Abtak Media Google News

દેશમાં દર 10 લાખની વસ્તીએ સૌથી વધુ વૅક્સિનેશનમાં ગુજરાત મોખરે : રસીનો બીજો ડોઝ લેતી વેળાએ નાયબ મુખ્યમંત્રીએ આપ્યું નિવેદન

અબતક, રાજકોટ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે કોરોના વિરોધી રસીનો બીજો ડોઝ લીધો હતો. અગાઉ 5 માર્ચે નીતિન પટેલે પ્રથમ વૅક્સિન લીધી હતી. અહીં તેમણે જણાવ્યું કે, આજે સાંજ સુધી વધુ 6 લાખ નાગરિકોને રસી આપવામાં આવશે. ગુજરાતને રસીનો વધુમાં વધુ જથ્થો મળે, તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. હાલ આરોગ્ય વિભાગ પાસે 13 લાખ રસીનો જથ્થો ઉપલબ્ધ છે. દેશમાં દર 10 લાખની વસ્તીએ સૌથી વધુ વૅક્સિનેશનમાં ગુજરાત સૌથી મોખરે છે.

બીજી તરફ ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે અત્યારથી તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. જે અંતર્ગત આજથી ભાજપ રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં “જન આશીર્વાદ યાત્રા”ની શરૂઆત કરી રહી છે. આ જન આશીર્વાદ યાત્રા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે, ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પલટવાર કર્યો છે.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપની “જન આશીર્વાદ યાત્રા” પર નિશાન સાધતા જણાવ્યું કે, કોરોના કાળમાં ભાજપ સરકારે ગુજરાતના લોકોને ભગવાન ભરોસે મૂક્યા હતા. કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે ગુજરાતની ભાજપ સરકાર ઉત્સવો કરી રહી છે. રાજ્યની રૂપાણી સરકાર લાજવાના બદલે ગાજી રહી છે.

બીજી બાજુ ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ જન આશીર્વાદ યાત્રાની વિગતો આપતા જણાવ્યું કે, કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થયેલા ગુજરાતના 5 મંત્રીઓ જન આશીર્વાદ યાત્રા નીકાળી લોકો પાસે જશે. અમે લોકો સમક્ષ જઈને તેમના પ્રશ્નો અને માંગણીઓનું નિરાકરણ કરીએ છીએ. અમારી સરકારના 5 વર્ષ પૂરા થવાની ઉજવણી પણ અમે લોકોની વચ્ચે જઈને કરી છે. કોંગ્રેસ પર પલટવાર કરતાં નીતિન પટેલે જણાવ્યું કે, શ્રીનગરના લાલચોકમાં કોંગ્રેસના શાસનમાં કોઈ જઈ નહતું શકતું. કાલે ત્યાં પ્રથમ વખત ઉજવણી થઈ રહી છે. કોંગ્રેસ આમ પણ હતાશ અને ગભરાયેલી પાર્ટી છે. ભાજપના સારા કાર્યોમાં કોંગ્રેસ કાયમ વિધ્ન નાંખતી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.