Abtak Media Google News

કર્મના સિધ્ધાંત મુજબ યોગ: કર્મષુ કૌશલમ્ જ શ્રેષ્ઠ છે

રોસ્ટર પધ્ધતિ અંગેની સીવીલ સર્વીસીઝ યુનિયનોની હડતાલ નિષ્ફળ જતા કર્મચારીઓ ફરજ ઉપર હાજર થતા જ પંચાયત યુનિયનના કર્મચારી મી.આઈડીઆની નિમણુંક સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાંથી મુળી તાલુકા પંચાયતમાં થઈ તમામને એમ થયું કે આંદોલનમાં આક્રમકતાથી ભાગ લેતા તેની સજા રૂપે મુળી મૂકાયા હતા એક રીતે બદલીને તેજ કારણે થઈ હતી. પરંતુ મી.આઈડીઆ માટે મુળી સજાનું ઠેકાણું ન હતુ વાસ્તવિકતા બીજી જ હતી મી.આઈડીઆ અગાઉ પણ મૂળી તાલુકા પંચાયતમાં ફરજ બજાવી ગયેલા જોગાનુજોગ ત્યારે પણ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે બનારાજા જ હતા. અને મુળી તાલુકાનો વહીવટ કે ગેરવહીવટ બંને સાથે મળીને જ કરતા હતા તે બનારાજાનો ખાસ માણસ હતો તાલુકા વિકાસ અધિકારી નિવૃતિને આરે આવેલા બીચારા નામના જ હતા પ્રમુખ અને મી.આઈડીઆએ તૈયાર કરેલ ફાઈલો અને કાગળો ઉપર ફકત સહીઓજ કરતા તે સમયે બંનેની પાલી ધૂમ ચાલેલી. આ ફરીથી મી.આઈડીઆ બદલાઈને મુળી આવ્યા ત્યાં બનારાજા પણ પાછા પ્રમુખ થઈ ગયા હતા. “આવ ભાઈ હરખા આપણે બેઉ સરખાની માફક બંનેની પાછી જોડી જામી ગઈ.

પરંતુ આ આખી વાત જીલ્લા કલેકટર પાસે પહોચી ગઈ આતો સજાને ઠેકાણે કામ થઈ ગયા નું જાણતા જ કલેકટરે ખાસ ઓડીટ કે તપાસ ટીમ મૂળી તાલુકા પંચાયતમાં મોકલી આ બંનેએ અગાઉના સમયે જે જે વહીવટ આમતો ગેરવહીવટ કરેલા તેની તપાસણી ચાલુ કરાવી કાગળ ઉપર સહીઓ અને વહીવટ તો સરકારી કર્મચારીઓનોજ હોય રાજકારણીઓને શું થાય? ઓડીટ ટીમે પણ મોટી કબરો ખોલી હાડપીંજરો કાઢવાને બદલે જીણુ જીણુ ખોતર્યું, “ખોદયો ડુંગર અને કાઢ્યો ઉંદરએ રીતે ઓડીટમાં જે પેરા કાઢ્યા તે ફકત મી. આઈડીઆએ ખોટા ટી.એ.બીલ લઈ સરકારી નાણાની ઉચાપત કરેલી તેવી ખામીઓ કાઢી તેનો રીપોર્ટ જિલ્લા વિકાસ અધિકારીને આપ્યો. તેથી ઓડીટ ટીમને તાલુકા પંચાયતના એક ગાંધીવાદી કર્મચારીએ એક જૂની ફાઈલ કાઢીને આપી અને જણાવ્યું કે આ ફાઈલ પ્રકરણ આખુ નરાધમ જુઠાણું છે. જનતાની સેવા કરવી હોય તો અને મોટામીર મારવા હોય તો આ લ્યો તમે કલ્પના નહિ કરી હોય તેવી જાદુઈ વિગત છે. આ  ફાઈલ હતી ટીકરથી પાંડવરા સુધીના ડામર રોડ બનાવવાની.તે ફાઈલમાં કાગળો હતા પ્રપોઝલ મુકાઈ ને મંજૂર થઈ ટેન્ડર બહાર પડયા મંજૂર થયા કામ થયા કામ પૂર્ણ થયાના પ્રમાણ પત્રો બીલો રજૂ થયા બીલો મંજૂર થયા અને બીલોના નાણા ચૂકવાયાની પહોચો સુધીની ફાઈલ કોઈ ડાઘ નહી પરંતુ આ ટીકર પાંડવરા રોડ ફાઈલ ઉપર જ બન્યો હતો. વાસ્તવીક બન્યો જ નહતો. હજુ કાચો મેટલ રોડ જ હતો. જો ભૂતકાળમાં કયારેય ડામર રોડ બન્યો હોય તો તેના કયાંક કોઈક તો અવશેષ હોવા જોઈએને? પરંતુ ઓડીટ પાર્ટીએ કહી દીધું અમારે જે કરવાનું હતુ તે થઈ ગયું.

