Abtak Media Google News

શહેરના સર્કિટ હાઉસ ખાતે રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સાંસદ પૂનમબેન માડમ તેમજ જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.જેમાં મંત્રીએ ઉપસ્થિત પદાધિકારીઓ દ્વારા રજુ કરાયેલ લોકહિતના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી તેમજ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મંત્રીએ જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લાના મહેસુલ, સિંચાઈ, ગ્રામ વિકાસ, પંચાયત તથા જમીનને લગતી રજૂઆતો પરત્વે પદાધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

સાથે સાથે મંત્રીએ જામનગર જિલ્લાની કોરોનાની સ્થિતિ તેમજ હાલ ચાલી રહેલી વેકસીનેશનની કામગીરી વિશે પણ માહિતી મેળવી હતી તેમજ કોરોનાને પહોંચી વળવા રાજ્ય સરકાર તમામ મોરચે સજ્જ છે તેમ જણાવ્યું હતું.મંત્રીએ આ તકે જણાવ્યુ હતુ કે, પ્રજાની સુખાકારીમાં વધારો કરી શકે તેવા અગત્યના પડતર કામો તથા પ્રશ્નોનો હકારાત્મક અભિગમ દાખવી તેનો સત્વરે નિકાલ લાવવા રાજય સરકાર કટિબદ્ધ છે.જે માટે સ્થાનિક જન પ્રતિનિધીઓ જાગૃતી દાખવી આવા કામો વહેલા પુર્ણ કરવા સરકાર સાથે સંકલનમા રહે તે જરૂરી છે

તેમજ જ્યાં જરૂર જણાય ત્યાં રાજ્ય સરકાર હર હંમેશ તમામ પ્રકારે મદદરૂપ થવા તૈયાર છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.આ બેઠકમાં સાંસદ પુનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડયા, દંડક કેતનભાઈ ગોસરાણી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રભારી જયંતિભાઈ કવાડિયા, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, એપેક્ષ બેંકના ડાયરેકટર મુળુભાઈ બેરા, ડીસ્ટ્રીકટ બેન્કના ચેરમેન પી.એસ.જાડેજા, વાઈસ ચેરમેન રાજુભાઈ વાદી, મેનેજીંગ ડિરેકટર  લુણાભા, શહેર ભાજપ પ્રમુખવિમલભાઈ કગથરા,  જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, દિલિપસિંહ ચુડાસમા,  દિલિપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, ડો. વિનુભાઈ ભંડેરી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.