ઇલેક્ટ્રોનિકના હૃદય સમાન ચિપમાં આત્મનિર્ભર બનવા સરકારે રૂ. ૭૬ હજાર કરોડનો બુસ્ટર ડોઝ આપ્યો!!

આત્મનિર્ભરતા: ચિપ એટલી ‘ચીપ’ નથી

ચિપ ઉત્પાદન માટે જરૂરી મોટા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના પડકારને ખાળવા પીએલઆઈ સ્કીમ હેઠળ સરકાર આપશે પ્રોત્સાહન

ઈલેક્ટ્રોનિકસ ઉદ્યોગમાં સૌથી મહત્વપૂર્ણ ઉપકરણમાં ચિપનો સમાવેશ કરવામાં આવે છે. અલગ અલગ સંસાધનોમાં અલગ અલગ પ્રકારની અનેક ચિપનો ઉપયોગ થતો હોય છે. આ ચિપનું ઉત્પાદન હાલ ભારતમાં થતું નથી અને તેની સામે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવા ચિપની ખૂબ જ મોટી માંગ રહેતી હોય છે જેના કારણે ભારતીય કંપનીઓ વિદેશથી ચિપ આયાત કરવા મજબૂર છે અને સતત ચિપ માટે અન્ય દેશો પર નિર્ભર હોય છે.

ચિપનું ઉત્પાદન ભારતમાં નથી થતું તેની પાછળ જવાબદાર પરિબળની જો વાત કરવામાં આવે તો ઉત્પાદન માટે અંદાજે ૧૦ લાખ કરોડ જેટલા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટની જરૂરિયાત રહેતી હોય છે જેના કારણે કોઈ કંપની આ ક્ષેત્રમાં ઝંપલાવતી ન હતી અને હાલ સુધી આ પ્રોડક્ટના ઉત્પાદન પર કોઈ જ પ્રકારનું પ્રોત્સાહન આપવામાં આવતું ન હતું ત્યારે હવે કેન્દ્ર સરકારે ચિપના ઉત્પાદનમાં આત્મનિર્ભર થવા પીએલઆઈ યોજના હેઠળ પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે.

સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે, કેન્દ્રિય મંત્રીમંડળે સેમીકંડક્ટર અને ડિસ્પ્લે બોર્ડના નિર્માણને પ્રોત્સાહન માટે પીએલઆઇ યોજનાને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવે યોજનાની જાણકારી આપતા કહ્યું છે કે, બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઐતિહાસિક નિર્ણય લીધો હતો જેનાથી દેશમાં સેમીકંડક્ટર ચિપ્સની ડિઝાઇન, ફેબ્રિકેશન, પેકેજિંગ, ટેસ્ટિંગ અને  કંપ્લીટ ઇકો સિસ્ટમ ડેવલપ થઇ શકશે. જેના માટે આજે રૂ. ૭૬ હજાર કરોડ રૂપિયાના રોકાણ ફાળવવામાં આવ્યું છે.

યોજનાની જાણકારી આપતા અનુરાગ ઠાકુરે કહ્યું કે, સેમીકંડક્ટર માટે પીએલઆઇ યોજના પર રૂ. ૭૬ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરાશે. કેન્દ્ર સરકાર આ યોજના મારફતે દેશને ઇલેક્ટ્રોનિક હબના રૂપમાં વિકસિત કરવા માંગે છે.  કારણ કે માઇક્રોચિપ્સની અછતના કારણે ઉદ્યોગોના પ્રોડક્શન પર સીધી અસર પડે છે.

સેમિકન્ડક્ટરની અછતને લીધે ૭ લાખ કારની ડિલિવરી અધ્ધરતાલ!!

સેમિકન્ડક્ટરની અછતને કારણે દેશમાં ૭ લાખથી વધુ કાર ખરીદનારાઓ તેમની કારની ડિલિવરીની રાહ જોઈ રહ્યા છે.  સેમિકન્ડક્ટર ચિપ્સની અછતને કારણે કાર કંપનીઓ સમયસર નવી કારની ડિલિવરી કરી શકતી નથી.  એક તરફ અર્થવ્યવસ્થાની શરૂઆત પછી માંગમાં અચાનક ઉછાળો આવ્યો અને નવા મોડલ પણ લોન્ચ કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ સેમિકન્ડક્ટર્સની અછત છે.

આવી સ્થિતિમાં કારની ડિલિવરી માટે રાહ જોવાનો સમયગાળો લાંબો થઈ રહ્યો છે અને ડિલિવરીની રાહ જોતા ગ્રાહકોની સંખ્યા પણ વધતી જઈ રહી છે. ડિલિવરી માટે રાહ જોવાનો સમયગાળો ઘણા મહિનાઓથી ચાલે છે. હાલ ગાડીની ડિલિવરી માટેનો સમયગાળો એક વર્ષ સુધીનો થઈ ગયો છે.

લાંબા સમય સુધી રાહ જોવાના સમયગાળા સાથે ટોચના મોડલ્સમાં મહિન્દ્રા એક્સયુવી ૭૦૦, મારુતિની સીએનજી વેરિઅન્ટનો સમાવેશ થાય છે. ઉપરાંત હ્યુન્ડાઇ ક્રેટા, એમજી હેકટર, ઓડી સહિતની ગાડીઓની ડિલિવરી માટે છ માસથી માંડી એક વર્ષ સુધીનો સમય લાગી શકે છે.