ખરાબ અક્ષરની ટેવ કક્કો શિખતા હોય ત્યારથી જ પડી જાય છે !

અક્ષરો સુધારવા કક્કાના જમણી અને ડાબી અને ઉપર-નીચે વળતા અક્ષર ગોઠવીને વારંવાર પ્રેક્ટીસ કરવી પડે: નવરાશની પળોમાં સીધી-ઉભી અને ત્રાસી લીટી સાથે વર્તુળ બનાવવાની પ્રેક્ટીસ ચાલુ કરવી પડે

વધુ પડતા લેખન કાર્ય કરનારના અક્ષરો બગડતા વધુ જોવા મળે છે: એક એવું પણ તારણ જોવા મળ્યું કે ખરાબ અક્ષર વાળા બુધ્ધીશાળી વધુ હોય છે, તો ઓછું લખનાર વ્યક્તિના અક્ષરો સારા જ જોવા મળે છે

અક્ષરોના પાંચ વર્ગોમાં ગોથિક, રોમન, ઇજીપ્શન, ટેકસ્ટ અને ઇટાલિકનો સમાવેશ થાય છે: તમામ કલાકૃત્તિ કે અક્ષરોમાં આડી-ઉભી અને ત્રાસી રેખાઓનો સમાવેશ થતો જોવા મળે છે: સારા અક્ષરએ સાચી કેળવણીની નિશાની છે

સુવાચ્ય અને મરોડદાર, મોતીના દાણા જેવા અક્ષરો વાંચનારને પ્રભાવિત કરે છે. ગાંધીજીના અક્ષરો ખરાબ હતા છતાં તે બેરીસ્ટર બન્યાને આપણને આઝાદી અપાવી હતી. વધુ પડતું લખનારાના અક્ષરો ક્યારેય સારા હોતા નથી એ વાત પણ સાચી છે તો ખરાબ અક્ષરોવાળા બુધ્ધિશાળી વધુ હોય છે તેવું પણ એક રોચક તારણ છે. ઓછુ લખનારાના અક્ષરો હમેંશા સારા જ જોવા મળે છે. અમુકના અક્ષરો તો એટલા ખરાબ હોય છે કે કોઇ વાંચી જ ન શકે. ડોક્ટરના ખરાબ અક્ષર મેડિકલ સ્ટોર વાળો વાંચી લે તેમ પત્રકારના ખરાબ અક્ષરો કોમ્પ્યૂટર પર ટાઇપીંગ કરનારા જ ઉકેલી શકે છે.

આજે બધાને પ્રશ્ર્ન થાય કે ખરાબ અક્ષરોને સાર કરવા માટે શું કરવું? આજે મારે આ લેખમાં તમને અક્ષરોની દુનિયામાં ડોકીયુ કરીને ઘણી રોચક માહિતી આપવી છે. સૌથી અગત્યની વાતમાં ખરાબ અક્ષરોની ટેવ કક્કો શિખતા હોય એ સમયે બાળપણથી જ પડતી જોવા મળે છે. શિક્ષકના ખરાબ અક્ષર જોઇને બાળક પણ તેવાં જ વણાંક કરતો થઇ જાય છે. પહેલા તો શાળામાં સુલેખન રોજ કરાવતા હતા અને પરીક્ષામાં પણ ઉપરનો ફકરો નીચે આપેલી જગ્યામાં સારા અક્ષરે લખો તેવો પ્રશ્ર્ન પણ પૂછાતો હતો, આજે આવું ક્યાંય જોવા મળતું નથી.

અક્ષરો સુધારવા કક્કાને જમણી-ડાબી અને ઉપર નીચે વળતા અક્ષરો ગોઠવીને કક્કો બનાવવો પડે છે, જો કે શિક્ષણ વિભાગે નમગજ, વરસદ જેવા સરખા વણાંકનો મનોવિજ્ઞાન ઢબે કક્કો બનાવ્યો છે. જેને કારણે બાળકોને ઝડપથી આવડી જાય છે પણ હજી શાળાઓમાં કખગઘ આજ કક્કો ચલણમાં છે. કક્કાના વણાંકોની સતત પ્રેક્ટીસ કર્યા બાદ જ તમો જ્યારે પુરૂ વાક્ય લખશો તો તમને પોતાને તમારા અક્ષરો ગમશે. બોર્ડની પરીક્ષામાં માત્ર ખરાબ અક્ષરોને કારણે પરિક્ષકને એ વંચાતું ન હોવાથી માર્ક ઓછા મળતા જોવા મળે છે.

કક્કાના વિવિધ અક્ષરોમાં ટ ઢ ડ ઠ પ ય ઘ ધ ક્ષ જ્ઞ હ જેવા ઘણા અક્ષરોમાં નાના તો ભૂલ કરે પણ મોટાપણ ભૂલ કરી બેસે ત્યારે અર્થનો અનર્થ થઇ જાય છે. કોરા કાગળમાં આડી, ઉભી, ત્રાસી, ગોળ કે સતત પેન પકડીને વિવિધ આકારોની સતત પ્રેક્ટીસ કરવાથી ખરાબ અક્ષરોને ખૂબ જ સુંદર બનાવી શકાય છે. દરેક મા-બાપ અને શિક્ષકોએ બાળકોને સારા અને ખરાબ અક્ષર વચ્ચેની પ્રત્યક્ષ સમજ આપીને તેનું મહત્વ સમજાવવું પડશે. આજે દરેક મા-બાપને પોતાના સંતાનોના ગરબડીયા અક્ષરો ખુબ જ ચિંતા છે ત્યારે આજના લેખ માધ્યમ વડે અપાયેલી સુચનાનું પાલન કરશો તો પરિણામ સારૂ જોવા મળશે.

અક્ષરોની દુનિયાને પાંચ વર્ગોમાં વહેંચી શકાય છે જેમાં ગોથિક, રોમન, ઇજીપ્સન, ટેકસ્ટ અને ઇટાલિક ગણાય છે. ગોક્ષક અક્ષરો પ્રમાણમાં સમાન (સરખા) હોય છે તો રોમન સ્ટાઇલના અક્ષરોની ઊંચાઇ અને પહોળાઇ સરખી હોય પણ અક્ષરોના પ્રત્યેક છેડા મોટા અને પાતળા હોય છે. ઇજીપ્શન અક્ષરોની ઊંચાઇ વધુ અને પહોળાઇ ઓછી હોય છે. ટેકસ્ટ અક્ષરોની બનાવટ કલાત્મક હોય છે. ટેકસ્ટ અક્ષરો બોલ્ડ, ઇંગ્લીશ તેમજ ડિપ્લોમાં મુખ્ય છે. ઇટાલિક અક્ષરો ત્રાસા લખવામાં આવે છે. અક્ષરોનો નીચેનો ભાગ 70 ટકા ઝુકેલો જોવા મળે છે. આ પ્રકારના અક્ષરોનું જ્ઞાન પેન્ટર વ્યવસાય સાથે જોડાયેલા વધુ જાણતા હોય છે.

સુંદર-સારા અને મરોડદાર મોતી જેવા અક્ષરો લખવા માટે અનેક બાબતો જરૂરી છે. જેમાં સારી પેન, સારા કાગળ, સારો મુડ, યોગ્ય બેસવાની જગ્યા, લીટીવાળો કે કોરો કાગળ, પોતાનું મૌખિક લેખન, બુકમાંથી જોઇને લખવું, કોઇ લખાવતું હોય ત્યારે લખવું, આવા અનેક પ્રકારના લેખનકાર્ય હોય છે. દરેક વખતે આ સ્થિતિમાં અલગ-અલગ અક્ષરો જોવા મળે છે. સારા અક્ષરોમાં ધીરજ સૌથી અગત્યની બાબત છે. ચિત્રકાર ગમે તેવા સારા હોય પણ તેને દશ-બાર લીટી લખવાનું કહો ત્યારેએ અક્ષરો હમેંશા ખરાબ જ જોવા મળે છે.

અક્ષરનું પણ એક વિજ્ઞાન છે, તે આપણાં જીવનની ઘણી વાત કહી જાય છે. દરેક વ્યક્તિના અક્ષરોમાં વિજ્ઞાન, જ્યોતિષ સાથે ઘણી બાબતો જોડાયેલી જોવા મળે છે. જે આપણાં જાણતા હોતા નથી. ભારપૂર્વક લખનાર જીદ્ી હોય છે, હળવું અને છુટા અક્ષરનું લખવું તે ખૂબ જ ઉતાવળીયા સ્વભાવનું હોય છે. ત્રાસા શબ્દોનું લેખન પ્રગતિ સુચન કરે છે. સીધા શબ્દો આગળથી મોટા અને પાછળથી નાના થતા હોય તે સંતોષકારક હોય છે, જે વધુ મહેનત કરતાં નથી. ખૂબ જ સારા અક્ષરો વધુ મહેનત કરતાં જોવા મળે છે. ગરબડીયા અક્ષરો વાળાની વિચાર સરણી ખૂબ ઉત્તમ અને ઉપયોગી હોય છે.

