મહારાજા ભગવતસિંહજીના શાસનકાળને પચાસ વર્ષ પુર્ણ થતાં પ્રજા દ્વારા સુવર્ણ મહોત્સવ ઉજવાયો જે ઘટનાની નોંધ વિશ્ર્વમાં લેવાઇ હતી

મારી વચલી પ્રજાનું હિત મારા પ્રાણથી પણ અધિક છે

મહારાજાને તુલામાં બેસાડી ૧૩૪ શેર, ૨૭ તોલા સોનાથી તોળાયાં હતાં

સુવર્ણતુલાનું સોનું પ્રજા કલ્યાણ અર્થે વપરાયું હોય તેવી અજોડ ઘટના

ગોંડલના પ્રજાવત્સલ્ય રાજવી રાજવી મહારાજા ભગવતસિંહજીનાં અમર ઇતિહાસ ને યાદ કરીએ ત્યારે એક અદ્દભુત ઘટનાની નોંધ અચુકપણે લેવી પડે, જેમાં રૈયત દ્વારા રાજવીને અઢળક સ્નેહ અને સન્માન અપાયું છે. એ અદ્દભુત ઘટના એટલે ભગવત સુવર્ણ મહોત્સવ

મહારાજા ભગતવસિંહજી પોતાને રાજાને બદલે રાજયના ટ્રસ્ટી તરીકે ઓળખ આપવી વધુ પસંદ હતી, તેમનાં હૈયે ‘ગોૅડલ સૌથી પહેલા’ આ મુદ્દાલેખ કોતરાયેલો હતો. આજે તેમની સત્તાધીસ્થાનમાં પણ આરસના હ્રદય કમળના મઘ્યમાં ગોંડલ લખેલું જોઇ શકાય છે.

આવા કર્તવ્ય પરાયણ અને પ્રજાપ્રેમી મહારાજાના યશસ્વી રાજય વહીવટ કે પ્રજાલક્ષી શાસન ને રપ ઓગસ્ટ ૧૯૩૪નાં પચાસ વર્ષ પૂર્ણ થતાં ગોંડલની પ્રજાએ અનેરા ઉમંગ અને ભાવઉલ્લાસ સાથે સુવર્ણ મહોત્સવ ઉજવ્યો હતો. જેમાં મહારાજા ભગવતસિંહજીને સોનાની તોળી સુવર્ણ-તુલા વિધી કરાઇ હતી. એ સમયે મહારાજાને તુલામાં બેસાડી ૧૩૪ શેર, ૨૭ તોલા સોનાથી તોળાયા હતા એટલે કે ૧૧૫ કિલો સોનું ગણી શકાય એ સમયે સોનાની કિંમત રૂ. ૧,૮૫,૫૧૫ થઇ હતી. આજના સમયમાં જો ગણતરી કરવા આવે તો કિંમત ૬૦ કરોડ રૂપિયાં ગણાય, એ તમામ સોનું મહારાજા એ પોતાની પાસે રાખવા ને બદલે જનાર્પણ કર્યુ હતું. તા. ૧૬-૧૦-૧૯૩૬નાં રોજ કચેરી હુકમ  નં. ૩૨૫ થી ભગવતસિંહજીએ વ્યાજની રકમ ઉમેરી કુલ રૂા. ૧,૯૫,૯૨૧ અને એક આનો તથા તમામ રકમ જનકલ્યાણ અર્થે વાપરવા નકકી કર્યુ.

મહારાજાએ આ રકમમાંથી રાજયમાં ૧૮૩ નવા કુવા બંધાવ્યા હતા. ર૫૭ જુના કુવાઓનું સમાર કામ કરાવ્યું હતું. પશુઓ માટે પીવાના પાણીના પ૩ જુના અવેડાઓનું સમારકામ કરી ૫૫ નવા અવેડાઓનું નિર્માણ કર્યુ હતું. ૭૪ વોટરપંપ બેસાડયા હતા. નદી પર દશ તથા ઘાટ  બંધાવી  આપ્યા હતા. તથા બે નવા તળાવનું નિર્માણ કર્યું હતું. પ્રજા માટે કરાયેલા આ જનકલ્યાણના કાર્યો માટે મહારાજાએ રાજયના દરેક ગામમાં એક સમિતી બનાવી હતી. આ સમીતીમાં એક ખેડુત એક શાળાના હેડ માસ્તર એક રેવન્યુ પટેલ, અને એક પોલીસ પટેલની નિમાણૂંક કરી હતી.

