IPL ફાઇનલનું કિશાનપરા ચોકમાં કોર્પોરેશન દ્વારા કરાશે લાઇવ ટેલીકાસ્ટ

  • ગુજરાત ટાઇટન્સની ટીમ ફાઇનલમાં પહોંચતા કોર્પોરેશનના શાસકો રાજી-રાજી
  • ક્રિકેટપ્રેમીઓ માટે કોર્પોરેશનનું અદકેરૂં આયોજન: ચોગ્ગા-છગ્ગા લાગશે અને વિકેટ પડશે ત્યારે ડી.જે.ની ધૂમ મચશે: મેયર ડો.પ્રદિપ ડવ અને સ્ટે.ચેરમેન પુષ્કરભાઇ પટેલ દ્વારા જાહેરાત

બીસીસીઆઇની હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમીયર લીગની 15મી સીઝનમાં ગુજરાતની ટીમ પ્રથમવાર ફાઇનલમાં પહોંચતા ક્રિકેટપ્રેમીઓમાં જબ્બરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટના ક્રિકેટરસીકોના શોખને વાંચા આપવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી રવિવારે આઇપીએલના ફાઇનલ મેચ માટે અદકેરૂં આયોજન કરવામાં આવ્યું છે. શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર કિશાનપરા ચોકમાં મહાકાય એલઇડી સ્ક્રીન પર ફાઇનલ મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. જેમાં ડી.જે. પણ ધૂમ મચાવશે. તેવી જાહેરાત આજે મેયર ડો.પ્રદિપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પ્રથમવાર આઇપીએલ રમી રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ આઇપીએલના ફાઇનલમાં પહોંચી ચુકી છે. ટીમના પ્રદર્શનથી એક-એક ગુજરાતીઓ ગર્વ અનુભવી રહ્યા છે. આગામી રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઇપીએલની ફાઇનલ મેચ રમાવાની છે. ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચતા કોર્પોરેશન દ્વારા ખાસ ક્રિકેટરસીકો માટે અદકેરૂં આયોજન કરવામાં આવ્યું છે.

શહેરના રેસકોર્ષ રીંગ રોડ પર કિશાનપરા ચોક ખાતે જ્યાં ગણેશ મહોત્સવ દરમિયાન અગાઉ ભાજપ આયોજીત મંગલ મૂર્તિ ગણપતિ મહોત્સવના પ્લોટ ખાતે આઇપીએલના ફાઇનલ મેચનું જીવંત પ્રસારણ મહાકાય એલઇડી સ્ક્રીન પર કરવામાં આવશે. જેમાં ડી.જે. પણ રાખવામાં આવશે. ગુજરાતની ટીમ બેટીંગ વેળાએ જ્યારે ચોગ્ગો કે છગ્ગો ફટકારશે ત્યારે ડી.જે. ધૂમ મચાવશે અને ફિલ્ડીંગ વેળાએ જ્યારે હરીફ ટીમની વિકેટ લેશે ત્યારે ડી.જે.નો તાલ ગુંજી ઉઠશે. ફાઇનલ મેચ ત્રણ કલાકથી વધુ સમય ચાલતો હોય ક્રિકેટરસીકો માટે સ્થળ પર પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ ઉપરાંત રવિવારનો દિવસ હોય રેસકોર્ષ રીંગ રોડ પર શહેરીજનો ફરવા માટે આવતા હોય છે. આવામાં આઇપીએલના જીવંત પ્રસારણ દરમિયાન ટ્રાફીક જામની સમસ્યા ન સર્જાય તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવશે.