- પાટડીધામે રૂડા અવસરિયા આવ્યા…
- આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર શ્રી ગિરિબાપુના વ્યાસાસને 16 થી 22 માર્ચ સુધી જીવને શિવ મગ્ન કરવાનો અનેરો ધર્મોત્સવ
- પાટડી ઉદાસી આશ્રમના પૂ. ભાવેશબાપુ અને પૂ. વૈભવબાપુના માર્ગદર્શન હેઠળ શ્રી જગદીશ્ર્વર મહાદેવ મંદિરના સમસ્ત સેવક પરિવાર ‘ઉદાસી આશ્રમ’ દ્વારા આયોજન
સૌરાષ્ટ્રના પ્રથમ પંકિતના સંતો પૈકીના એક એવા સંત શિરોમણી પરમ પુજય જગાબાપાની 12મી પાવન પૂણ્યતીથી નિમિતે શ્રી જગદીશ્ર્વર મહાદેવ મંદિરના સમસ્ત સેવક પરિવાર ‘ઉદાસી આશ્રમ’ દ્વારા આગામી 16થી 22 માર્ચ દરમિયાન પાટડીના ઉદાસી આશ્રમમાં બિરાજમાન શ્રી જગદીશ્ર્વર મહાદેવના પાવન સાનિધ્યમાં શિવકથાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
પરમ શ્રધ્ધેય જગાબાપા એટલે દીન-દુ:ખીયાના બેલી, લોકોના પંડની પીડામાંથી આજેય મૂકિત મળે છે. જગાબાપાની સમાધિ સતત પરચા પુરી રહી છે. અને શ્રધ્ધાળુઓને સતનો સાક્ષાત્કાર કરાવી રહી છે. જગાબાપાની 12મી પૂણ્યતીથી નિમિતે સિધ્ધ યોગી-જોગી પૂ. બાપાની તપોભૂમિમાં શ્રી જગદીશ્ર્વર મહાદેવના ભવ્ય અને દિવ્ય સાનિધ્યમાં 16 થી 22 માર્ચ દરમિયાન ભવ્યાતિભવ્ય શિવ કથાનું પાવનકારી આયોજન કરવામાં આવ્યું છે. જીવને શિવ સાથે મગ્ન કરનારા આ અલૌકિક ધર્મોત્સવમાં આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર અને પ્રખર શિવભકત પૂ. ગિરિબાપુ શિવભકતોને શિવ મહિમાની સમજણ આપશે. સનાતન ધર્મ માટેના આ રૂડા અવસરે ભારત વર્ષના નામી-અનામી સંતો, મહંતો, શિવભકતો, સેવકો આ પાવન અવસરમાં સહભાગી થશે.
શિવકથા દરમિયાન અનેક માંગલીક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે તા.16 માર્ચને રવિવારના રોજ બપોરે 1 કલાકે પૂ. બાપાના પાટડી નિવાસ સ્થાનેથી ભવ્ય પોથીયાત્રા નિકળશે જે વાજતે-ગાજતે ઉદાસી આશ્રમ ખાતે પહોચશે, બપોરે 3 કલાકે સંતો, મહંતો અને ભકતગણોના વરદ હસ્તે દીપ પ્રાગટય બાદ જગદીશ્ર્વર મહાદેવના સાનિધ્યમાં શિવકથાનો મંગલ આરંભ થશે કથાનો સમય બપોરે 3 થી 6 વાગ્યા સુધીનો રહેશે.
