બહુચરા ની મૂર્તિ બિરાજમાન છે.

 

મા અંબિકાની સવારી નંદી/વાઘ/ગરુડ/ગજ/મયુર/સિંહ એમ જુદા જુદા વાહન પર કરાતાં માતાજીનું સ્વરૂપ ચંડીકા, મહાકાલી, વૈષ્ણવી, પાર્વતી, અંબિકા, સરસ્વતી એમ અલગ-અલગ સ્વરૂપે જોવા મળે છે. કાર્તિકી પૂનમે અહીં મેળો ભરાય છે એજ રીતે ભાદરવી પૂનમે પણ મેળો ભરાય છે.

દંત કથા મુજબ પૌરાણિક ઈતિહાસ

પૌરાણિક એક કથા અનુસાર અંબાજીનું મૂળ સ્થાનક ખેડબ્રહ્મા માનવામાં આવે છે. બનાસકાંઠાના દાંતાના રાજવી અંબિકા માતાજીના અનન્ય ઉપાસક હતા. માતાજી દાંતા નરેશ ઉપર પ્રસન્ન થઈને તેમના રાજ્યમાં આવવા તૈયાર થયા. રાજા આગળ ચાલતા હતા,પાછળ માતાજીની સવારી આવતી હતી. રસ્તામાં ગાઢ જંગલ આવતા રાજાને વહેમ થયો કે માતાજી આવે છે કે નહીં એ જોવા એણે પાછળ જોયુ અને માતાજી ત્યાં જ બિરાજમાન થયા. આથી દાંતા રાજાએ અહીં જ મંદિર બંધાવ્યું જે આજે નાના અંબાજીના સ્થળ તરીકે પ્રસિદ્ધ છે.