Abtak Media Google News

100થી વધુ ફિલ્મોમાં સંગીત આપનાર બર્મનદાના પુત્ર આર.ડી.બર્મન પણ ‘પંચમદા’ તરીકે જાણીતા બન્યા હતા: તેમની મોટાભાગની રચનાઓમાં રફી, કિશોર, લત્તા, ગીતા દત્ત, આશા, શમશાદ દ્વારા ગીતો ગવાયા હતા: તેમણે 20 જેટલી બંગાળી ફિલ્મો પણ કરી હતી: સંગીતકાર સાથે તેઓ એક અલગ જ અવાજ ધરાવતા ગાયક પણ હતા

 

તીન દેવીયા, ગાઇડ, આરાધના અને અભિમાન ફિલ્મના સંગીતને શ્રેષ્ઠ સંગીતનો એવોર્ડ મળ્યો હતો: આરાધના ફિલ્મમાં પોતે ગાયેલા ગીત ‘સફલ હોગી તેરી આરાધના’ને શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ મળ્યો હતો

બોલીવુડના મહાન સંગીતકારોમાં એસ.ડી.બર્મનનું નામ મોખરે આવે છે. 1933 થી 1975 સુધી સતત સાડા ત્રણ દાયકા બોલીવુડમાં ગાયન, સંગીત ક્ષેત્રે કાર્યરત રહ્યા હતાં. તેઓ બંગાળી હતા પણ બોલીવુડ ફિલ્મોમાં તેના યોગદાનથી ‘બર્મનદા’ તરીકે નામ રોશન કરીને અમર થઇ ગયા હતા. તેમનાં પુત્ર રાહુલદેવ બર્મન પણ બોલીવુડમાં સંગીતકાર ક્ષેત્રે સારી નામના મેળવીને ‘પંચમદા’ તરીકે અમર થઇ ગયા હતાં.

એસ.ડી.ના હુલામણા નામથી બોલીવુડમાં સચિન દેવ બર્મન જાણિતા હતા. મોહમ્મદ રફી અને કિશોર કુમાર જેવા મહાન ગાયક કલાકારો તેમણે જ બોલીવુડને ભેટ આપી છે. કિશોર કુમાર તે પોતાનો પુત્ર જ માનતા હતા, એટલે જ તેના ગાયેલા ગીતો ખૂબ જ સફળ રહ્યા હતા, જેના ઉદાહરણરૂપ ‘આરાધના’ ફિલ્મના ગીતો લોકો આજે પણ ગાય છે, યાદ કરે છે. 100થી વધુ ફિલ્મોમાં સંગીતકાર એસ.ડી બર્મનના સૌથી વધુ ગીતો રફી-કિશોરે ગાયા છે. લત્તા, ગીતાદત્ત, આશા, શમશાદ, મન્નાડે, મુકેશ અને તલત મહેમુદ જેવા ગાયકો પાસે પણ એસ.ડી.એ સુંદર ગીતો ગવડાવ્યા હતાં. સંગીતકાર સાથે તેઓ પોતે એક સુંદર અને અલગ અવાજ ધરાવતા ગાયક હતા. આરાધના ફિલ્મના ‘સફલ હોગી તેરી આરાધના’ને શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ મળ્યો હતો.

