Abtak Media Google News

યાર્ડમાં 790 ખેડૂતોએ 46051 મણ જુદી જણસો ઠલવી

હાલારનું મુખ્ય માર્કેટિંગ યાર્ડ હાપા માર્કેટિંગ યાર્ડ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે જીરાની હરરાજીમાં ઐતિહાસિક ભાવે ખરીદી થતાં મીઠાઇ વેંચી એકબીજાનું મોઢું મીઠું કરવામાં આવ્યું હતું. મગફળીના દરવર્ષે ઐતિહાસિક ભાવ તો મળે છે આ વખતે જીરુના પણ સૌથી વધુ ભાવ મળ્યા છે.  જામનગર માર્કેટ યાર્ડમાં હરાજીમાં જીરૂનો અત્યાર સુધીનો સૌથી ઉંચો રૂ.9035 ભાવ બોલાયો હતો. કચ્છના ખેડૂતનું ગુણવતાયુકત જીરૂ જામનગરના વેપારીએ ખરીદયું હતું. એક દિવસમાં 790 ખેડૂત આવતા 46051 મણ જુદી-જુદી જણસ ઠલવાઇ હતી.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો જીરૂ વેચવા માટે આવ્યા હતા. આ યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળતાં હોવાથી અન્ય જિલ્લામાંથી ખેડૂતો પોતાની જણસ લઇને અહીં આવી રહ્યાં છે. તો ઉચ્ચ ગુણવત્તાની વસ્તુઓ મળતી હોવાથી દૂરદૂરથી વેપારીવર્ગ અહીં ધામા નાખે છે. ત્યારે કચ્છના શિવગઢ ગામથી આવેલા ખેડૂત શામજી હરીના જીરૂનો ભાવ હરાજીમાં રૂ.9035 બોલાયો હતો. જે યાર્ડના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. યાર્ડમાં ઘઉંની 4855, મેથીની 1032, એરંડાની 4348, રાયડા-રાયની 1453, લસણની 7050, કપાસની 2510, જીરૂની 5343, અજમાની 5173, ધાણા-ધાણીની 7812 સહિત કુલ 46051 મણ જણસની આવક થઇ હતી. હરાજીમાં 20 કીલો ઘઉંના રૂ. 300- 500, મગના રૂ. 1260- 1815, વાલના રૂ. 3000- 3490, મેથી રૂ. 900- 1357, રાયડાના રૂ. 850- 974, લસણના રૂ. 570- 1360, કપાસના રૂ. 1400- 1620, અજમાના રૂ. 2000- 3000, સોયાબીનના રૂ. 950- 1025 બોલાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.