અક્ષર સુધારવા સૌથી અગત્યની બાબતમાં યોગ્ય અને મરોડદાર કેલીગ્રાફીની સતત પ્રેક્ટીસ જરૂરી છે. ખૂબ જ લાંબા સમય સુધી યોગ્ય પ્રેક્ટીશ કરવાથી તેમ લખવાની ટેવ પડી જાય છે. અક્ષર સુધારવા શાળાઓમાં વર્કશોપ, સેમીનાર યોજવા જોઇએ, સુલેખન સ્પર્ધા રાખીને વિજેતાને ઇનામ આપીને પ્રોત્સાહન કરવા જોઇએ. રાજકોટના ચિત્રકાર રજની ત્રિવેદીએ આ ક્ષેત્રે સઘન કાર્ય કરીને એક નવો કક્કો વિકસાવ્યો છે, જે ખૂબ જ ઉપયોગી થાય છે.

નાનપણથી જ બાળકને સતત લખવાનો મહાવરો રાખવો પડશે. આજના યુગમાં કોમ્પ્યૂટર આવતા લેખન કલા સાવ ભૂલી ગયા છીએ. આજે પોસ્ટકાર્ડ, દિવાળી કાર્ડ જેવું કાંઇ લખાતું ન હોવાથી સોશિયલ મીડિયામાં પણ ગુડ મોર્નીંગને જીએમ લખવા માંડ્યા છીએ. આગામી દિવસોમાં કોઇ માનવી 10 કે 12 લીટી સારી લખી શકશે નહી. આપણે આપણી સહી તો સારી કરીએ છીએ પણ અક્ષર તો ખરાબ જ કરીએ છીએ.

ખરાબ અક્ષર ભલે થાય પણ એ સુવાચ્ય હોવા જરૂરી !

આજના યુગમાં વિદ્યાર્થીઓ પુસ્તક કે અન્ય વિદ્યાર્થીની નોટમાંથી સતત ઉતારા કરતો જોવા મળે છે ત્યારે તમારા અક્ષર ખરાબ ભલે થાય પણ તે સુવાચ્ય હોવા જરૂરી છે, ઘણીવાર પોતે પોતાના અક્ષરો વાંચી શકતો નથી. સીધી લાઇન પ્રીન્ટ કરેલ હોવા છતાં લાઇન બહાર અક્ષરો નીકળે કે ખૂબ જ નાના કે મોટા અક્ષરો જોવા મળે છે. કાગળને પકડીને બોલપેનની યોગ્ય ગ્રીપ પકડીને આંખ અને મગજને તમારા લખાણ જોડવું જરૂરી છે. એસ.ટી. બસનો કંડક્ટર ચાલુ બસે જ લખતો જોવા મળે છે છતાં તે તેનો હિસાબ કે લખાણ વાંચી શકે છે આપણે તેમ કરી શકતા નથી.

તમારા અક્ષરોનું પણ, એક વિજ્ઞાન છે જે તમારી ઘણી વાત કહી જાય છે !

સારા અક્ષરોવાળા હમેંશા ઓછુ લખતા જોવા મળે છે તો ખરાબ અક્ષરોવાળા વધુ પડતા લખાણને કારણે તેમનાં અક્ષરને બગાડે છે. તમારા અક્ષરોનું પણ એક વિજ્ઞાન છે જે તમારી ઘણી બધી વાતને વર્ણવે છે. સારા અક્ષરો જ સાચી કેળવણીની નિશાની છે તો ખરાબ અક્ષર બુધ્ધીશાળીની નિશાની છે. અક્ષરો સાથે જ્યોતિષ પણ જોડાયેલું છે. જેમાં ભારપૂર્વકનું લખાણ તમારો જીદ્ી સ્વભાવ સુચવે છે. ત્રાસા શબ્દોનું લખાણ પ્રગતિનો પંથ દર્શાવે છે.

આંગળી અને કાંડાનો વળાંક સાથે પેન પકડવાની યોગ્ય રીત સારા અક્ષર બનાવે !

તમે તમારી રાઇટીંગ પેન કેવી રીતે પકડો છો તેનો આધાર તમારા અક્ષરો પર પડે છે. અંગૂઠો અને પ્રથમ આંગળી વચ્ચે યોગ્ય પેનની પકડ સાથે કાંડાનો યોગ્ય વણાંક સાથે તેનું એક સરખા ફ્લો તરફનું લખાણ બરોબર થાય તો જ સારા અક્ષરો નિર્માણ થાય છે. શાળાઓના પુસ્તકમાં પણ સારા અક્ષરનો પાઠ આવે છે.