- દર વર્ષે 18 મેના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ઉજવવામાં આવે છે
- મ્યુઝિયમ એક એવી જગ્યા છે જ્યાં કોઈ દેશ તેની સંસ્કૃતિ, પરંપરા અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા ભૂતકાળની યાદોના અવશેષો અને કલાકૃતિઓને સાચવે છે
મ્યુઝિયમ એટલે એવું સ્થળ કે જ્યાં સંબંધિત દેશ કે રાજ્યની ઐતિહાસિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક અને કલાત્મક મહત્વ ધરાવતી વિવિધ ચીજવસ્તુઓને એકત્રિત કરીને લોકો સમક્ષ પ્રદર્શિત કરવામાં આવે છે, જે લોકો માટે શૈક્ષણિક અને જ્ઞાનવર્ધક સ્થળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યુઝિયમની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું છે કે, “મ્યુઝિયમ હકીકતો અને પુરાવાઓ આધારિત વાસ્તવિકતા રજૂ કરે છે. તે આપણને ભૂતકાળમાંથી પ્રેરણા પૂરી પાડે છે, અને ભવિષ્ય પ્રત્યેની આપણી ફરજો પ્રત્યે આપણને સભાન કરે છે.”
દર વર્ષે 18 મેના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ઉજવવામાં આવે છે. મ્યુઝિયમ દિવસની ઉજવણીનો હેતુ મ્યુઝિયમોના મહત્ત્વ અને ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો છે. મ્યુઝિયમ એક એવી જગ્યા છે જ્યાં કોઈ દેશ તેની સંસ્કૃતિ, પરંપરા અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા ભૂતકાળની યાદોના અવશેષો અને કલાકૃતિઓને સાચવે છે. દુનિયાભરમાં ઘણા મોટા, ખૂબ જૂના અને લોકપ્રિય મ્યુઝિયમો છે. ભારતમાં પણ ઘણા પ્રાચીન અને પ્રખ્યાત સંગ્રહાલયો છે જે આપણી સભ્યતા, કલા, વિજ્ઞાન અને પરંપરાઓની ઝલક રજૂ કરે છે. જો તમને મુસાફરીનો શોખ છે અને તમે દેશના વારસાને નજીકથી સમજવા માંગતા હોવ, તો ચોક્કસપણે આ ભારતના આ પ્રખ્યાત મ્યુઝિયમોની મુલાકાત લો…..
તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 2 દાયકામાં ગુજરાતમાં વિવિધ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે રાજ્યના ઇતિહાસ અને સંસ્કૃતિને વિશ્વના લોકો સમક્ષ ઉજાગર કરે છે. ત્યારે તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના વડનગર ખાતે ભારતના સૌપ્રથમ આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે પ્રાચીનતમ વડનગર શહેરનો ભવ્ય ઇતિહાસ પ્રદર્શિત કરે છે.
વડનગર ખાતે ભારતનું પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ
વડનગર ખાતે નવનિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ ભારતનું આ પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ છે, જેનો ઉદ્દેશ અહીં ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલા પુરાતત્વીય પદાર્થો મારફતે વડનગરના બહુસ્તરીય સાંસ્કૃતિક ઇતિહાસને ઉજાગર કરવાનો અને 2500 વર્ષોથી પણ વધુ સમયથી આ શહેરમાં થતી રહેલી માનવ ઉત્ક્રાંતિને પ્રદર્શિત કરવાનો છે. આ મ્યુઝિયમ 13,525 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે, જે પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળેલી અંદાજિત 7000થી વધુ કલાકૃતિઓને પ્રદર્શિત કરે છે. મ્યુઝિયમમાં વિવિધ સમયગાળાની, કલાઓ, શિલ્પો અને આ વિસ્તારની ભાષાને પ્રદર્શિત કરતી 9 થીમેટિક ગેલેરીઓ બનાવવામાં આવી છે.