“છીડે ચડયો તે ચોરતે રીતે મી.આઈડીયા આંદોલનો વખતે તોછડાઈ કરીને તે વખતના ડીડીઓ અને હાલના કલેકટરની નજરે ચડી ગયો અને ગયો કામથી આ ઓડીટ પેરા જીલ્લા પંચાયતે પાછા તાલુકા પંચાયતને મોકલ્યા ઘટતી કાર્યવાહી માટે ! પરંતુ સરકારી કામ રાબેતા મુજબ જ ચાલે એક ટેબલેથી બીજા ટેબલે એમ આ ઓડીટ રીપોર્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ આરામથી ફરતો હતો.

આ બાજુ મુળી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનારાજા અને મી.આઈડીઆની જોડી પાછી બરાબરની જામી ગઈ હતી બેટીંગ પણ જોરદાર ચાલુ હતી અને હજુ આ જોડી બરાબર બેટીંગ કરવાની ચાલુ જ રાખવાની હતી પરંતુ એક જિલ્લા કક્ષાની મીટીંગમાં કે જેમાં રાજયના મંત્રી પણ હાજર હતા તેમાં બનારાજાને શુરાતન ચડયું અને કોઈક મુદે ઉંચા અવાજે તાડકુયા. મીનીસ્ટરની હાજરી હોય કલેકટરે તે વખતે કોઈ પ્રત્યાઘાત આપ્યા નહિ. પરંતુ મુળીનું પેલુ મી.આઈડીયા વાળુ પ્રકરણ યાદ આવી ગયું મીટીંગ પુરી થઈ એટલે પહેલુ કામ કલેકટરે મુળી તાલુકા પંચાયત ઓડીટ રીપોર્ટ ઉપરથી ઉચાપતનો ગુન્હો દાખલ થયો કે કેમ? તેની ઉઘરાણીકરી તો ખબર પડી કે હજુ તો પત્ર વ્યવહાર જ ચાલે છે. જેથી તેમણે મુળી ટીડીઓ ને સુરેન્દ્રનગર બોલાવીને રૂબરૂમાં જ કહ્યું કે તમે જાતે જ ફરિયાદી બનીને મને ટેલીફોનથીરીપોર્ટ  આપો.

