Abtak Media Google News

અમે ઇડરીયો ગઢ જીત્યારે….

ઇડરના પહાડો પર વેણી વચ્છરાજ કુંડમાં આજ પણ એક વિચિત્ર વનસ્પતિ આપો આપ ઉગે છે જેનું ગ્રામ્ય નામ ‘ટાઢોડી’ છે જે આયુર્વેદ દ્રષ્ટિએ ઉપયોગી હોવાનું માનવામાં આવે છે

અબતક,સાબરકાંઠા, સંજય દીક્ષિત

સમુદ્રની સપાટીથી 941 ફૂટની ઊંચાઈ પર, ગુજરાતના ઈશાન ખૂણે પૂર્વ- પશ્ચિમ 72- 74 રેખાંશ અને ઉત્તર- દક્ષિણ 23-25 અક્ષાંશે  ત્રણેય દિશાઓની ક્ષિતિજે અભેદ કિલ્લા સમા હિમાલયથીય પુરાતન પહાડો વચ્ચે વસેલું રળિયામણું અને શાંત નગર એટલે ઈલ્વદુર્ગ એટલે કે ઈડર.

ઈડર— શબ્દ કાને પડતાં જ દરેક ગુજરાતીની સ્મૃતિમાં  અમે ઈડરીયો ગઢ જીત્યા રે.. લગ્નગીત આળસ મરડીને બેઠું થઈ જાય છે. હજારો વર્ષોથી અપરાજેય અને અડીખમ આ ઐતિહાસિક નગરી પોતાના અંદર અનેક રહસ્યો ધરબીને બેઠી છે. ઈલ્વન અને વાતાયી નામના બે અસૂરોને અગત્સ્ય  ઋષિએ હણ્યા એ પછી ધીમે ધીમે આ ભૂમિ ઈલ્વદુર્ગ તરીકે ઓળખાઈ. કહેવાય છે કે,  મહાભારતકાળમાં હસ્તિનાપુર પર યુધિષ્ઠિરનું રાજ હતું એ સમયે ઈલ્વદુર્ગ પર  વેણીવચ્છરાજ  રાજા રાજ કરતો હતો. આ રાજાની દંતકથા પણ ઘણી રોચક છે. હિમાલયની કંદરાઓમાં વિકસેલાં શ્રીનગર રાજ્યની રાણી જ્યારે ગર્ભવતી હતા ત્યારે  ગરજ નામનો યક્ષરાજ એ રાણીને ઈલ્વદુર્ગના પહાડો પર લઈ આવ્યો હતો અને અહી જ વેણીવચ્છરાજનો જન્મ થયો જેણે ઈલ્વદુર્ગ પર વર્ષો સુધી શાસન કર્યું અને એક નાગક્ધયા સાથે લગ્ન કર્યા.  ઈડરના પહાડો પર એક કુંડ હયાતી ધરાવે છે. આ કુંડનું નામ પણ વેણી વચ્છરાજ છે અને ધ્યાન ખેંચે એવી એક બાબત એ છે કે આ કુંડમાં એક વિચિત્ર વનસ્પતિ આપોઆપ ઉગે છે. જેનું ગ્રામ્ય નામ  ટાઢોળી  છે. અતિશય ગરમીમાં લોકો આ વનસ્પતિને માથે ધારણ કરે છે અને એમના આખા શરીરની ગરમી ખેંચાઈ જાય છે. વધુ વિસ્મયની વાત એ છે કે, વેણીવચ્છરાજકુંડમાં થતી આ વનસ્પતિ ગમે એટલી ઉપાડી લેવામાં આવે, ફરી થોડા કલાકોમાં આપમેળે વિકસી જાય છે. આ કુંડ સિવાય આ વનસ્પતિ ટાઢોળી સમગ્ર ભારતમાં ફક્ત હિમાલયમાં જ જોવા મળે છે!

પહાડી કિલ્લો અર્થાત ઈલ્વદુર્ગ શબ્દ પછીથી અપભ્રંશ થઈને ઈડર તરીકે પ્રચલિત થયો. કહેવાય છે કે પરિહારોએ ઈડર રાજ્યની સ્થાપના કરી. અહીની ખમીરવંતી પ્રજાએ દરેક પ્રકારના રાજાઓને આવકાર્યા હતા. પરિહાર, પઢિયાર,ભીલ,બ્રાહમણ, પરમાર, રાવ, રાઠોડ, સિસોદિયા, સોઢ જેવા અનેક વંશ વિવિધતા ધરાવતા રાજાઓ અહી થઈ ગયા. એનો એક સીધો લાભ એ થયો કે ઈડર એક સમૃદ્ધ રજવાડું બન્યું અને ભૌગોલિક વિસ્તાર પણ વધ્યો.   એવું કહેવાય છે કે, મુંબઈ સ્ટેટમાં ઈડરનો ઉલ્લેખ  નાની મારવાડ  તરીકે થતો.

ચીની મુસાફર હ્યુ એન સંગે ઈ.સ 640માં આ સ્થળની મુલાકાત લીધી હતી અને ઓ.ચા.લી. તરીકે ઉલ્લેખ કર્યો હતો જેનો અર્થ  વડાલી થાય છે, જે બૃહદ ઈડરનો જ એક ભાગ છે.

અમદાવાદથી 80 થી 120 કિલોમીટરના અંતરે ઈડર વસેલું છે. અમદાવાદથી આવતાં છેક દૂરથી  22 કિલોમીટર ક્ષિતિજ પર એક શિખર દેખાવા લાગે છે એ છે રૂઠી રાણીનું માળિયું. નામથી ખ્યાલ આવે છે એમ રાણી રિસાય ત્યારે આ નાનકડા મહેલમાં જતાં રહેતા હશે એવું લાગે. હકીકતે એક રાણીએ એવો નિયમ લીધો હતો કે તેઓ અંબાજી મંદિરની આરતી પૂરી થયા બાદ જ ભોજન ગ્રહણ કરશે. આ વ્યવસ્થાને અનુસરવા જેવી આરતી પૂરી થાય એટલે પ્રથમ અંબાજીમાં મશાલ પ્રગટાવવામાં આવતી, પછી ખેડબ્રહ્મા અને ત્યારબાદ રૂઠી રાણીના માળીયા ઉપર.  ઈતિહાસમાં બે રૂઠી રાણીઓ થઈ ગઈ. અન્ય એક રાણીનું નામ હતું ઉમાદે. પોતાના પતિએ ચકચૂર હાલતમાં દાસીને જ ઉમાદે સમજી લીધા અને એક પતિની જેમ વર્તન કર્યું. ઉમાદે પોતાના પતિની આ ભૂલને ક્યારેય માફ ન કરી શક્યા અને એક અલગ મહેલમાં આજીવન એકલા રહ્યા.

ઇડરની થોડીક નજીક આવતાં આશરે 18 કિલોમીટર દૂરથી મહેલ દ્રશ્યમાન થાય છે. આશરે બસો વર્ષ પહેલાં નિર્મિત દોલત નિવાસ પેલેસ અને ઈડર ટાવરના નિર્માણમાં ફક્ત પથ્થરનો જ ઉપયોગ થયો છે.

ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ  રાજચંદ્રએ ઈડરના જ એક પહાડ પર તપ કરેલું. તેઓ શતાવધાની હતા. એક સાથે સો ક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકવું.  અતિ રમણીય આ પહાડને અહીના સ્થાનિકો ઘંટીઓ પાણો પણ કહે છે. કારણ કે રાજચંદ્રએ ઘંટીના એક પડ પર બેસીને તપ કરેલું. રાજચંદ્ર વિહાર તરીકે વિકસેલું આ સ્થળ અતિ રમણીય છે. આ પહાડ પરથી સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો અદ્ભુત હોય છે. સકારાત્મક ઉર્જાનો પ્રવાહ અહી સતત વહેતો રહે છે. ગમે એટલું અશાંત મન અહી શાંતિ પામે છે.    ઇડરની આબોહવાને  વિષમ કહી શકાય. અતિ સૂકી હવા અને ઉષ્ણ વાયરા મનુષ્ય ત્વચાની અગ્નિ પરીક્ષા લેતા રહે છે. દરેક ઋતુકાળમાં અહી સૌથી ઓછી ઠંડી   સત્તાવાર 5 ડિગ્રી અને સૌથી વધુ ગરમી  45 થી 52 ડિગ્રી નોંધાય છે.  અહીના લોકો 45 ડિગ્રી પછી ગરમીના આંકડા જોવાનું છોડી  દે છે.  બે ઈડરિયા કાળજાળ ગરમીમાં મળે ત્યારે ઠંડા પીણાંને બદલે ચા પીવાનું વધુ પસંદ કરતા હોય છે.  મૂળે કદાચ મૂળ વિદ્રોહી સ્વભાવ અને ન ઝૂકવાની આદત એમને સૂર્યની પ્રખર ગરમી સામે પણ બાંયો ચઢાવવાની પ્રેરણા પૂરી પાડતી હોય છે.  કદાચ એટલે જ અહી સન સ્ટ્રોક, લૂ લાગવાના બનાવ પ્રચંડ ગરમીમાં પણ ભાગ્યે જ બને છે.

ઈડરની ભૂમિએ ઘણા જાણીતા માનવ રત્નોની ભેંટ આપી છે. જેમાં બે, કવિ ઉમાશંકર જોશી  ગામ ; બામણા,  જેમને વિશ્વશાંતિના કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને સાહિત્યકાર પન્નાલાલ પટેલ જાણીતા નામ છે.  મળેલા જીવ, માનવીની ભવાઈ જેવી અસંખ્ય યાદગાર નવલકથાઓ જેમણે રચી છે.  ઉપરાંત રામાનંદ સાગરની રેકોર્ડબ્રેક સિરિયલ રામાયણમાં રાવણ/લંકેશનું પાત્ર ભજવીને લોકપ્રિયતાનો હિમાલય સર કરનાર અરવિંદ ત્રિવેદી પણ આ ભૂમિનું જ રત્ન છે પડદા પરના વિલન રિયલ લાઈફમાં તદ્દન અલગ જ હોય છે. અરવિંદ ત્રિવેદી પોતે શિવ ઉપાસક છે, પ્રખર દાનવીર પણ ખરા, એમના ભાઈ ઉપેન્દ્ર પણ ગુજરાતી ફિલ્મ સિનેમાનું એક મોટું નામ છે.  ઈડર એવી ભૂમિ છે જેને નિરખવા સમય પણ ધીમો પડી જાય છે. આ ભૂમિની સુંદરતા અને એનું નૈસર્ગિક સૌંદર્ય નિહાળીને જ કવિના મ્હોંથી શબ્દો સરી પડેલા,

આખો અવતાર મારે ભમવાતા ડુંગરા, ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.