લિઝ હોલ્ડ પ્રોપર્ટીને હવે ફ્રિ હોલ્ડ તરફ લઈ જવા સરકારનો તખ્તો તૈયાર

વન ટાઈમ ફિક્સ જંત્રી ભરો અને ગુજરાત હાઉસિંગ બોર્ડનું મકાન તમારી માલિકીનું!!

ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મિલકત 99 વર્ષ માટે લીઝ પર હોય છે : હવે, પૂર્ણ જંત્રી ભરીને આ મિલકતોનો માલિકી હક્ક તેઓ મેળવી શકાશે અને માર્કેટમાં વેચી પણ શકાશે

અબતક, રાજકોટ : રાજ્ય સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને લીઝ હોલ્ડમાંથી નિશ્ચિત જંત્રીની રકમ ચૂકવવા પર ફ્રી હોલ્ડમાં ફેરવવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગે 30 જુલાઈ, 2021 ના રોજ ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશનરને પત્ર લખીને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે લીઝ હોલ્ડ પ્રોપર્ટીને એક વખતની ફિક્સ જંત્રીની ચુકવણી કરવાથી ફ્રી હોલ્ડ પ્રોપર્ટીમાં રૂપાંતરિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.

આ નિર્ણયથી રાજ્ય સરકારને આવક તો થશે જ ઉપરાંત, આ પગલું હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ માટે આવી મિલકતો પોતાના નામે ધરાવવાનો માર્ગ પણ મોકળો કરશે, જેને તેઓ હાલમાં લીઝ પર ધરાવે છે. આ મિલકતોના વેચાણથી રહેવાસીઓને વધારે આવક મળશે એટલું જ નહીં, તેઓ રિડેવલોપમેન્ટનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના ભાડૂતો કાયદેસર રીતે તેમની મિલકતો વેચી શકતા નથી આ મુદ્દો છેલ્લા કેટલાક સમયથી રાજકીય નેતાઓ સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ અધિકારીઓને GHB ભાડૂતોના પડતર પ્રશ્નો ઉકેલવા કહ્યું ત્યારે આ મુદ્દો પણ ચર્ચા માટે આવ્યો હતો.

ગુજરાત હાઉસિંગ બોર્ડની મિલકતો ઇમારત, રો હાઉસ અથવા ટેનામેન્ટ્સ સહિતના રહેણાંક એકમોનો કબજો ધરાવતા લોકો એક નિશ્ચિત સમયગાળા માટે જે સામાન્ય રીતે 99 વર્ષ હોય છે આ મિલકતોને લીઝ પર ધરાવે છે. તેથી તેો આ મિલકતો વેચવાની સ્થિતિમાં નથી હોતા કારણ કે આ મિલકતો ફ્રી હોલ્ડ નથી ગણાતી.

ઘણા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો પોશ વિસ્તારોમાં હોવાથી, ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાનોના રહેવાસીઓ તેમની મિલકતોને લીઝ હોલ્ડથી ફ્રી હોલ્ડમાં રૂપાંતરિત કરવાનું પસંદ કરશે, એમ રિયલ એસ્ટેટ ક્ષેત્રના લોકો કહે છે. “એકવાર તેઓ માલિકી મેળવી લે પછી, તેઓ કોઈપણ વ્યક્તિને પૂર્વ પરવાનગીની જરૂરીયાત વગર મકાન વેચી શકશે. જો હાઉસિંગ સોસાયટીના તમામ સભ્યો સંમત થાય, તો તેઓ રિડેવલોપમેન્ટનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે.

ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં પડતર મુદ્દાઓની છેલ્લી સમીક્ષા બેઠક દરમિયાન અમિત શાહે અધિકારીઓને ગુજરાત હાઉસિંગ બોર્ડના રહેવાસીઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે કામ કરવા જણાવ્યું હતું. અમદાવાદના કેટલાક વિસ્તારો જ્યાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો આવેલા છે તે ગાંધીનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે.