Abtak Media Google News

કે.બી.સી. મંગલમ્ જૂથના બહેનોએ ચોકલેટ બનાવી આર્થિક રીતે પગભર થવા તરફ ડગ માંડયો

સીંગસરના આશીયાનાબેન શેખની હાથ બનાવટની ચોકલેટ એકવાર અચૂક ચાખવી જોઈએ. તેમના દ્વારા બનાવેલી ચોકલેટ સ્વાદમાં મોટી વાણીજ્ય કંપનીઓને ટક્કર મારે તેવી હોવાની સાથે આરોગ્યપ્રદ પણ છે.

આશીયાનાબેન ચોકલેટનું કોઈ બહુ મોટા પાયે  ઉત્પાદન નથી કરતા. તેમ છતાં આશીયાનાબેનના નેતૃત્વમાં સ્થાનિક સ્તરે સ્વ સહાય જૂથના માધ્યમથી 11 બહેનો ખૂબ સ્વાદિષ્ટ ચોકલેટ બનાવી સ્વરોજગારી મેળવી રહ્યા છે. આમ, રાજ્ય-કેન્દ્ર સરકારની યોજનાઓના લાભ થકી આ બહેનોને આર્થિક રીતે પગભર થવા તરફ ડગ માંડ્યા છે.

સુત્રાપાડા તાલુકાના સીંગસરના કે.બી.સી. મંગલમ્ જૂથ દ્વારા બનાવામાં આવતી ચોકલેટને નેશનલ લાઈવલીહૂડ રૂરલ મિશન હેઠળ ગીર સોમનાથ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વિસ્તારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આમ, હવે આ જૂથની જુદી-જુદી સ્વાદિષ્ટ જાણકારી લોકો સુધી પહોંચે તે માટે વેરાવળ ખાતેના પ્રાદેશિક મેળામાં તેમને એક સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. ત્યાં આશીયાનાબેન લાઈવ ચોકલેટ બનાવવાની સાથે વેચાણ પણ કરી રહ્યા છે. અહીં મુલાકાતીઓ સ્વાદિષ્ટ ચોકલેટનો ટેસ્ટ કરવાની સાથે ખરીદી પણ કરી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના ડીડીઓ રવીન્દ્ર ખતાલે પણ આ સ્ટોલની મુલાકાત લઈ પ્રભાવિત થયા હતા.

માત્ર 12 ધોરણ સુધી અભ્યાસ કરેલા યુવાન આશીયાનાબેન કહે છે કે, સુજબૂઝથી 10 વધુ પ્રકારની ચોકલેટ બનાવી છે. આ ચોકલેટ બનાવવામાં મુખ્યત દૂધ અને ડાર્ક કમ્પાઉંડનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચોકલેટને જુદા-જુદા ફ્લેવરમાં ઢાળવા માટે તે મુજબનું સમંશ્રિણ ઉમેરવામાં આવે છે. તેમજ આ ચોકલેટ હાથ બનાવટની હોવાથી તેમાં આરોગ્યની દ્રષ્ટિએ હાનિકારક હોય તેવા કોઈ તત્વો ઉમેરવામાં આવતા નથી.

આશીયાનાબેન અંજીર, કોકોનેટ, રાઈસ ક્રિસ્પી, બટર સ્કોચ, ડ્રાઈફ્રુટ, રાજભોગ, ઓરેન્જ, પાઈનેપલ, વેનીલા જેવી ચોકલેટ બનાવે છે. ઉપરાંત એક વિશિષ્ટ પંચો ગ્લેડ એટલે કે, મીઠા પાનમાં વપરાતા મસાલાને ઉમેરીને બનાવવામાં આવતી ચોકલેટ એકવાર અવશ્ય ટેસ્ટ કરવી જોઈએ.

આશીયાનાબેન વધુમાં કહે છે કે, આ ચોકલેટનુ સ્થાનિક સ્તરે જ વેંચાણ કરવામાં આવે છે. અમે માત્ર 5 થી 15 રૂપિયા સુધીની કિંમતની ચોકલેટ બનાવી રહ્યા છીએ, આ ચોકલેટની બનાવટથી આજે 11 બહેનો મહિને નવરાશના સમયમાં કામ કરીને માસિક રૂ. 2000 થી વધુની કમાણી કરી રહ્યા છીએ. આમ, અમને રોજગારી મળી રહે તે માટે અમારા જૂથને રાજ્ય સરકાર તરફથી 12 હજારનુ રિવોલ્વીંગ ફંડ પણ પ્રાપ્ત થયું છે. જે જરૂરી રો-મટીરીયલ ખરીદવામાં મદદરૂપ બન્યું હતું. તેમ તેમણે સરકારનો આભાર માનતા ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.