તમારા પરિવારમાં બે વ્યક્તિઓને આંતરડાનું કેન્સર હોય તો આ જિનેટિક ટેસ્ટ ચોક્કસ કરાવો

cancer | health tips
cancer | health tips

જો પરિવારમાં બે વ્યક્તિઓને આ કેન્સર હોય તો એ વ્યક્તિઓનાં ભાઈ-બહેન અને પુત્ર-પુત્રી કે પૌત્ર-પૌત્રીએ પણ આ બકલ મ્યુકોસા નામની જિનેટિક ટેસ્ટ કરાવવી જોઈએ જેનાથી ખબર પડી શકે છે કે તેમને આ કેન્સર થવાની કેટલી શક્યતા છે. જો રિસ્ક હોય તો પ્રિવેન્ટિવ સર્જરી કરાવીને આ કેન્સરથી બચી શકાય છે

કેન્સર એક એવી બીમારી છે, જે વારસાગત આવી શકે છે. ઘણાં જુદાં-જુદાં કારણો છે કેન્સર થવા પાછળ. પરંતુ તમારા કુટુંબમાં કેન્સર છે તો એ તમને પણ થઈ શકે છે, કારણ કે આ એક જિનેટિક બીમારી પણ છે. હાલમાં રાયગઢ જિલ્લાના પેણમાં રહેતા એક કુટુંબમાં પિતાને આંતરડાનું કેન્સર હતું અને તેમનું પચાસ વર્ષે ઑપરેશન કરવામાં આવ્યું અને તેમને બચાવવામાં આવ્યા એના દોઢ વર્ષ પછી તેમના જ દીકરાને ૧૯ વર્ષે આંતરડાનું કેન્સર આવ્યું હતું. તેનું હાલમાં એક મહિના પહેલાં જ ઑપરેશન કરીને તેને બચાવવામાં આવ્યો. ૧૯ વર્ષ જેટલી નાની ઉંમરે એક છોકરાને કેન્સર આવી શકે એ કલ્પના જ અઘરી છે. ડોક્ટરો પણ આ ઉંમરના દરદી આવે તો તેનાં ચિહ્નો જોઈને બીજા પ્રોબ્લેમ્સની સંભાવના ચકાસતા હોય છે અને જાતજાતની ટેસ્ટ કરવામાં સમય વેડફાય ત્યાં સુધીમાં કેન્સર ઘણું વધી જાય છે. પરંતુ આ છોકરામાં કદાચ નિદાન જલદી એટલે શક્ય બન્યું, કારણ કે તેના પિતાને પણ આ કેન્સર હતું. નવાઈની વાત એ છે કે તેના પિતાને આંતરડાના જે ભાગમાં કેન્સર હતું એ જ ચોક્કસ ભાગમાં આ છોકરાને પણ હતું. જીન્સ કેટલી હદે અને કઈ રીતે કામ કરતા હોય છે એ આ ઉદાહરણ પરથી સમજી શકાય.

નિદાન મુશ્કેલ

આંતરડાના કેન્સરને કોલન કે કોલોરેક્ટલ કેન્સર કહે છે. વ્યવસ્થિત સમજીએ તો કોલોરેક્ટલ કેન્સર એ કેન્સરની એવી ગાંઠ છે જે મોટા આંતરડાની દીવાલની અંદર ઉદ્ભવે છે. અમેરિકામાં આ કેન્સરને  પુરુષોમાં થતું ત્રીજા નંબરનું અને સ્ત્રીઓમાં થતું ચોથા નંબરનું કેન્સર ગણવામાં આવે છે. આંતરડાનું કેન્સર પેટમાં ઉદ્ભવતાં અલગ-અલગ અંગોમાંનાં કેન્સરમાંથી એક છે, જેનું જલદી નિદાન કરવું મુશ્કેલ છે; કારણ કે એનાં ચિહ્નો પહેલા સ્ટેજમાં બહાર દેખાતાં નથી. જોકે અમુક સામાન્ય ચિહ્નોને જો સમયસર ઓળખી કાઢીએ તો બચવું શક્ય છે. બીજાં કેન્સરની જેમ જ આ કેન્સરને પણ જો જલદી શરૂઆતી સ્ટેજમાં ઓળખી લેવાય તો દરદીને ચોક્કસ બચાવી શકાય છે

