Abtak Media Google News

મોરબીના સિરામિક ઉદ્યોગ માટે હવે સોનાનો સૂરજ ઉગવાની તૈયારી થઈ ગઈ છે. આ ઉદ્યોગનો વિશ્વના નંબર વન બનવા તરફનો માર્ગ મોકળો થઈ ગયો છે. કારણકે સિરામિક પાર્ક માટે 500 હેકટર જમીનની ફાળવણીની પ્રક્રિયા તેજ બની છે જેથી ત્રણેક મહિના જેટલા સમયમાં જ તેનું કામ શરૂ થવા જઈ રહ્યું છે.

સિરામિક પાર્ક માટે 500 હેકટર જમીનની ફાળવણી

કોરોનાના અદ્રશ્ય વાયરસે દુનિયામાં એન્ટ્રી કરી ત્યારે કોઈ દેશ તેના માટે તૈયાર નહોતો,  આવા કઠીન સમયમાં યોગ આત્મબળનું એક મોટું માધ્યમ બન્યું

મોરબીનો સિરામિક ઉદ્યોગ સ્વબળે સંઘર્ષો કરીને દેશના  સીમાડા વટાવીને પરદેશમાં ધૂમ મચાવી રહ્યો છે. હજુ આ ઉદ્યોગને જો સરકારની મદદ મળે તો સોનામાં સુગંધ ભળી જાય. આ વાત બખૂબી રીતે જાણી ગયેલી સરકાર હવે સિરામિક ઉદ્યોગની મદદે આવી ગઈ છે. જેથી બજેટમાં 500 હેકટર જમીનમાં સિરામિક પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

જેના માટે મોરબીના મકનસર, જાંબુડિયા અને પાનેલી નજીક 500 હેકટર જમીનની જીઆઇડીસીને સોંપણીની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ જમીનની સોંપણીને રાજ્ય સરકાર મંજૂરીની મહોર મારવા જઈ રહી છે. જેથી હવે ત્રણેક મહિના જેટલા સમયમાં જ સિરામિક પાર્કના નિર્માણના શ્રી ગણેશ શરૂ થનાર છે. આ સિરામિક પાર્કના નિર્માણ બાદ તેમાં 15000 કરોડનું રોકાણ થાય તેવી શક્યતાઓ છે.

જીઆઈડીસીના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમ થેનનરસને જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં સિરામિક્સ ઉદ્યોગની વૃદ્ધિ અને વિકાસને વધારવા માટે જીઆઈડીસી 500 હેક્ટરમાં સિરામિક્સ પાર્ક બનાવવાની તૈયારીમાં છે. જે શહેરથી આશરે 11 કિ.મી. દૂર હશે.  મુખ્યમંત્રીના નિર્દેશો પછી, ઉદ્યોગ સંગઠનો સાથે એક હોદ્દેદારોની બેઠક મળી હતી અને તેમના સૂચનો  પણ લેવામાં આવ્યા છે, તેમ તેમણે જણાવ્યું હતું. પાર્કનો માસ્ટર પ્લાન જલ્દીથી તૈયાર થાય તેવી સંભાવના છે. ગ્રાઉન્ડ-લેવલ સર્વે અને સ્થાનિક તંત્ર સાથે બેઠકો થઈ ગઈ છે. જીઆઈડીસી ત્રણ મહિનામાં મંજૂરી માટે સરકારને રિપોર્ટ રજૂ કરશે. અમે જમીન પર ત્રણ કે ચાર મહિનામાં કામ શરૂ કરવાની અપેક્ષા રાખીએ છીએ, તેમણે ઉમેર્યું.

મોરબી ભારતનું સિરામિક્સ હબ તરીકે ઓળખાય છે, મોરબીમાં 800થી વધુ સિરામિક્સ અને ટાઇલ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. મોરબી સિરામિક ઉદ્યોગ ક્લસ્ટર દેશમાં ઉત્પાદિત ટાઇલ્સમાં 95% કરતા વધારે ફાળો આપે છે. જ્યારે મોટાભાગના ઉદ્યોગો વિકાસ માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે મોરબીનો સિરામિક્સ ઉદ્યોગ સૌથી ઝડપથી વિકસતો હતો.

નિકાસના તમામ પ્રશ્નો દૂર કરવા સતત પ્રયત્નશીલ રહીશ : સાંસદ મોહનભાઈ 

Mohan

સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે સિરામિક પાર્કના નિર્માણથી સિરામિક ઉદ્યોગોને ખૂબ ફાયદો થશે. અનેક નવા એકમો શરૂ થશે જેનાથી રોજગારીનું પ્રમાણ પણ વધશે. આ સાથે પ્રોડક્શન વધશે અને નિકાસ પણ વધશે. જેથી ઉદ્યોગોને નિકાસમાં જે પ્રશ્નો હશે તેને કેન્દ્ર કક્ષાએથી નિરાકરણ લાવવા તેઓ સતત પ્રયત્નશીલ રહેશે. તેઓએ અંતમાં જણાવ્યું કે સિરામિક પાર્કના નિર્માણથી સિરામિક ક્ષેત્રે નવો સોનાનો સૂરજ ઉગશે.

સિરામિક પાર્ક વર્લ્ડ કલાસ ક્લસ્ટર તરીકે ઉભરી આવશે : નિલેશ જેતપરિયા

Nilesh

સિરામિક એસોસિએશનના પ્રમુખ નિલેશ જેતપરીયાએ જણાવ્યું કે જો સિરામિક પાર્ક બનશે તો તે વર્લ્ડ કલાસ ક્લસ્ટર તરીકે ઉભરી આવશે. નવી ટેકનોલોજી અને નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે નવી ઇન્ડસ્ટ્રીઝ બનશે. સારા ઇન્વેસ્ટરો અને વિદેશી કંપનીઓ પણ અહીંથી કામ કરાવશે. હાલ ચાઈના સિરામિક ક્ષેત્રે નંબર વન છે. જો આ સિરામિક પાર્કનું નિર્માણ થઈ જશે તો મોરબીના સિરામિક ઉદ્યોગને નંબર વનનું સ્થાન પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો બની જશે.

હાલ 163 દેશોમાં ટાઇલ્સની નિકાસ, સિરામિક પાર્કના નિર્માણ બાદ નિકાસ બમણી થવાની ધારણા

મોરબીની સિરામિક પ્રોડક્ટ હાલ અખાતી દેશો, યુરોપિયન દેશો, આફ્રિકન અને એશિયન ઉપરાંત અમેરિકન દેશોમાં પણ નિકાસ થાય છે. જેમાં પ્રથમ પાંચ ક્રમે સાઉદી અરેબિયા, અમેરિકા, યુએઈ, ઇન્ડોનેશિયા અને ઈરાક છે. આ સહિત કુલ 163 દેશોમાં હાલ મોરબી સિરામિક ઉત્પાદનની નિકાસ કરી રહ્યું છે અને વિદેશી હુંડિયામણ ભારતને રળી આપી રહ્યું છે. સિરામિક પાર્કના નિર્માણ બાદ આ નિકાસ બમણું થવાની શકયતા સેવાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.