ભુજનું સ્મૃતિવન ભૂકંપ સ્મારક
ગુજરાતમાં 2001માં આવેલા ભૂકંપ દરમિયાન કચ્છમાં જીવ ગુમાવનારા નાગરિકોની સ્મૃતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સ્મૃતિવન ભૂકંપ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. 470 એકર વિસ્તારમાં ફેલાયેલા સ્મૃતિવનમાં વિશાળ મિયાવાકી જંગલ આવેલું છે. અહીંયા 50 ચેકડેમ છે, અને શ્રદ્ધાંજલિ તરીકે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી ચેકડેમની દીવાલો પર મૂકવામાં આવી છે. અહીં 2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી ભૂકંપની પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે. યુનેસ્કો દ્વારા સ્મૃતિવનને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
દાંડી કુટિર, ગાંધીનગર
ગાંધીનગરમાં સ્થિત દાંડી કુટિર એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન પર આધારિત ભારતનું પ્રથમ હાઇટેક અને અત્યાધુનિક મ્યુઝિયમ છે. દાંડી કુટિર એ 41 મીટરનો શંકુ આકારનો સફેદ ગુંબજ છે, જે મીઠાના ઢગલાનું પ્રતીક છે. આ ગુંબજ બ્રિટિશ શાસન દ્વારા લાદવામાં આવેલા મીઠાના કરની સામે વિરોધ પ્રદર્શિત કરવા ગાંધીજીએ 1930માં જે દાંડીકૂચ કરી હતી, તેના પ્રતીકરૂપે ઊભો છે. દાંડી કુટિરમાં ગાંધીજીના જન્મથી મૃત્યુ સુધીના દરેક વૃત્તાંતોને તકનીકી માધ્યમથી દર્શાવવામાં આવ્યા છે. અહીંયા મુલાકાતીઓ 3D મેપિંગ, હોલોગ્રાફી, 360 ડિગ્રી પ્રોજેક્શન અને પારદર્શક LED સ્ક્રીન જેવી ટેકનોલોજી થકી ગાંધીજીનું જીવનચરિત્ર નિહાળી શકે છે.
શ્યામજીકૃષ્ણ વર્મા મેમોરિયલ
કચ્છના માંડવીમાં જન્મેલા ભારતના મહાન ક્રાંતિકારી શ્યામજીકૃષ્ણ વર્માના અસ્થિકળશ જિનિવાથી સ્વદેશ લાવ્યા બાદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ માંડવી ખાતે વર્ષ 2010માં શ્યામજીકૃષ્ણ વર્મા મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ક્રાંતિતીર્થમાં આઝાદીની લડતના 1857થી 1947 સુધીના 90 વર્ષની ઐતિહાસિક પ્રમુખ ઘટનાઓની તવારીખ અને ક્રાંતિકારી દેશભકતોના સચિત્ર સમર્પણની ગાથા પ્રસ્તુત કરવામાં આવી છે. શ્યામજીકૃષ્ણ વર્માએ સશસ્ત્ર ક્રાંતિથી આઝાદી મેળવવાના સંકલ્પ તરીકે લંડનમાં જે ઇન્ડિયા હાઉસ ઊભું કર્યું હતું, તેની પ્રતિકૃતિ પણ અહીં સ્મારક તરીકે મૂકવામાં આવી છે.