આજના સમયમાં પ્રજાના કહેવાતા કલ્યાણ કાર્યો કરતી ગોંડલથી ગાંધીનગર સુધીની કચેરીઓમાં ભ્રષ્ટાચારનું દુષ્ણ ‘ટોપ પ્રાયોરીટી’ પર હોય છે. પણ દાયકાઓ પૂર્વે મહારાજાનો વહીવટ સ્પષ્ટ અને પારદર્શક હતો. સુવર્ણતુલ્લાની રકમના સદ્દપયોગ માટે તેમણે સમીતીની રચના કરી પ્રજાલક્ષી કાર્યોમાં પણ રૈયતને ભાગીદાર બનાવી હતી.

DCIM100MEDIADJI_0235.JPG

હિન્દુસ્તાનના ઇતિહાસમાં શીવાજી મહારાજ પછી સોનાથી કોઇ જોખાયું હોય તો તે મહારાજા ભગવતસિંહજી હતા. રૈયત દ્વારા તેના રાજાને સોનાથી  તોળ્યા હોય અને તે તમામ સુવર્ણ પ્રજાના કલ્યાણનાં કાર્યમાં વપરાયું હોય તેવી વિશ્ર્વની આ પ્રથમ અદિત્ય ઘટના હતી જે ઇતિહાસના સુવર્ણ પૃષ્ઠો પર સોનેરી અક્ષરે આલેખાઇ છે.

સુવર્ણ મહોત્સવની ઉજવણી પ્રજાએ શાનદાર અને રંગેચંગે ઉજવી હતી, રાજયનાં તમામ ગામમાં વૃક્ષારોપણ કરાયા હતા. કારણ કે મહારાજા વૃક્ષપ્રેમી હતા. આજે પણ સંગ્રામસિંહજી હાઇસ્કુલના પટાંગણ કે ગોંડલના સ્ટેશન પ્લોટમાં સૌથી વધુ વર્ષ જુના લીમડાના વૃક્ષો મહારાજાના વૃક્ષપ્રેમ ની ગવાહી આપે છે. વૃક્ષારોપણ ઉપરાંત ગામે ગામ શણગાર કરાયા હતા. રાજયનાં ગામડા રંગબીરંગી રોશનીથી ઝળહળી ઉઠયા હતા. બાળકો તેમજ ગરીબોને મીઠાઇ બટાઇ હતી. ભોજન અપાયા હતા.

આ પ્રસંગે મહારાજાએ જાહેરાત કરી હતી કે આજે મારા રાજયનો એકપણ વ્યકિત બંધનમાંના હોવો જોઇએ આ હુકમના પગલે એક સાથે ૧૫૦ કેદીઓને જેલમાંથી મુકતી અપાઇ હતી. ૧૫૦ કેદી પૈકી ૪૫ કેદીઓ જન્મટીપના કેદીઓ હતા બાદમાં સમગ્ર જેલને દુધથી ઘોવામાં આવી હતી.

સુવર્ણ તુલા પ્રસંગે રાજયની મહિલાઓએ કન્યા કેળવણીના પ્રખર હિમાવતી સમાજ સુધારક પ્રજાપ્રેમી રાજવીને માનપત્ર એનાયત કર્યુ હતું.

જેમાં જણાવાયું હતું કે સ્ત્રી પ્રગતિનાં સાચા પ્રણેતા નિડર સુધારક તરીકે ગોંડલમાં નવાયુગને સર્જવાનું માન આપને ઘટે છે. વહેમ, અંધશ્રઘ્ધા કે અજ્ઞાનની જુની સંકુચીત ઘરેડમાંથી બહાર લાવી આપવી રૈયતનો ઉઘ્ધાર કરવા અર્ધ સદી પહેલા આપે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા હતા. જયારે કેળવણીકારો સહશિક્ષણની યોગ્યતા ને ચર્ચાનો વિષય બનાવી બેઠા હતા. ત્યારે આપે ગામડાઓમાં કુમારો અને ક્ધયાઓને પ્રાથમિક શિક્ષણની સુવિધા પુરી પાડી, ગુજરાતી સાથે અંગ્રેજીનું શિક્ષણ દાખલ કરી આપની અણ નિર્ણય શકિતનો પરિચય કરાવ્યો અંગ્રેજી જ્ઞાન મેળવવાની ક્ધયાઓને અમુલ્ય તક આપી, કન્યાને મફત અને ફરજીયાત શિક્ષણપ્રથા દાખલ કરી આપે અમારી સામાજીક પ્રગતિને પ્રોત્સાહન બક્ષ્યું છે. એક યુગ સુધારક તરીકે આપનું દ્રષ્ટાંત સદા ચિરંજીવી રહેશે.

