Abtak Media Google News

ચોખા, ઘઉં, સરસવ, ચણા, મગ, કાચા પામ, સોયાબીન તેલ જેવી કોમોડિટીઝ ઉપર 1 વર્ષ સુધી વાયદા નહિ થઈ શકે

અબતક, નવી દિલ્હી : વધતી જતી મોંઘવારીને અંકુશમાં લેવા માટે નાણા મંત્રાલયે તાત્કાલિક અસરથી સાત કોમોડિટીના ફ્યુચર ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે.  સેબીએ તમામ ઓર્ડર પર 1 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. સરકારને આશા છે કે તેનાથી મોંઘવારી નિયંત્રણમાં આવશે.  આ સાત કોમોડિટીમાં ચોખા, ઘઉં, સરસવ, ચણા, મગ, કાચા પામ, સોયાબીન તેલ જેવી કોમોડિટીઝનો સમાવેશ થાય છે. આ પ્રતિબંધ 1 વર્ષ માટે લગાવવામાં આવ્યો છે.

નોંધપાત્ર રીતે, ગ્રાહક ફુગાવો 3 મહિનાના ઉચ્ચ સ્તરે છે. ગ્રાહક ફુગાવાનો દર 4.91 ટકા પર પહોંચી ગયો છે.  જ્યારે જથ્થાબંધ ફુગાવો 12 વર્ષમાં સૌથી ઉચ્ચ છે.  જથ્થાબંધ ફુગાવાનો દર 14.23 ટકા જોવા મળી રહ્યો છે. આ વધતી મોંઘવારીને જોતા સરકારે આ પ્રતિબંધ લગાવ્યો છે.

બજારના નિષ્ણાંત  કહે છે કે સ્થાનિક ચલણમાં સતત નબળાઈ છૂટક બજાર પર ફુગાવાના દબાણમાં વધારો કરી શકે છે.  આ પરિબળોને ધ્યાનમાં રાખીને, સરકારે ચોખા, ઘઉં, સરસવ, ચણા, મગ, કાચા પામ, સોયાબીન તેલ જેવી ઉચ્ચ ટ્રેડિંગ વોલ્યુમની કોમોડિટીના વાયદાના વેપાર પર પ્રતિબંધ મૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે વાયદા બજારમાં સ્વાભાવિક રીતે કાલ્પનિક રીતે ખાદ્ય વસ્તુઓના ભાવ વધારી દેવામાં આવતા હોય છે. તેની અસર બજાર પર પડે છે અને જનતાને ખાવા-પીવાની ચીજ વસ્તુઓ મોંઘી પડે છે. આ જ મોંઘવારી પર નિયંત્રણ મેળવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. વાયદા બજારમાં આ કોમોડિટીની વસ્તુઓનો વેપાર બંધ થશે તો મોંઘવારી પર નિયંત્રણ મેળવી શકાશે.

ચૂંટણીમાં મોંઘવારીના મૂદાનો લાભ વિપક્ષ ન લ્યે તે માટેનો એક્શન પ્લાન

ભાવ વધવાને કારણે સરકાર વિપક્ષના દબાણનો સામનો કરી રહી છે. તેમાં પણ આગામી સમયમાં પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ચૂંટણી દરમિયાન સરકાર મોંઘવારીનો મુદ્દો વિપક્ષને સોંપવા માંગતી નથી.  તેને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મોંઘવારીનો મુદ્દો અત્યારે જોરશોરથી ચાલી રહ્યો છે. ખાસ કરીને ખાદ્ય વસ્તુના ભાવ આસમાને રહેતા હોય વિપક્ષ માટે આ મુદ્દો મહત્વપૂર્ણ બનવાનો હતો. તેનાથી વિપક્ષ કે અન્ય કોઈ પક્ષે ફાયદો ન ઉઠાવે તે માટે સરકારે આ મહત્વનું પગલું લીધું હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.

એક્સસાઈઝ ડ્યુટીમાં આપાયેલી રાહતથી મોંઘવારી ન ઘટી !!

સરકારે મોંઘવારી ઘટાડવા ઘણા પ્રયાસો કર્યા છે. નવેમ્બર મહિનામાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 4.91 ટકાના 3 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચતો જોવા મળ્યો છે.  કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં આપવામાં આવેલી રાહતની પણ મોંઘવારી પર કોઈ ખાસ અસર થઈ નથી. જેથી અંતે સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.