સ્ટેચ્યૂ ઑફ યુનિટી મ્યુઝિયમ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’નું લોકાર્પણ કર્યું હતું. સ્ટેચ્યૂ ઑફ યુનિટી પ્રોજેક્ટના ભાગરૂપે 2018માં સ્ટેચ્યુ ઑફ યુનિટી મ્યુઝિયમનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમ અને એક્ઝિબિશન હોલ સરદાર સાહેબની વિશાળ પ્રતિમાના નીચેના ભાગમાં સ્થિત છે, જ્યાં ઑડિઓ-વિઝ્યુઅલ પ્રદર્શનો, હોલોગ્રામ અને ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો છે. આ ઉપરાંત, આ મ્યુઝિયમમાં આદિવાસી સંસ્કૃતિ અને પ્રાદેશિક વારસા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
શ્રીસ્થળ સંગ્રહાલય, સિદ્ધપુર
શ્રીસ્થળ સંગ્રહાલય પાટણના સિદ્ધપુરમાં બિંદુ સરોવર સંકુલની નજીક આવેલું છે અને તે સામાન્ય લોકો માટે સિદ્ધપુર મ્યુઝિયમ અથવા બિંદુ સરોવર મ્યુઝિયમ તરીકે જાણીતું છે. વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ રાજ્યના તત્કાલીન પ્રવાસન મંત્રીએ આ સંગ્રહાલયના નિર્માણની દરખાસ્ત કરી હતી અને 2017માં આ મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમ સિદ્ધપુરના વૈભવી ઇતિહાસને પ્રદર્શિત કરે છે. આ મ્યુઝિયમમાં ત્રણ ગેલેરીઓ છે, જેમાં તીર્થ ગેલેરી, ઇતિહાસ ગેલેરી અને સમાજ ગેલેરીનો સમાવેશ થાય છે.
નિર્માણાધીન લોથલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિરાસત ભી, વિકાસ ભી’ના વિઝનને સાકાર કરવા માટે લોથલ ખાતે ‘નેશનલ મેરિટાઈમ હેરિટેજ કૉમ્પ્લેક્સ’નું નિર્માણ થઈ રહ્યું છે. પાંચ હજાર વર્ષ પહેલાં ભારત કેવી સભ્યતા ધરાવતું રાષ્ટ્ર હતું, કેવી રીતે વૈશ્વિક વ્યાપાર કરાતો હતો, તેનું જીવંત નિદર્શન આ હેરિટેજ કૉમ્પ્લેક્સમાં કરવામાં આવશે. મ્યુઝિયમમાં હડપ્પન આર્કિટેક્ચર અને જીવનશૈલીને ફરીથી ઉજાગર કરવા માટે લોથલ મિની રિક્રિએશન ઉપરાંત ‘મેમોરિયલ થીમ પાર્ક’, ‘મેરિટાઈમ અને નેવી થીમ પાર્ક’, ‘ક્લાઇમેટ થીમ પાર્ક’ ‘તેમજ એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક’ જેવા ચાર થીમ પાર્કનું નિર્માણ કરવામાં આવશે. હડપ્પીય સમયથી આજ સુધીના ભારતના સમુદ્રી વારસા પર પ્રકાશ પાડતી 14 ગેલેરીઓ તેમજ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ સમુદ્રી વારસાને પ્રદર્શિત કરતું કોસ્ટલ સ્ટેટ્સ પેવેલિયન પણ અહીં રાખવામાં આવશે.
આ ઉપરાંત, રાજ્ય સરકાર જૂના મ્યુઝિયમોને અપડેટ કરીને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરના મ્યુઝિયમોમાં પરિવર્તિત કરવા માટે પણ કામ કરી રહી છે. સાપુતારા ખાતે ટ્રાયબલ મ્યુઝિયમ તેમજ પાટણમાં સ્થિત મ્યુઝિયમ કે જેને રાજમાતા નાયિકાદેવી સંગ્રહાલય નામ આપવામાં આવ્યું છે, તેને અપડેટ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જ્યારે બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી, રાજકીય સંગ્રહાલય, જૂનાગઢ, તેમજ વોટસન મ્યુઝિયમ, રાજકોટને આંતરરાષ્ટ્રીય સ્તરના મ્યુઝિયમો બનાવવા માટેની કામગીરી પ્રગતિ હેઠળ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત પોતાના ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવા તેમજ તેને વિશ્વના લોકો સમક્ષ ઉજાગર કરવા માટે પ્રતિબદ્ધ છે.