એલન મસ્કની કંપની સામે ભીડવા ભારતીય કંપનીઓમાં પ્રાણ ફૂંકવા સરકાર તૈયાર

ટેલિકોમ કંપનીઓ માટે બજેટમાં ખુલશે રાહતનો પટારો!! 

બજેટમાં રૂ. 35,000 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિફંડ, લાયસન્સ ફી ત્રણ ટકાથી ઘટાડી એક ટકા, સ્પેક્ટ્રમ વપરાશ ચાર્જ ઘટાડીને ત્રણ ટકા અને જીએસટી દૂર કરવાની ટેલિકોમ સેકટરની માગણી, સરકાર માંગ સંતોષવા હકારાત્મક અભિગત દાખવે તેવી પ્રબળ સંભાવના

અબતક, નવી દિલ્હી : ભારતમાં ટેલિકોમ ક્ષેત્રે મોનોપોલી ન સર્જાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. બીજી તરફ એલન મસ્કની કંપની ભારતના માર્કેટમાં આવવાની છે. જેની સામે તમામ કંપનિઓ સજ્જ કરવા પણ સરકાર કમર કસી રહી છે. માટે આવનારા બજેટમાં ટેલિકોમ કંપનીઓ માટે રાહતનો પટારો ખુલે તેવી પુરેપુરી શકયતા સેવાઈ રહી છે.

દરેક ક્ષેત્રની જેમ ટેલિકોમ સેક્ટરને પણ બજેટમાંથી ઘણી અપેક્ષાઓ છે.  આગામી બજેટમાં, ટેલિકોમ સેક્ટરે આશરે રૂ. 35,000 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિફંડ, લાયસન્સ અને સ્પેક્ટ્રમ વપરાશ પર લાગતા ચાર્જમાં ઘટાડો અને જીએસટી દૂર કરવાની માગણી કરી છે. ટેલિકોમ ઉદ્યોગના સંગઠન સેલ્યુલર ઓપરેટર એસોસિએશન ઓફ ઈન્ડિયાએ આ માંગ મૂકી છે.

સેલ્યુલર ઓપરેટર એસોસિએશન ઓફ ઈન્ડિયાએ

એ બજેટ અંગે સરકારને સુપરત કરેલી ભલામણોમાં કહ્યું છે કે સરકારે ગ્રામીણ વિસ્તારોમાં ટેલિકોમ સેવાના પ્રસાર માટે સ્થાપિત યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડને સ્થગિત કરી દેવું જોઈએ.  તેમનું કહેવું છે કે આમ કરવાથી સર્વિસ પ્રોવાઈડર પરનો બોજ ઓછો થશે. ઉપરાંત, ટેલિકોમ કંપનીઓના એસોસિએશને રૂ. 35,000 કરોડની બિનઉપયોગી ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિફંડની માંગણી કરી છે, એમ કહીને કે આ ફંડનો નજીકના ભવિષ્યમાં પણ ઉપયોગ કરી શકાશે નહીં.

લાયસન્સ ફી અને સ્પેક્ટ્રમ વપરાશ ચાર્જમાં ઘટાડો કરવાની માગણી કરતી વખતે, સેલ્યુલર ઓપરેટર એસોસિએશન ઓફ ઈન્ડિયાના ડિરેક્ટર જનરલ એસપી કોચરે કહ્યું છે કે કનેક્ટિવિટીની વધતી માંગને પહોંચી વળવા કંપનીઓએ વધુ રોકાણ કરવાની જરૂર છે.  ડ્યુટી બોજ ઘટાડવાથી તેમને મદદ મળશે.  ટેલિકોમ સેવા પ્રદાતાઓએ સરકારને લાયસન્સ ફી ત્રણ ટકાથી ઘટાડીને એક ટકા અને સ્પેક્ટ્રમ વપરાશ ચાર્જ ત્રણ ટકા કરવા વિનંતી કરી છે.

ટેલિકોમ કંપનીઓમાં સરકાર માત્ર રોકાણ જ કરશે, સુકાન તો કંપની જ સંભાળશે 

કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે વ્યાજની જવાબદારીની ચુકવણીને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવાની ઓફર કરતી ટેલિકોમ કંપનીઓની વર્તમાન અને ભાવિ દેવાની જવાબદારીઓ યથાવત રહેશે.  દેવાના બોજ હેઠળ દબાયેલી વોડાફોન આઈડિયા લિ., ટાટા ટેલીસર્વિસ એ તેમની સંબંધિત વ્યાજ જવાબદારીઓના બાકીદારોને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવાની દરખાસ્ત કરી છે.  આ પછી, સરકારે પણ ત્રણેય કંપનીઓમાં સ્ટેકહોલ્ડર બનવું જોઈએ.વૈષ્ણવે કહ્યું કે સરકાર માત્ર રોકાણકાર જ રહેશે.  કંપનીઓ પ્રોફેશનલ રીતે ચલાવવામાં આવશે.  તમામ દેવાની જવાબદારી કંપનીઓની જવાબદારી રહેશે.  કંપનીઓએ આ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.