- યુએસમાં દવાઓના ભાવમાં અંદાજીત 59 ટકાનો ઘટાડો થવાની તૈયારી, ભારતના ફાર્મા ઉદ્યોગ માટે યુએસ સરકારના આ નિર્ણયથી મોટો ફટકો પડવાના એંધાણ
યુએસ સરકાર પ્રિસ્ક્રિપ્શન દવાઓના ભાવમાં 59% ઘટાડો કરી રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ જાહેરાત કરી છે. અમેરિકામાં આવી દવાઓના ભાવ ઘટાડવા માટે 30 દિવસની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ સંદર્ભમાં, ટ્રમ્પે સોમવારે એક વ્યાપક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. જો દવા કંપનીઓ 30 દિવસની અંદર આમ નહીં કરે, તો તેમને સરકાર પાસેથી મળી શકે તેવા નાણાં પર નવી મર્યાદાનો સામનો કરવો પડશે. ટ્રમ્પના નવા આદેશની ભારત પર પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે. જીટીઆરઆઈ એટલે કે ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવે તેના રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. આ રિપોર્ટ મુજબ, આનાથી અમેરિકન દર્દીઓને ફાયદો થશે, પરંતુ દવા કંપનીઓ ભારત જેવા દેશોમાં કિંમતો વધારવા માટે દબાણ લાવી શકે છે. પેટન્ટ કાયદા કડક બનાવીને આ કરી શકાય છે. ઉપરાંત ભારતના ફાર્મા ઉદ્યોગ કે જે અમેરિકામાં દવા નિકાસ કરે છે તેને મોટો ફટકો પડી શકે છે.
ટ્રમ્પના આદેશમાં રોબર્ટ એફ. કેનેડી જુનિયરના નેતૃત્વ હેઠળના આરોગ્ય વિભાગને દવાના નવા ભાવ નક્કી કરવા માટે કહેવામાં આવ્યું છે. જો કોઈ કરાર ન થાય, તો એક નવો નિયમ અમલમાં આવશે જે યુએસમાં દવાઓ માટે ચૂકવવામાં આવતી કિંમતને અન્ય દેશોમાં ઓછી કિંમતો સાથે જોડશે. ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરની ખાનગી આરોગ્ય વીમા ધરાવતા લાખો અમેરિકનો પર શું અસર પડશે તે સ્પષ્ટ નથી.ફેડરલ સરકાર દર વર્ષે મેડિકેર દ્વારા પ્રિસ્ક્રિપ્શન દવાઓ, ઇન્જેક્શન, ટ્રાન્સફ્યુઝન અને અન્ય દવાઓ પર સેંકડો અબજો ડોલર ખર્ચે છે. આ વીમા યોજના હેઠળ લગભગ 7 કરોડ વૃદ્ધ અમેરિકનો આવરી લેવામાં આવ્યા છે.
દરમિયાન, રવિવારે અમેરિકાની મુખ્ય ફાર્માસ્યુટિકલ લોબીએ ટ્રમ્પની યોજનાનો વિરોધ કર્યો. દવા ઉત્પાદકો લાંબા સમયથી દલીલ કરે છે કે જો તેમના નફા પર અસર પડે છે, તો તે નવી દવાઓ વિકસાવવા માટેના તેમના સંશોધનને અસર કરી શકે છે. તે જ સમયે, થિંક ટેન્ક જીટીઆરઆઈ એ કહ્યું છે કે અમેરિકાના દર્દીઓને ત્યાં સસ્તી દવાઓનો ફાયદો થશે. પરંતુ, દવા કંપનીઓ અન્ય સ્થળોએથી વધુ પૈસા કમાવવાનો પ્રયાસ કરશે. તેઓ ભારત જેવા દેશોમાં દવાઓના ભાવમાં વધારો કરી શકે છે. તેણે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે
ફાર્મા એક્સપોર્ટની “દવા” થઈ જશે તો બજાર ટનાટન રહેશે
ટ્રમ્પના ફાર્મા ઉદ્યોગ સંબંધિત નિર્ણયને પગલે ભારતીય બજારમાં આજે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ ફાર્મા એક્સપોર્ટની” દવા “થઈ જશે તો બજાર ટનાટન રહશે તેવું લાગી રહ્યું છે. આજે એટલે કે મંગળવાર, 13 મે, અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ 900 પોઈન્ટ ઘટીને 81,500 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ લગભગ 250 પોઈન્ટનો ઘટાડો થયો છે, તે 24,700 ના સ્તરે છે.સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ફોસિસ અને ઝોમેટો સહિત કુલ
