Abtak Media Google News

ભારત વર્ષની ૫૧ શકિતપીઠોમાંનું એક મંદિર નવરાત્રીમાં માતાજીને વિશેષ શણગાર

દ્વારકાના પ્રાચીન મંદિરો પૈકીનું ભદ્રકાલી માતાજીનું પ્રાચીન મંદિર  સંકુલમાં વર્ષ દરમ્યાન ચાર નવરાત્રી અનુક્રમે ચૈત્ર, મહા, અષાઢ અને આસો માસમાં ઉજવાય છે. હાલમાં આસો નવરાત્રીમાં માતાજીને વિશેષ શણગાર અર્પણ કરાય છે.  ભારતીય સંસ્કૃતિમાં શકિત અને માતાને વિશિષ્ટ સ્થાન આપવામાં આવેલ છે. નવદુર્ગા શકિતની ઉપાસનાનું સર્વોત્તમ પર્વ એટલે નવરાત્રી.

દ્વારકામાં નવરાત્રી દરમ્યાન શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલા માતાજીના મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, શણગાર તથા દર્શન મનોરથ યોજાય છે. રાવળા તળાવની પશ્ચિમ દિશાએ દ્વારકાના પૌરાણિક મંદિરો પૈકીનું એક એવું ભદ્રકાલી માતાજીનું મંદિર આવેલ છે. મુખ્ય મંદિરના ગર્ભગૃહે શ્રી ભદ્રકાલી માતાજીની પ્રતિમાની ફરતે મહકાલી, મહાલક્ષ્મી તથા મહાસરસ્વતીના ત્રણ યંત્રો આવેલા છે તેમજ નિજ મંદિરના પ્રવેશદ્વાર પાસે ત્રિપુરા સુંદરી માતાજી બિરાજે છે. મુખ્ય મંદિરની બાજૂમાં આશાપુરા માતાજીનું મંદિર તેમજ પશુપતિનાથ મહાદેવ, હનુમાનજીનું બાળ સ્વરૂપ અને ચારણગોર ઠાકર કુટુંબના દેવ આવેલા છે. ભારત વર્ષમાં કુલ પ૧ શકિતપીઠ આવેલ છે. તેમાંની એક શકિતપીઠ ઉપરોકત ભદ્રકાલી માતાજીનું મંદિર છે.ભદ્રકાલી એ મહાકાલીનું શાંત સ્વરૂપ છે તેમજ શારદાપીઠ મઠના કુળદેવી છે. શારદાપીઠના શંકરાચાર્યજી જયારે જયારે દ્વારકા નગરીમાં પ્રવેશ કરે ત્યારે સૌ પ્રથમ શ્રી ભદ્રકાલી માતાજીની પૂજા – અર્ચના કર્યા બાદ જ શારદાપીઠમાં પદગ્રહણ કરે છે.  હાલમાં આસો નવરાત્રી ચાલી રહેલ હોવાથી ભદ્રકાલી માતાજીના મંદિરે બહોળી સંખ્યામાં ગામ લોકો દર્શનાર્થે આવે છે. આ ઉપરાંત શહેરના અનેકગણા માતાજીના ઉપાસકો નવરાત્રી દરમ્યાન પ્રતિદિન સવાર-સાંજ માતાજીની સેવા-પૂજા તથા દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ મંદિરમાં શ્રીયંત્ર સ્થાપિત હોવાથી તાંત્રિક સાધના માટે આ મંદિર ખૂબ જ ઉત્તમ ગણાય છે. દ્વારકાના અન્ય પ્રાચીન મંદિરોની જેમ જ આ મંદિરને પણ અતિ પ્રાચીન માનવામાં આવે છે. માતાજીનો ભકત શ્રધ્ધાપૂર્વક અહીંયા પૂજા-અર્ચના કરે તો તેની સાધના અવશ્ય ફળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.