ખાસ ચિહ્નો

એ માટે અમુક ચિહ્નો પણ ઓળખવાં જરૂરી છે. એ વિશે જણાવતાં ઝેન હોસ્પિટલ, ચેમ્બુરના ફાઉન્ડર ડિરેક્ટર, ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ અને લેપ્રોસ્કોપિક ડોકટર કહે છે, ખાસ કરીને આ રોગ વંશાનુગત હોઈ શકે છે એ યાદ રાખવું. જો વ્યક્તિનું અચાનક જ વજન ઊતરી જાય તો પણ તાત્કાલિક ડોક્ટરને મળીને જરૂરી ટેસ્ટ કરાવવી જોઈએ. આ કેન્સરને કારણે લોકોનું વજન ઊતરી જાય છે. આ સિવાય જેને કોઈ પણ દવા લીધા વગર જ ડાયેરિયા અને કબજિયાત બન્ને વારાફરતી રહેતાં હોય તેમણે પણ ડોક્ટરને મળીને ટેસ્ટ કરાવી લેવી. કોઈ વ્યક્તિ રેચક પદાર્થ લેતી હોય તો તેને આ તકલીફ થાય એ જુદું, પરંતુ કોઈ પણ રેચક પદાર્થ લીધા વગર જ એક અઠવાડિયું ડાયેરિયા હોય અને બીજા અઠવાડિયે કબજિયાત હોય તો આ કેન્સર હોવાની શક્યતા છે. આ સિવાય મળમાં લોહી પડવું કે કાળા રંગનો મળ થઈ જવો, થાક, નબળાઈ, ટૂંકા શ્વાસ, પાચન પ્રક્રિયા નબળી પડવી, પેટમાં દુખાવો વગેરે ચિહ્નો પણ મહત્વનાં છે. આ ચિહ્નો બીજા રોગોનાં પણ હોઈ શકે છે, પરંતુ એવી ગફલતમાં ન રહેવું અને નિષ્ણાત ડોક્ટરને મળીને તપાસ ચોક્કસ કરાવી લેવી.

ઇલાજ

આ રોગમાં જોકે ચિહ્નો જલદી બહાર આવતાં નથી. એટલે સ્ક્રીનિંગ પ્રોગ્રામ ખૂબ જ મહત્વના છે. આ કેન્સરનું નિદાન કોલનોસ્કોપી સાથે ગાંઠની બાયોપ્સી કરીને કરવામાં આવે છે. એ કર્યા પછી ખબર પડે છે કે વ્યક્તિને કોલન કેન્સર છે કે નહીં. એ પછીના ઇલાજ વિશે સમજાવતાં ડોકટર કહે છે, આ કેન્સરનો ઇલાજ ગાંઠ કઈ જગ્યાએ ઉદ્ભવી છે, એની સાઇઝ શું છે અને એ કેટલી હદે ફેલાયેલું છે એના પર રહેલો છે. આ કેન્સરના મુખ્ય ઇલાજરૂપે સર્જરી કરવામાં આવે છે. એના પછી જરૂરી કીમોથેરાપી આપવામાં આવે છે. આ કેન્સર લીવર કે ફેફસાં સુધી પણ ફેલાઈ શકે છે. આ સંજોગોમાં મોટા ભાગે દરદીનું મૃત્યુ નિશ્ચિત હોય છે, પરંતુ આ અવસ્થામાં પણ એક જિનેટિક ટેસ્ટ થાય છે. એ મુજબ દરદીના શરીરમાં બાયોલોજિકલ એજન્ટ્સ હોય તો મોનોક્લોનલ ઍન્ટિબોડીઝ દવારૂપે આપવાથી વ્યક્તિ ૪-૫ વર્ષનું જીવન વધુ જીવી શકે છે. આ ઍડ્વાન્સ્ડ ઇલાજ છે, જે ત્રીજા કે ચોથા સ્ટેજમાં પણ દરદીને જિવાડવામાં મદદ કરે છે.

