- વિસનગરને 495 કરોડના વિકાસકાર્યોની ભેટ
- CMના હસ્તે સિવિલ હોસ્પિટલ, તાલુકા પંચાયત અને નગરપાલિકાના નવા મકાનોનું લોકાર્પણ
મહેસાણા જિલ્લાના વિસનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 495 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું. તેમજ 423 કરોડથી વધુના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને 72 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિસનગર શહેર માટે અત્યંત જરૂરી સિવિલ હોસ્પિટલ, વિસનગર તાલુકા પંચાયત અને વિસનગર નગરપાલિકાની નવનિર્મિત બિલ્ડીંગોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ બાયપાસ હાઇવેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ વિસનગરમાં ઓવરબ્રિજ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વિસનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સિવિલ હોસ્પિટલ વિસનગર, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના નવીન બિલ્ડિંગના લોકાર્પણની સાથે-સાથે રૂપિયા 495 કરોડના વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત, લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસનગરમાં 423 કરોડથી વધુના 76 વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત તેમજ રૂપિયા 72 કરોડથી વધુના 18 વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિસનગર તાલુકા પંચાયત, સિવિલ હોસ્પિટલ તેમજ નગરપાલિકા ભવનનું લોકાર્પણ કરી તેની સુવિધાઓની મુલાકાત લીધી હતી.
આપણી પાસે વિકસિત ભારત બનાવવાનો સમય છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે, વિસનગરમાં આજે એક જ દિવસમાં 495 કરોડના વિકાસ કામોની ભેટ મળી છે. આપણી પાસે વિકસિત ભારત બનાવવાનો સમય છે. આ ઉપરાંત આપણે સૌ વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી થઈએ. જેમ પોતાના ઘરને સાફ રાખીએ છીએ તેમણે આંગણું, રોડ, શહેર અને તાલુકાને પણ સ્વચ્છ રાખવો જોઈએ. જેથી વિસનગર વિકસિત બનશે, મહેસાણા વિકસિત બનશે, ગુજરાત વિકસિત બનશે અને આમ આખો દેશ વિકસિત બનશે.
જમીન સંપાદન માટે ખેડૂતોને ચેક આપવામાં આવ્યા હતાં
આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે વિસનગરમાં બાયપાસ માટેની જમીન સંપાદન માટે ખેડૂતોને ચેક આપવામાં આવ્યા હતાં. આ ઉપરાંત સગર્ભા મહિલાને પોષણ કીટ અને ટીબીના દર્દીઓને પણ કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીએ નવી તાલુકા પંચાયત,નગરપાલિકા અને સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગની મુલાકાત કરી હતી. આ અંગે આરોગ્યમંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહએ બતાવી દીધું છે કે, તમે આંખ બતાવશો તો આંખ કાઢી લેવાની શક્તિ ભારતમાં છે.
210.44 કરોડના ખર્ચે વિસનગર બાયપાસ રોડનું નિર્માણ
તાલુકાની જનતાને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સેવા મળી રહી તે માટે રૂપિયા 30 કરોડના ખર્ચે નવનિર્મિત સિવિલ હોસ્પિટલ, આધુનિક સુવિધાઓથી સજ્જ નગરપાલિકા ભવન અને તાલુકા પંચાયત ભવન, શહેરમાં ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે 210.44 કરોડના ખર્ચે વિસનગર બાયપાસ રોડનું નિર્માણ, એમ.એન.કોલેજ ખાતે નવા ટ્યુટોરિયલ બિલ્ડિંગ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, એકોસ્ટિક સેમિનાર હોલ, નવા કમ્પ્યૂટર સેન્ટર, ઓફિસ બિલ્ડિંગ, પરીક્ષા ખંડનું લોકાર્પણ કર્યું. જેના થકી એમ. એન.કોલેજને નવી સિધ્ધિઓ પ્રાપ્ત થશે.
ગુજરાતમાં છેલ્લા 3 દિવસમાં 2800 કરોડના વિકાસકાર્યોની ભેટ : CM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વિકાસને આગળ વધારવા માટે હું અને મારી ટીમ સતત પ્રયત્નશીલ છીએ. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં 2800 કરોડના વિકાસકાર્યોની ભેટ મળી છે. આ ઉપરાંત વડનગરના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરની સફળતાથી સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે, ભારત આ*તં*કવાદને જડમૂળથી નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે.
વિસનગરને પણ એક હાઈસ્પીડ કોરિડોરનો લાભ મળવાનો છે. વિસનગરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાનું પણ ઝડપી નિરાકરણ થઈ જશે. આપણે જેટલું ગ્રીન વધારીશું એટલું જ આ ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર આવી શકીશું.
આ કાર્યકમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા, લોકસભા સાંસદ મહેસાણા હરિ પટેલ, લોકસભા સાંસદ પાટણ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય મુકેશ પટેલ, કિરીટ પટેલ, સુખાજી ઠાકોર, સી.જે.ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ, કલેક્ટર, સહિત પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.