5 શેર 1% થી વધુ ઘટ્યા છે. સન ફાર્મા અને ઇન્ડસઇન્ડ બેંકના શેર લગભગ 2% વધ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 37 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એનએસઇના આઇટી સેક્ટરમાં 1.07%નો ઘટાડો થયો છે. ફાર્મા અને હેલ્થકેર ક્ષેત્રમાં લગભગ 2% નો વિકાસ થયો છે.12 મેના રોજ, વિદેશી રોકાણકારોએ રોકડ સેગમેન્ટમાં રૂ. 1,246.48 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી અને સ્થાનિક રોકાણકારોએ રૂ. 1,448.37 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.મે મહિનામાં અત્યાર સુધીમાં, વિદેશી રોકાણકારો એ રોકડ સેગમેન્ટમાં રૂ. 9,103.71 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે અને સ્થાનિક રોકાણકારોએ રૂ. 15,189.82 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે.એપ્રિલમાં વિદેશી રોકાણકારો દ્વારા ચોખ્ખી ખરીદી રૂ. 2,735.02 કરોડ રહી હતી. સ્થાનિક રોકાણકારોએ પણ મહિના દરમિયાન રૂ. 28,228.45 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી 653 પોઈન્ટ (1.73%) વધીને 38,297 પર બંધ રહ્યો. તે જ સમયે, કોરિયાનો કોસ્પી 6 પોઈન્ટ (0.22%) વધીને 2,613 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 407 પોઈન્ટ (1.73%) ઘટીને 23,142 પર બંધ રહ્યો. જ્યારે, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ થોડો ઉપર છે અને 3,372 પર ટ્રેડ થઈ રહ્યો છે.12 મેના રોજ, યુએસ ડાઉ જોન્સ 1,161 પોઈન્ટ (2.81%) ઘટીને 42,410 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 779 પોઈન્ટ (4.35%) વધીને 18,708 પર પહોંચ્યો.
સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો
એમસીએક્સ ગોલ્ડ જૂન ફ્યુચર્સ રૂ. 92,975 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. આ 22 એપ્રિલના રોજ 10 ગ્રામ દીઠ રૂ. 99,358 ના ઉચ્ચતમ સ્તરથી લગભગ રૂ. 6,500 નો મોટો ઘટાડો દર્શાવે છે. ચાંદીના જુલાઈ કોન્ટ્રેક્ટમાં સ્થિતિસ્થાપકતા જોવા મળી હતી, જે લગભગ 1% વધીને રૂ. 96,287 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી, જે સવારે 10 વાગ્યાની આસપાસ રૂ. 943 નો વધારો દર્શાવે છે. ગયા દિવસે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં નબળાઈ જોવા મળી હતી. સોનાનો જૂન વાયદો 3.75% ઘટીને રૂ. 92,901 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો, જ્યારે ચાંદીનો જુલાઈ વાયદો 1.43% ઘટીને રૂ. 95,344 પ્રતિ કિલો પર બંધ થયો.
એક અહેવાલમાં જણાવાયું છે કે કિંમતી ધાતુના ભાવમાં ઘટાડો ઘણા પરિબળોને કારણે થયો છે, જેમાં યુએસ-ચીન વેપાર સોદો,ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ, ડોલર ઇન્ડેક્સમાં મજબૂતાઈ અને યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો શામેલ છે. યુએસ-ચીન વેપાર વાટાઘાટો બાદ અઠવાડિયાની શરૂઆતમાં સ્વિટ્ઝર્લેન્ડમાં ભારે વેચવાલી જોવા મળી હતી. આ કરારમાં 90 દિવસમાં બંને દેશો માટે નોંધપાત્ર ટેરિફ ઘટાડાનો સમાવેશ થતો હતો, જેનાથી વૈશ્વિક બજારનો વિશ્વાસ વધ્યો.વેપાર સોદાની જાહેરાત પછી ડોલર ઇન્ડેક્સ અને યુએસ બોન્ડ યીલ્ડ મજબૂત થયા. યુએસ ડોલર ઇન્ડેક્સ 101.60 ની નજીક જોવા મળ્યો હતો, જે 0.19 અથવા 0.19% નો ઘટાડો દર્શાવે છે.