ઘર કંકાસે લીધું રૌદ્ર સ્વરૂપ…પતિએ પત્નીનું ગળું કાંપી કરી હત્યા

રાજ્યમાં અનેક ઘર કંકાસના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે રાજ્યમાં વધુ એક ઘર કંકાસના કિસ્સાને લઈને પતિએ પત્નીની હત્યા કરી આગ ચાંપી દીધી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના અમદાવાદની છે જ્યાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા ઇડન-V ફ્લેટમાં ચોથા માળે આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી. બહારથી જોતા કોઈને એમ જ લાગશે કે કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હશે પરંતુ હકીકતમાં પતિ-પત્નીના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી હતી.

ફ્લેટમાં આગ લગતા ફાયર બ્રિગેડની ૮ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. ફ્લેટમાં આગ લગતા મહિલાનું મોત નીપજ્યું હતું પરંતુ આગ લાગ્યાના થોડા સમય બાદ મોટો ઘટસ્ફોટ થયો હતો જેમાં આસપાસના સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું હતું કે આ ફ્લેટમાં રહેતા દંપતી વચ્ચે ઘણા સમયથી ઝઘડા થતા હતા. જે પછી આજે અચાનક બંને પતિ-પત્ની ઝઘડતા ઝઘડતા સિડી ઉતરીને નીચે આવી રહ્યા હતા. ત્યારે આજ રોજ મહિલાના ગળામાં ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી.

આ પરિવારમાં પતિ અનિલ બઘેલ અને પત્નિ અનિતા બઘેલ સાથે તેમની ધોરણ 6માં ભણતી એક પુત્રી અને ધોરણ 8માં ભણતો પુત્ર પણ રહે છે. બાળકો સવારે સ્કૂલે ગયા હતા તેવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે ત્યારે ઘરે પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થતા ઘરકંકાસને પગલે પતિએ પત્નીની હત્યા કરતા બે માંસુમોએ માતાની છત્રછાંયા ગુમાવી છે. જ્યારે પતિને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આગની ઘટનામાં કેટલુ નુકસાન થયુ છે તે જાણવા મળ્યુ નથી. જો કે ફાયર વિભાગની આગ બુઝાવવાની કામગીરી સંપૂર્ણ પૂર્ણ થયા બાદ નુકસાનીનો અંદાજ લગાવવામાં આવશે.