મહાભારત કાળનો ઇતિહાસ આજે પણ મોજુદ
એવું કહેવાય છે કે 12 અથવા સમગ્ર વર્ષની એકાદશીનું ફળ આ ભીમ અગિયારસ કરવાથી મળે છે. આ તિથિ સાથે પાંચ પાંડવમાંના એક, ભીમની કથા જોડાયેલી છે અને ભીમે આ એકાદશીનું વ્રત કર્યુ હોવાથી તેને ભીમ એકાદશી કહેવાય છે.
સૌરાષ્ટ્રમાં આવેલા એક એવા સ્થળની વાત કરવી છે જેનું નામ પાંડવો સાથે જોડાયેલું છે. ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલા ઓસમ પર્વત અને તેની આસપાસ પૌરાણિક સ્થળોની આ વાત છે.
ઐતિહાસિક ઓસમ પર્વત પર મહાભારત વખતના અનેક અવશેષો મોજુદ
માન્યતા પ્રમાણે ધોરાજીના પાટણવાવ ગામ પાસે આવેલા આ ઐતિહાસિક ઓસમ પર્વત પર મહાભારત વખતના અનેક અવશેષો મોજુદ છે. પાંડવોએ વનવાસ દરમિયાન ઓસમ પર્વત પર રહ્યાં હતા. રસપ્રદ માન્યતા મુજબ પાંડવોના વનવાસ દરમિયાન હિડમ્બા પણ આજ ઓસમ પર્વત પર રહેતી હતી, તેથી ભીમની આંખ તેની સાથે મળી ગઈ હતી. બન્નેના પ્રેમલાપ દરમિયાન ભીમે હિડમ્બાને હિચકો જોરથી નાંખતા, હિડમ્બા ઓસમ પર્વત પરથી છેક નીચે તળેટીમાં ઉછળીને પડી હતી. તળેટીમાં પડતા હિડમ્બાના હાડકા ભાંગી ગયેલા અને તેથી જ આ જગ્યા પર ગામનું નામ હાડફોડી પડેલું, જે ગામ આજ પણ તળેટીમાં મોજુદ છે.
5000 વર્ષ જૂનું પ્રાચીન પૌરાણિક પાંડવ કાલીન ભીમનાથ મહાદેવ મંદિર
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામ 5000 વર્ષ જૂનું પ્રાચીન પૌરાણિક પાંડવ કાલીન ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે. ભીમનાથ મહાદેવના મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે, આ મહાદેવ મંદિર 5000 વર્ષ જૂનું છે. અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો અહીં આવેલા અને ગુપ્તવાસ દરમિયાન અહીં ભીમે ભગવાન મહાદેવની સ્થાપના કરી હતી. આ શિવ મંદિર શિખર વગરનું પ્રથમ મંદિર છે. એ વૃક્ષની નીચે આ મહાદેવની સ્થાપના કરેલી તે પણ 5000 વર્ષ જૂનું વરખડીનું વૃક્ષ પણ હાલ મોજુદ છે.
શ્રી ભીમનાથ મહાદેવ મંદિરના પૂજારીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં આ એકમાત્ર શિખર વગરનું શિવાલય છે.આ મંદિર સાથે સંકળાયેલી પ્રાચીન કથા અનુસાર વનવાસ દરમિયાન પાંડવો હાલ જયાં ભીમનાથ મહાદેવ છે, તે જગ્યાએ આવી પહોંચ્યા હતા. અર્જુનને નિયમ હતો કે શિવજીની પૂજા કર્યા વગર જમવું નહીં. આજુબાજુમાં ક્યાંય શિવલિંગ દેખાયું નહી, છેવટે ભીમથી ભૂખ સહન ન થતાં તેણે જાળનાં વૃક્ષ નીચે શિવલિંગના આકારનો પત્થર મૂકી તેની ઉપર જંગલી ફૂલો ચઢાવીને જાણે થોડા સમય પહેલાં જ કોઇ મહાદેવજીની પૂજા કરી ગયું હોય તેવું દ્રશ્ય ઉભું કયું હતું.
ભીમ પોતે અન્ય પાંડવોને આ સ્થળે ભગવાન ભોળાનાથના દર્શન કરવા લઇ આવ્યો હતો. અર્જુને શિવલિંગ જોતા જ બાજુમાં વહેતી નીલકા નદીમાંથી પાણી લાવી પૂજા કરી અને સૌએ ભોજન લીધું હતું. ભોજન થઈ ગયા બાદ ભીમે કહ્યું કે, પોતે જ શિવલિંગ ઉપજાવી કાઢ્યું હતું. અર્જુન આ વાત સાંભળી પોતાની પૂજા નિષ્ફળ ગઈ હોવાને કારણે રડવા માંડ્યો અને શિવજીને પ્રાર્થના કરવા લાગ્યો હતો.
ભીમનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે ભાદરવી અમાસ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી થાય છે .
પ્રખ્યાત હિલ સ્ટેશન ઓસમ પર્વત પર મહાભારત કાળનો ઇતિહાસ હજુ મોજુદ છે અહીં પાંડુપુત્ર પુત્ર ભીમસેને મહાદેવની સ્થાપના કરી હતી તે ભીમનાથ મહાદેવનું અતિ પ્રાચની મંદીર આવેલું છે.
તેની બાજુમાં જ ભીમસેને બનાવેલ કુંડ આવેલ છે જે અત્યારે ભીમકુંડના નામથી ઓળખાય છે. તથા આ રમણીક પર્વતની શોભામાં અભિવૃઘ્ધિ કરતા નાના મોટા ચૌદ તળાવો પણ આવેલ છે.
પાંડવોએ અહીં વનવાસ કર્યો હતો. તે સમયે પાંડુપુત્ર ભીમ જે થાળીમાં જમતો તે ભવ્ય થાળી પણ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ભીમે બનાવેલ મંદીર જે ટપકેશ્ર્વર મહાદેવની પુજા કરી પછી જ ભીમ આ થાળીમાં જમતો તેવી લોકવાયકા છે.
પાષાણયુગની આ પથ્થરની થાળી અંદાજે છ ફુટ જેટલી ભવ્ય છે. આ ઉપરાંત ભીમે બનાવેલ કુંડ ર1મી સદીમાં પણ બારે માસ પાણીથી ભરેલો રહે છે.
તેના પવિત્ર જળથી ભરેલો રહે છે તેના પવિત્ર જળથી શિવલીંગને અભિષેક કરાતો હતો. આ ઉપરાંત વર્ષો પુરાણું હિડિમ્બા વન લોકોની પ્રિય જગ્યા છે.
અતિ સુંદર અને રમણીયક ઓસમ પર્વત પર માત્રી માતાજીના મંદીરથી પૂર્વ તરફ જતા કાચલી વીરડો, સંત વીરડો, ટપકેશ્ર્વર મહાદેવ તથા ગૌમુખી કુંડ આવેલ છે અને માત્રી માતાજીના મંદીરથી પશ્ચિમ તરફ આગળ જતા ધર્મેશ્વર મહાદેવનું મંદીર આવેલ છે.
હાલમાં ઓસમ પર્વતને પ્રવાસનવર્ષ અઁતર્ગત સમાવેશ કરવામાં આવેલ હોય ઓસમ પર્વત પર સરકાર દ્વારા વિકાસના કામો હાથ ધરાવેલ છે. જે પૈકી ઓસમ પર્વન પર જવા માટેનું ભવ્યાતી ભવ્ય પ્રવેશદ્વારા પણ મુકવામાં આવ્યો છે.
આજે ભીમ અગિયાસ: ઘેર ઘેર રસ-પુરીનું જમણ
આજે જુઠ સુદ અગિયારસ એટલી ભીમ અગિયારસ છે આ નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી આખા વર્ષની એકાદશી કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. આ અગિયારસે ભીમે પણ વ્રત કર્યુ હતું જો ભાવિકો નકોરડો ઉપવાસ ન કરી શકે તો ખાલી ઉપવાસ કરવાથી પણ રિઘ્ધિ-સિઘ્ધની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત આજે કેરી ખાવાનું પણ મહત્વ છે. આજે સૌનું પ્રિય ભોજન એટલે કે રસ-પુરીનું જમણ ઘેર ઘેર બનાવવામાં આવે છે દીકરીઓ સાસરેથી આ એકાદશી કરવા પિયર આવે છ.
અસ્વીકરણ : આ લેખમાં ઉલ્લેખિત ઉપાયો/લાભ/સલાહ અને નિવેદનો ફક્ત સામાન્ય માહિતી માટે છે. અબતક મીડિયા આ લેખ ફીચરમાં લખેલી બાબતોને સમર્થન આપતા નથી. આ લેખમાં સમાવિષ્ટ માહિતી વિવિધ સ્ત્રોતો/જ્યોતિષીઓ/પંચાણો/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથો/દંતકથાઓમાંથી એકત્રિત કરવામાં આવી છે. વાચકોને વિનંતી છે કે તેઓ લેખને અંતિમ સત્ય કે દાવો ન માને અને પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે.