Abtak Media Google News

કોર્પોરેશનમાં કાલે જનરલ બોર્ડની બેઠક: વિપક્ષનો પ્રશ્ર્ન છેલ્લે છતાં બોર્ડમાં હંગામાની સંભાવના

રાજકોટ મહાનગર પાલિકામાં આવતીકાલે સવારે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં વિરોધ પક્ષના ચાર કોર્પોરેટરો રોગચાળા અને બિસ્માર રસ્તા પ્રશ્ર્ને શાસકો પર તડાપીટ બોલાવી તેવી સંભાવના નકારી શકાતી નથી. બોર્ડની પ્રશ્ર્નોત્તરી કાળમાં વિરોધ પક્ષનો પ્રશ્ર્ન છેલ્લો છે છતાં વિપક્ષ બોર્ડમાં હંગામો મચાવે તેવી શક્યતા જણાઇ રહી છે.

કોર્પોરેશનમાં દર બે મહિને સામાન્ય સભા મળે છે. જેમાં એક કલાકના પ્રશ્ર્નોત્તરી કાળમાં નગરસેવકો શહેરીજનોની સુખાકારી અને સુવિધાને લગતા પ્રશ્ર્નોની ચર્ચા કરવાને બદલે ખોટે-ખોટા હંગામા અને આક્ષેપ બાજીમાં સમય પસાર કરી દે છે.

પરિણામે ગમે તેટલાં પ્રશ્ર્નો બોર્ડમાં રજૂ કરવામાં આવ્યા હોય પરંતુ માત્ર એક જ પ્રશ્ર્નની ચર્ચામાં એક કલાકનો પ્રશ્ર્નોત્તરી કાળ વેડફાઇ જાય છે. કાલે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં ભાજપના 14 કોર્પોરેટરોએ ર9 અને કોંગ્રેસના એકમાત્ર નગરસેવિકા ભાનુબેન સોરાણીએ ત્રણ પ્રશ્ર્નો રજૂ કર્યા છે. બોર્ડમાં સૌપ્રથમ મનિષભાઇ રાડીયાના પ્રશ્ર્નની ચર્ચા થવાની છે.

સૌથી મોટી આશ્ર્ચર્યની બાબતએ છે કે ભાજપના એકપણ નગરસેવકોએ લોકોને સિધી અસર કરતા પ્રશ્ર્નો પૂછ્યા નથી. એકદમ વાહિયાત પ્રશ્ર્નો રજૂ કર્યા છે. માત્ર પ્રશ્ર્નોત્તરી કાળનો સમય વેડફફા માટે પ્રશ્ર્નો પૂછાયા હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ પૂર્વ વિપક્ષી નેતા અને વોર્ડ નં.15ના નગરસેવક વશરામભાઇ સાગઠીયાને સેક્રેટરી દ્વારા જનરલ બોર્ડ અંગે જાણ કરવામાં આવી ન હોવાથી તેઓ પ્રશ્ર્ન પૂછી શક્યા નથી. જો કે તેઓ આવતીકાલે જનરલ બોર્ડમાં શહેરમાં હાહાકાર મચાવી રહેલા ડેન્ગ્યૂ, મેલેરિયા સહિતના રોગચાળા અને બિસ્માર રાજમાર્ગો અંગે વ્યાપક હંગામો મચાવવાની વેતરણમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. બોર્ડમાં કાલે માત્ર ત્રણ દરખાસ્ત અંગે નિર્ણય લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.