30 વર્ષ બાદ જમીન પાછી મળતા ખેડૂતની ખુશીનો પાર ન રહ્યો: ગીર ગઢડામાં કોર્ટે તરફેણમાં ચુકાદો આપતા આંસુ સરી પડ્યા..!!

મનુ કવાડ, ગીર ગઢડા: કોર્ટમાં કોઈ કેસ જાય પછી તેનો ફેંસલો કેટલા સમયે આવે તે કહેવું મુશ્કેલ છે. તેની પાછળ ઘણા બધા કારણો હોય, જેમ કે બંને પક્ષની બધી વાત સાંભળવી, સચ્ચાઈ સુધી જવું, અને પછી ફેંસલો આપવો. હાલ ગીર ગઢડા તાલુકામાંથી વર્ષો જુના કોર્ટ કેસનો ફેંસલો આવ્યો છે. કોર્ટમાં આ કેસ છેલ્લા ત્રણ દાયકા થયા ચાલતો હતો.

ગીર ગઢડા તાલુકાના નિતલી ગામે રામજી ભાઈ પોતાની માલિકીની જમીન ધરાવતા હતા. અને છેલ્લા ત્રીસ વર્ષથી તેનાજ ગામના રવજી જેરામ, રામજી જેરામએ ગેર કાયદેસર કબ્જો કરેલ હતો. રામજી ભાઈએ પોતાની જમીન પછી મેળવવા કાનૂની કાર્યવાહી કરી હતી. આ કાનૂની કાર્યવાહી છેલ્લા 30 વર્ષથી નામદાર સિવિલ કોર્ટ ગીર ગઢડામાં ચાલતી હતી.

આખરે 30 વર્ષ બાદ નામદાર સિવિલ કોર્ટનો ફેંસલો આવ્યો હતો. જે જમીનના મૂળ માલિક રામજી ભાઈના પક્ષમાં આવ્યો. કોર્ટના હુકમ બાદ ગીર ગઢડા પોલીસ બિટ જમાદાર યોગેશ વાજા, કિરીટ સિંહ અને જમીન સર્વે અધિકારીને સાથે રાખીને મૂળ માલિક રામજી ભાઈને કબ્જો સોંપવામાં આવ્યો હતો.