પ્રિવેન્શન

આ કેન્સર જિનેટિક હોઈ શકે છે એ તો વિજ્ઞાન જાણતું જ હતું. પરંતુ હવે આપણી પાસે એક જિનેટિક ટેસ્ટ છે, જેના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે વ્યક્તિને આ કેન્સર આવવાની શક્યતા છે કે નહીં. આ ટેસ્ટ વિશે વાત કરતાં ડોકટર કહે છે, આ ટેસ્ટને બકલ મ્યુકોસા ટેસ્ટ કહે છે, જેમાં મોઢાની અંદરથી ગાલનાં ગલોફાં પાસેથી કોષોનું એક સેમ્પલ લેવામાં આવે છે અને આ કેન્સરના જીન્સનું મ્યુટેશન એ વ્યક્તિમાં થઈ રહ્યું છે કે નહીં એ તપાસવામાં આવે છે. એના દ્વારા ખબર પડે છે કે આ વ્યક્તિ પર આંતરડાનું કેન્સર થવાનું રિસ્ક કેટલું છે. જે વ્યક્તિના ઘરમાં આ કેન્સર હોય, એક નહીં; પરંતુ બે જણને આ કેન્સર હોય તો તેમના ઘરમાં ખાસ કરીને તેમનાં ભાઈ, બહેન અને નેક્સ્ટ જનરેશન એટલે કે તેમના પુત્ર કે પુત્રીએ તો ખાસ આ ટેસ્ટ કરાવવી જ જોઈએ; કારણ કે જો આ દ્વારા જાણી શકાય કે આ વ્યક્તિ પર આંતરડાના કેન્સરનું રિસ્ક છે તો ચોક્કસપણે સાવધાની રાખીને તેને બચાવી શકાય છે.

પ્રિવેન્ટિવ સર્જરી

બ્રેસ્ટ-કેન્સરમાં એવું હોય છે કે જિનેટિક ટેસ્ટ દ્વારા પહેલેથી જ જાણી લેવામાં આવે કે વ્યક્તિને કેન્સર થવાનું રિસ્ક છે કે નહીં અને જો રિસ્ક હોય તો સર્જરી વડે બ્રેસ્ટ અને ઓવરી કાઢી નાખવામાં આવે, જેથી કેન્સરનું રિસ્ક જતું રહે છે. આ પ્રકારની સર્જરીને પ્રિવેન્ટિવ સર્જરી કહે છે. આવી જ સર્જરી કોલોરેક્ટલ કેન્સરમાં પણ થાય છે. એના વિશે જણાવતાં ડો. રોય પાટણકર કહે છે, જિનેટિક ટેસ્ટ દ્વારા એ જાણી શકાય છે કે કઈ વ્યક્તિ પર આ કેન્સરનું રિસ્ક વધારે છે. જો રિસ્ક હોય તો કેન્સર થયા પહેલાં જ વ્યક્તિનું સર્જરી દ્વારા મોટું આંતરડું લગભગ આખું જ કાઢી લેવામાં આવે છે અને નાના આંતરડાને સીધું ગુદા સાથે જોડી દેવામાં આવે છે. આ રીતે દરદી હેલ્ધી લાઇફ જીવી શકે છે અને તેને કોલોરેક્ટલ કેન્સર આવતું નથી. હાલમાં પવઈમાં રહેતા એક પરિવારમાં મમ્મી અને માસી બન્ને આ કેન્સરનો ભોગ બની હતી એવી ૧૯ વર્ષની છોકરીએ અમારા સૂચન મુજબ જિનેટિક ટેસ્ટ કરાવી અને એ પોઝિટિવ આવી. હાલમાં તેની એક્ઝામ ચાલી રહી છે. એક્ઝામ પતે પછી તે સર્જરી કરાવવા તૈયાર છે, જેને લીધે તે પોતે આ કેન્સરથી બચી શકે છે.