સન્માનનાં પ્રત્યુતરમાં મહારાજા ભગવતસિંહજીએ કહ્યું કે જો પ્રજાનાં ભાવી પુરૂષોના હાથે રચાતા હોય તો પુરૂષોનું ઘડતર સ્ત્રીઓ જ કરે છે. ચારિત્ર્યનો પાયો પારણામાંથી જ ઘડાય છે. સમાજમાં દરજજો સ્ત્રીઓની હોય જે ભોગવવા તેઓ હકકદાર છે.

સુવર્ણ મહોત્સવ ઉજવવા માટે ત્રણ દિવસ નકકી કરાયા હતા. જેને શારદોત્સવ તરીકે ઓળખાવીએ તો એ મહારાજાના શિક્ષણ પ્રેમને ઉજાગર રૂપ હતો. ઉત્સવમાં સંવાદ, સંગીત, દાંડીયારાસ વગેરે કાર્યક્રમ ક્ધયાઓ અને સ્કુલના વિઘાર્થીઓએ રજુ કર્યા હતા. જેને રાજયની જનતાએ ઉમંગપૂર્વક માણ્યા હતા.

આજના સમયે લોકશાહીના શાસકોના સમયકાળ યાદગાર નથી હોતા, ઉલ્ટાનું પ્રજા ભૂલવા મથતી હોય છે જયારે ગોંડલ નરેશના શાસનના પચાસવર્ષ પૂર્ણ થયાનો પ્રજા દ્વારા યોજાયેલો ઉત્સવ અનેક રીતે શાનદાર અને યાદગાર હતો.

આ પ્રસંગે મહારાજા તરફથી અનેક જાહેરાતો કરાઇ હતી. જેમાં રાજયમાં પ્રાથમીક અને માઘ્યમિક શિક્ષણ મફત કરવાની અને ખેડુતોની એક વર્ષની વિઘોટી માફ કરવાની જાહેરાતો મુખ્ય હતી.

પ્રજાના માનપત્રના પ્રત્યુતરમાં મહારાજાએ કહ્યું કે મારું સર્વસ્વ ગોંડલ છે. મારી વહાલી પ્રજાનું હિત મારા પ્રાણથી પણ વધારે છે. પ્રજાનાં સુખ અને સંતોષ મારૂ ઘ્યેય છે મારૂ જીવન મેં ગોંડલને સમર્પીત કર્યુ છે.

સુવર્ણ મહોત્સવને ઐતિહાસિક અને સ્મરણીય બનાવવા પ્રજા દ્વારા સ્મારક રૂપે મહારાજાના વચનો, પ્રતિષ્ઠીત પુરૂષોના અભિપ્રાય, મહારાજાના કાર્યો વગેરેના શિલાલેખો અને તામ્રપત્રો રાજયના તમામ ગામડે અને શહેરોમાં શાળાઓ, મંદીરો કે ચોરા જેવી જાહેર જગ્યાઓએ ભીંતમાં ચોડયાં હતા. ધોરાજી-ઉપલેટામાં મહારાજાની આરસની પ્રતિમાઓ સ્થાપવાનો પ્રજાએ નિર્ણય કર્યો હતો.

સુવર્ણ મહોત્સવમાં ભાગ લેવા ભાવનગર, મોરબી, વાંકાનેર, પાલીતાણા, લીંબડી વગેરે રજવાડાના રાજવીઓ ઉ૫સ્થિત રહ્યા હતા. સુવર્ણ મહોત્સવનું વધુ રોચક વાતો આવતા ગુરૂવારે  (ક્રમશ:)