તા.22 માર્ચના રોજ કથા વિરામ પામશે. પૂર્ણાહુતિના દિવસે સવારે 10 થી 1 વાગ્યા સુધી કથાનું રસપાન કરાવવામાં આવશે તા.22ના રોજ બપોરે 3 થી 6 કલાક સુધી ઉદાસી આશ્રમથી પાટડી સુધી ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું પણ ધર્મભીનું આયોજન કરવામાં આવ્યું છે. શિવકથા દરમિયાન ભાવીકો માટે દરરોજ બપોરે 12 કલાકથી અને સાંજે 7 કલાકથી ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
શિવકથા દરમિયાન શ્રવણ મહાત્મ્ય, લિંગ પ્રાગટય, સતિ પ્રાગટય, શિવ પાર્વતી વિવાહ, કાર્તિક-ગણેશ પ્રાગટય, દ્વાદશ જયોતિર્લિંગ કથા, રૂદ્રાક્ષ મહિમા, ભસ્મ મહિમા, અને શિવનામ મહિમા જેવા પાવન પ્રસંગોની ઉજવણી કરવામા આવશે. કથા દરમિયાન સ્ટેજનું સંચાલન દાદુભાઈ રબારી દ્વારા કરવામાં આવશે.
શ્રી જગાબાપા પ્રેરિત પાટડી સ્થિત ઉદાસી આશ્રમમાં અન્નક્ષેત્ર સેવા, અભિયાગતની સેવા, ગૌ સેવા, વિવિધ ધાર્મિક પર્વોની ઉજવણી દર અમાસે કષ્ટ નિવારણ વૈદિક યજ્ઞ, આપાતકાલ અનિવાર્ય સેવાની સરવાણી વહાવવામા આવે છે. દર વર્ષ 22મી માર્ચના રોજ પૂ. જગાબાપાની પૂણ્યતિથિ નિમિતે ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ જામે છે જેમાં સેંકડો ભાવિકો શ્રધ્ધાપુરી સ્નાન કરી પૂણ્યનું પવિત્ર ભાથુ બાંધે છે.
પાટડીમાં શ્રી જગદીશ્ર્વર મહાદેવના સાનિધ્યમાં આગામી 16 થી 22 માર્ચ દરમિયાન આંતર રાષ્ટ્રીય શિવ કથાકાર શ્રી ગિરિબાપુના વ્યાસાસને યોજાનારી શિવ કથામાં હોંશભેર સામેલ થવા ભકતગણો સેવક ગણોને ઉદાસી આશ્રમ દ્વારા સ્નેહ નિતરતું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કથા દરમિયાન યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમો, સંતવાણી, ડાયરામાં તા. 16.3 રવિવાર બપોરે 1 કલાકે પોથીયાત્રા રાહુલ આંજણા, જયમીન ડભોડા, ખુમેશ રાયકા, મિલન થલતેજ, તા. 19ને બુધવારના રાસ ગરબા દિવ્યાબેન ચૌધરી, કિંજલબેન રબારી, રાકેશ બારોટ, ઉમેશ બારોટ, વિશાલ હાપોર, તા.22ને શનિવારના શોભાયાત્રામાં વિપુલ સુસરા, રાયમલ પાડીવાડા, કુશા મહારાજ, સુરેશ કુમાડા લાઈવ ડી.જે. સાથે, જયારે રાત્રે 9.30 કલાકે સંતવાણી ડાયરામાં દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો કચ્છ), બિરજુ બારોટ (ભજનીક), હકાભા ગઢવી (હાસ્ય કલાકાર), ગોપાલ સાધુ (ભજનીક), સાગરદાન ગઢવી (ભજનીક),જયમંત દવે (ભજનીક), રવિન્દ્ર સોલંકી (સાહિત્યકાર), બ્રિજરાજદાન ગઢવી (સાહિત્યકાર), ગમન સાંથલ (ભુવાજી), જીજ્ઞેશ બારોટ (લોક ગાયક), વિજય સુવાડા (ભુવાજી), ઉદયભાઈ ધાંધલ (ભજનીક), મેરૂ રબારી (સાહિત્યકાર), રમેશદાન ગઢવી (સાહિત્યકાર), રીધમ-બબલુ પાનસર, સ્ટેજ સંચાલક કે.દાન ગઢવી, સાજીંદાઓ- તબલચી: જીતુ બગડા એન્ડ ગ્રુપ, સાઉન્ડ એચ.વી. સાઉન્ડના સથવારે સંતવાણીની રમઝટ બોલાવશે.