1લી ઓક્ટોબર 1906માં હાલ બાંગ્લાદેશના કોમિલ્લામાં જન્મ થયો હતો. 31-10-1975ના રોજ 69 વર્ષે મુંબઇ ખાતે તેમનું અવસાન થયું હતું. આરાધના ફિલ્મ તેમની છેલ્લી હતી જે તેના માંદગીને કારણે તેના પુત્ર એસ.ડી.બર્મને પુરી કરી હતી. તેઓ રાજઘરાના સાથે જોડાયેલા હતા. ત્રિપુરાના રાજા ઇશાનચંદ્રના પુત્ર નવદીપચંદ્રના પુત્ર હતા. કોલકત્તામાં અભ્યાસ કરીને 1925 થી 1930 સુધી પ્રારંભિક સંગીત તાલિમ મેળવી હતી. 1932માં કોલકત્તા રેડિયો સ્ટેશનમાં ગાયક તરીકે જોડાયા હતાં. રવિન્દ્રનાથ ટાગોરની હાજરીમાં ઠુમરી ગાયને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. 1937માં શાંતિનિકેતનમાં વિદ્યાર્થીની મીરા દાસ ગુપ્તાની મુલાકાત થઇને બાદમાં બંને લગ્ન કરી લીધા હતા. 1934 થી 1937 દરમ્યાન બંગાળી ફિલ્મોમાં ગાયક અને સંગીતકાર તરીકે કામ કર્યું. આ સફળતા બાદ જીવન સંગીની (1941), પ્રતિશોધ જેવી ઘણી બંગાળી ફિલ્મોમાં સંગીત આપ્યું જે ઘણું હિટ રહ્યું હતું.

1933માં યહુદી કી બેટીથી તેઓ ફિલ્મી ગાયક તરીકે કારકિર્દી શરૂ કરી હતી. 1940ના દશકાના પ્રારંભે ફિલ્મીસ્તાન સ્ટુડિયોના શશીધર મુર્ખજીના આગ્રહથી બોમ્બે આવ્યાને 1946માં અશોક કુમાર અભિનિત ‘શિકારી’ ફિલ્મમાં સંગીત આપ્યું હતું. જો કે 1947માં આવેલી દો ભાઇ તેમની પ્રથમ હિન્દી ફિલ્મ ગણાય છે. જેમાં ‘મેરા સુંદર સપના બીત ગયા’ ગીતા દત્તનું ગીત હિટ નીવડી ગયું હતું.

એસ.ડી.બર્મનની સૌથી મોટી સફળતા 1949માં આવેલી ફિલ્મીસ્તાનની ‘શબનમ’ હતી. જેના તમામ ગીતો હિટ ગયા હતા. 1950ના દાયકામાં ‘મશાલ’ ફિલ્મ અધુરી મુકીને કોલકત્તા પરત જવાનો વિચાર કર્યો પણ અશોક કુમારની વિનંતીથી રોકાય ગયાને 1950માં નવકેતનના બેનર તળે જોડાણ કરીને ટેક્સી ડ્રાઇવર, મુનીમજી, પેંઇગ ગેસ્ટ, નૌ દો ગ્યારાહ, કાલાપાની જેવી હિટ ફિલ્મોમાં સંગીત આપીને બોલીવુડના ટોચના સંગીતકાર બની ગયા હતાં. મોહમ્મદ રફી અને કિશોર કુમાર દ્વારા ગવાયેલા લોકપ્રિય ગીતો બર્મનદાએ આપ્યા હતાં. 1950માં અફસર અને 1951માં બાઝી ફિલ્મની સફળતાએ એસ.ડી.ને ઊંચાઇ પર બેસાડી દીધા હતાં.

નવકેતન બેનર તળે દેવાનંદ સાથે તેમણે ઘણી ફિલ્મો કરી હતી. તેમણે ગીતા દત્તના અવાજનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને બોલીવુડના શ્રેષ્ઠ ગીતો આપ્યા હતા. તેમણે ગુરૂદત્ત સાથે ઘણી સફળ ફિલ્મો કરી જે તેના સંગીત માટે, શ્રેષ્ઠ ગીતો માટે આજે પણ અમર ગણાય છે. જેમાં પ્યાસા, કાગઝ કે ફૂલ, દેવદાસ જેવી ફિલ્મો સાથે હાઉસ નં.44, ફનટૂસ, સોલવાસાલ, બિમલરોયની સુજાતાના સંગીતે તો તહલકો મચાવી દીધો હતો.

1957માં એસ.ડી.એ લત્તાના સ્થાને તેમની બહેન આશા ભોંસલેને મુખ્ય ગાયિકા તરીકે લઇને કિશોર કુમાર સાથે સુંદર ગીતો બોલીવુડને આપ્યા હતાં. આશાજીની પ્રતિભાને નિખાર આપવામાં સંગીતકાર ઓપીનૈયર અને એસ.ડી.બર્મનનો ફાળો વિશેષ છે. 1958માં કિશોર કુમારની ‘ચલતી કા ના ગાડી’ ફિલ્મને બેસ્ટને સંગીતનો એવોર્ડ મળ્યો હતો. 1960ના દશકામાં કલર ફિલ્મોના દૌરમાં બંદિની (1963) ગાઇડ (1965) અને ફિલ્મ આરાધના (1969) ખૂબ જ સફળ રહી હતી. જો કે છોટે નવાબમાં લત્તાજી સાથે આર.ડી.બર્મન સાથેના પ્રથમ ગીતનું રેર્કોડીંગ કર્યું હતું.

દેવાનંદ અને એસ.ડી. બર્મનની જોડીએ નવકેતન બેનર તળે હિટ ફિલ્મોમાં બમ્બઇ કા બાબુ (1960), તેરે ઘર કે સામને (1963), તીન દેવીયા (1965), ગાઇડ (1965) અને જવેલ થીફ જેવી સફળ ફિલ્મો આપી હતી. 1970ના દાયકામાં એસ.ડી.એ તેરે મેરે સપને, શર્મિલી, અભિમાન, પ્રેમનગર, સાજના, ચુપ કે ચુપ કે અને મિલી જેવી શ્રેષ્ઠ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. મિલીના કિશોર કુમારના ગીત ‘બડી સુની સુની’ ગીત રેકોર્ડ કરીને એસ.ડી. કોમામાં જતા રહ્યાને 31 ઓક્ટોબર 1975ના રોજ તેમનું અવસાન થયું હતું. ભારતીય ટપાલ વિભાગે તેમની યાદમાં 101મી વર્ષગાંઠે ટપાલ ટીકીટ બહાર પાડી હતી. ત્રિપુરા સરકાર પણ દર વર્ષે તેમની યાદમાં એવોર્ડ આપે છે.

 

 

એસ.ડી. બર્મનના ટોપ-10 ગીતો

– જાને વો કૈસે લોગ થે જિન કે…….. પ્યાસા

– છોડ દો આંચલ, જમાના ક્યા કહેગા…….પેઇંગ ગેસ્ટ

– માના જનાબને પુકારા નહી……….પેઇંગ ગેસ્ટ

– તદબીર સે બિગડી હુઇ……..બાઝી

– સરજો તેરા ચકરાયે……પ્યાસા

– એક લડકી ભીગી ભાગીસી……….ચલતી કા નામ ગાડી

– હૈ અપના દિલ તો આવારા……….સોલવા સાલ

– પુછોના કૈસે મૈને રૈન બિતાઇ……….મેરી સુરત તેરી આંખે

– ગાતા રહે મેરા દિલ………..ગાઇડ

– યે દિલ ના હોતા બેચારા………..જવેલ થીફ

– મેરે સપનો કી રાની કબ આયેગી……..આરાધના

– તેરે મેરે મિલન કી યે રૈના…………અભિમાન

– બડી સુની સુની હૈ જિંદગી………….મિલી

 

એસ.ડી.બર્મને પોતે ગાયેલા ગીતો

– સુન મેરે બંધુરે…………સુજાતા (1960)

– ઓ રે માઝી…………..બંદિની (1963)

– વહા કૌન હે તેરા………..ગાઇડ (1965)

– મેરી દુનિયા હૈ મા………….તલાશ (1969)

– પ્રેમ કે પુજારી હમ હૈ…………..પ્રેમ પૂજારી (1970)

– સફલ હોગી તેરી આરાધના………….આરાધના

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.