સરકાર ધારે તો પેટ્રોલ-ડીઝલ ઉપરનો વેરો કટોકટીકાળમાં સ્થગિત કરી શકે

અમેરિકાએ ઉદાહરણ પૂરું પાડ્યું: બીડને 90 દિવસ માટે ગેસ અને ડીઝલ ઉપર વેરો હટાવવા મુક્યો પ્રસ્તાવ

જેનો રાજા વેપારી, તેની પ્રજા ભિખારી… રાજા એટલે કે સરકાર જેનું કામ છે પ્રજાની સુખાકારીનું ધ્યાન રાખવું. જ્યારે કટોકટી કાળ હોય ત્યારે પ્રજાને થોડા સમય માટે રાહત આપી તિજોરીની ચિંતા છોડી દેવી જોઈએ. તિજોરી છલકાવવાના બીજા અનેક રસ્તાઓ છે. પણ પ્રજાની સુખાકારીને પ્રાધાન્ય આપવું એ સરકારની પહેલી ફરજ છે. હાલ દેશમાં ફુગાવો જે સ્થિતિએ છે તે જોતા પેટ્રોલ ડીઝલના ભાવમાં સરકાર ધારે તો રાહત આપી શકે તેમ છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ અમેરિકાએ પૂરું પાડ્યું છે.

યુએસ પ્રમુખ જો બિડેને પ્રસ્તાવ મુક્યો છે કે દેશમાં ગેસ અને ડીઝલના આસમાને પહોંચી રહેલા ભાવોના જવાબમાં કોંગ્રેસ ફેડરલ ગેસ અને ડીઝલ ટેક્સને 90 દિવસ માટે સ્થગિત કરે.

યુએસ ફેડરલ સરકાર ગેસ પર 18 ટકા અને  ડીઝલ પર 24 ટકા ટેક્સ વસુલે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં ફુગાવો ચિંતાજનક સ્થિતિએ પહોંચી ગયો હોય, મોંઘવારીના મારથી નાગરિકો પીડાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં પ્રેસિડેન્ટ દ્વારા નાગરિકોને પ્રાથમિક જરૂરિયાત એવા ગેસ અને ડીઝલ ઉપર રાહત આપવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જો આ પ્રસ્તાવ માન્ય રહે તો યુએસ સરકાર 90 દિવસ માટે ગેસ અને ડીઝલ ઉપર વેરો વસુલશે નહિ.