Abtak Media Google News

દુર્ગમ વિસ્તારોમાં ઈન્ટરનેટ કનેકશન પહોંચાડવા માટે ગુજરાતી સાહસિકોના સ્ટાર્ટઅપથી ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપી ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવી શકાશે

ઉદ્યોગ સાહસીકતા અને કંઈક નવું કરવાના ઝનુનના કારણે ગુજરાતીઓ વિશ્ર્વભરને નવી રાહ ચિંધતા રહ્યાં છે. ટેલીકોમ્યુનિકેશન ટેકનોલોજી અને ઈન્ટરનેટ ક્ષેત્રે પણ ગુજરાતીઓએ અનેક રેકોર્ડ રચ્યા છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો હતો જ્યાં બે ઉદ્યોગ સાહસીકોએ તૈયાર કરેલી લાઈફાઈ આધારીત ટેકનોલોજીથી દુર્ગંમ વિસ્તારોમાં પણ ઝડપથી અને સસ્તા દરે ઈન્ટરનેટ આપી શકાશે. પ્રારંભીક તબક્કે આ ટેકનોલોજીનો ગુજરાતના અરવલ્લી જિલ્લાના નવાનગર અને અક્રુંદ ગામડામાં પ્રયોગ થઈ રહ્યો છે.

આ બન્ને ગામ દેશના સૌપ્રથમ લાઈફાઈ આધારિત ઈન્ટરનેટ કનેક્ટિવીટીથી સજ્જ ગામડા બની ચૂક્યા છે. આ સ્ટાર્ટઅપનું નામ નાવ વાયરલેસ ટેકનોલોજી રાખવામાં આવ્યું છે. જેનાથી શાળાઓ, દવાખાના, પોસ્ટ ઓફિસ અને અન્ય સરકારી કચેરીઓને ઝડપી અને સુરક્ષીત ઈન્ટરનેટ કનેક્ટિવીટી મળશે. મહત્વની વાત એ છે કે, આ કનેક્ટિવીટી વીજ લાઈન દ્વારા પુરી પાડવામાં આવશે. સામાન્ય રીતે કોઈપણ કાર્યમાં ઉર્જાનો ઉપયોગ થાય છે. એક ટાવર પરથી સ્પેકટ્રમ વડે વેવ્સ મોકલવા માટે પણ ઉર્જા વપરાય છે. જો કે, દેશના ઘણા વિસ્તારો એવા છે જ્યાં હજુ સુધી ફાયબર ઓપ્ટીક કેબલ પહોંચ્યા નથી. ઉપરાંત મોબાઈલ કનેક્ટિવીટીના ટાવર પણ ઉપલબ્ધ નથી. આવા સ્થળોએ વીજળી છે જેથી વીજ લાઈનના માધ્યમથી ઈન્ટરનેટ કનેક્ટિવીટી મોકલવા આ સ્ટાર્ટઅપ કારગત નિવડશે.

હાલ સ્ટાર્ટઅપમાં ૨૦ લાખ રૂપિયાનું રોકાણ કરીને બે ગામડાને આવરી લેવાયા છે. નાવ વાયરલેશ ટેકનોલોજીના સહ સંસ્થાપક હાર્દિક સોની દ્વારા જણાવ્યા મુજબ ગુજરાતમાં તેઓ ટેકનોલોજી રેવોલ્યુશન લાવવા મથામણ કરે છે. આ ટેકનોલોજીના કારણે ફાયબર ઈન્ટરનેટ કનેક્ટિવીટીનો વ્યાપ દોઢ કિ.મી. સુધી વધારી શકાય છે.

લાઈફાઈ ટેકનોલોજીનો ઉપયોગ હાઈબ્રીડ માઈક્રોવેવ અને એલઈડી લાઈટ ચલાવવા માટે પણ થઈ શકે છે. જે સ્થળ પર વીજળીની લાઈનો હોય ત્યાં ઈન્ટરનેટ સરળતાથી પહોંચી જશે. આ પ્રોજેકટમાં ભારતનેટ સાથે સંધી થઈ છે. ગુજરાતના ૬ હજાર ગામડાઓમાં આ ટેકનોલોજી લઈ જવા પ્રયાસ થશે. વર્ષ ૨૦૨૨ સુધીમાં રૂા.૫૦૦ કરોડનો ખર્ચ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.