ઈગ્નુ સેન્ટર બન્યું યુનિવર્સિટીનો ‘કચરો’ સાચવવાનું સ્થળ

‘જાન્યુઆરી’માં યોજાયેલા ઝાઝરમાન બૂકફેરનો ‘ભંગાર’ ૧૧ મહિનાથી નિકાલની વાટમાં!

ગુજરાતમાં ભાજપનું રાજ છે કોંગ્રેસ તો જાણે ભૂતકાળ બની ગયું હોય તેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ આ જ હાલત છે. યુનિવર્સિટીમાં આવેલું ઇન્દિરા ગાંધી રીજીયોનલ સેન્ટર પણ કોંગ્રેસની જેમ ભૂતકાળ બની ગયું હોય તેમ ભંગારનો ડેલો બની ગયું છે. જાણે યુનિવર્સિટીમાં તો આ સેન્ટર ફક્ત ને ફક્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કચરો સાચવવાનું જ સ્થળ હોય તેમ નજરે ચડી રહ્યું છે. જાન્યુઆરીમાં યુનિવર્સિટીના ઉપક્રમેં યોજાયેલા ઝાંઝરમાન બુકફેરનો ભંગાર છેલ્લા ૧૧ માસથી નિકાલની વાટમાં જ છે. ફક્ત સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ રાજ્યનો સૌથી મોટો બુકફેર ૯ માસ પહેલા યોજાયો હતો જેમાં લાખોનો ધુમાડો કરવામાં આવ્યો હતો.હવે આ ભંગારનો ઘણી કોણ બને તે મોટો પ્રશ્ન ઉભો થાય છે.

સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસમાં લોકડાઉનને કારણે છેલ્લા ૯ મહિનાથી શિક્ષણકાર્ય બંધ હોવા છતાં જૂના ભંગારનો નિકાલ કરવામા નહી આવ્યો હોવાને લીધે ઈગ્નુ સેન્ટર નકામી ચીજવસ્તુઓનો જાણે ઉકરડો બની ગયો છે.

સૌરાષ્ટ્ર યુનિ.નાં નેકના એક્રીડીએશન માટે ટીમ આગામી દિવસોમાં આવી રહી છે ત્યારે દરેક ભવનોને રીનોવેશન માટે  હજારોની રકમ ફાળવવામાં આવી છે. તેમજ રીપેરીંગ અને રીનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે યુનિ.માં નેકના ઈન્સ્પેકશનના નામે લાખો રૂા.નું આંધણ થશે પરંતુ ઈગ્નુ સેન્ટરમાં ખલ્લા મેદાનમાં ઉકરડાનો જે ઢગલો કરવામાં આવ્યો છે તેનો નિકાલ કયારે થશે? તે કહેવું મુશ્કેલ છે. બુકફેરના બેનર અને અન્ય કચરો તેમજ યુનિ. કેમ્પસના જુના કોમ્પ્યુટર સહિતની જની ઈલેકટ્રોનિક ચીજવસ્તુઓનો નિકાલ થયો નથી જૂની પસ્તી ચોપડા અને બિનજરૂરી સ્ટેશનરીનો નિકાલ નહી થતા તેના ગંજ પણ સ્ટોર રૂમમાં ખડકાયા છે. આ સંદર્ભે યુનિવર્સિટીના ઉપકુલપતિ દેસાણીએ જણાવ્યું હતું કે, લોકડાઉનના લીધે શિક્ષણકાર્ય બંધ હોવાથી આ કચરો જમા થયો છે. આગામી દિવસોમાં તમામ ભંગારનું ઓકશન કરી તેનો વહેલી તકે નિકાલ કરવામાં આવશે.