આમતો સીવીલયન ડીપાર્ટમેન્ટ બહુ સમજુ અને સંપીલુ કાગડો કાગડાની માટી ખાય નહિ તે ન્યાયે તમામ અધિકારીઓ કર્મચારીઓ એકબીજાની ભૂલ ઢાંકતા જ હોય છે. પછી ભલે તેમની વચ્ચે બોલ્યે વહેવાર પણ નહોય. તેવું અનુભવે જણાવેલ છે જેથી બીજે દિવસે મુળી તાલુકા વિકાસ અધિકારીએ એક ચોથીયા કાગળમાં ભાંગેલ તુટેલ ફરિયાદ લખીને પોલીસ સ્ટેશનમાં મોકલી દીધી પી.એસ.ઓ.ને ફરિયાદમાં કાંઈ ટાંગામેળ નહિ પડતા ફોજદાર જયદેવ પાસે ફરિયાદ મૂકી જયદેવે ફરિયાદ વાંચીને ટી.ડી.ઓને ફોન ઉપર કહ્યું કે આ એફ.આઈ.આર. કોર્ટમાં ટકશે નહિ અને કલેકટર વળી પાછા બગડશે વળી બીજુ પ્રકરણ કાઢી નવુ ઉભુ કરશે તેના કરતા આનાથીજ પૂરૂ કરીને વ્યવસ્થિત ફરિયાદ મોકલો તો ટીડીઓએ જયદેવને કહ્યું કે તમે કોઈ જાણકાર હોંશીયાર વ્યકિતને મોકલીને મારી નવેસરથી જ ફરિયાદ તૈયાર કરાવોને? આથી જયદેવે તેના રાયટર જયુભાને સુચના કરીકે કેટલા સરકારી નાણાની ખોટી રીતે કઈ કઈ તારીખે કઈ રીતે આકારણી કરી તે વિગતવારની બાબતનો મુદાવાઈઝ ઉલ્લેખ કરી લખી ટીડીઓની સહી પાને પાને લેવા સૂચના કરી મુળી તાલુકા પંચાયતમાં મોકલ્યા તે મુજબ ગુન્હો નોંધાયો

ગુન્હો નોંધાયો પોલીસ સ્ટેશનમાં અને ઉભરો તથા ઉકળાટ આવ્યો તાલુકા પંચાયત પ્રમુખની ચેમ્બરમાં.મી. આઈડીઆએ બનારાજા સમક્ષ આક્રંદ કરી પોતાની વિવશતા રજૂ કરીકે “મને આ સરપાવ તમારી સાથે કામ કરૂ છું તેથી જ મળેલ છે હવે જેલમાં મારો જ જવાનું સસ્પેન્ડ પણ મારે થવાનું જો હું તમારી સાથે ન હોત તો કોણ આવું જીણુ જીણુ જોવાનું હતુ? બનારાજાને પણ તે વાત સાચી લાગી. પરંતુ ત્યાં “સિંહને કોણ કહેકે તારૂ મોઢુ ગંધાય, કોણ સાચુ કહે કે સાચુ તો આંદોલન વખતે જે તોછડાઈ અને ઉધ્ધતાઈ કરેલી તે હકિકત છે!

ગુન્હો દાખલ થવાથી મી. આઈડીઆ સીક મેમો મૂકી રજા ઉપર નાસી ગયા. પરંતુ તે પહેલા બનારાજાએ મી.આઈડીઆને કહેલુ કે મુળી ફોજદાર પોતાની જાતને મોટો સીકંદર સમજે છે તેથી આમાં હું કોઈ મદદ નહિ કરી શકુ, બાકી વકીલ કોટરબાબતે કાંઈ હોય તો હું ઉભે પગે હાજર જ છું. ફોજદાર જયદેવને તો મનમાં કોઈ દ્વેષ હતો નહિ કાયદેસરની નિયમ મુજબની તપાસ શરૂ કરી રાટર જયુભાએ અગાઉ સુરેન્દ્રનગર સીટીમા નોકરી કરેલી તેથી મી.આઈડીઆ તેને ઓળખતો હતો. તેથી તે સુરેન્દ્રનગર જયુભાને મળ્યો અને ડબલ ડાકલી વગાડી બનારાજાને મોઢે જુદુ અને પોલીસને પણ જુદુ કહ્યું જયુભાને મી.આઈડીઆએ કહ્યું કે જીલ્લાની મીટીંગમાંબનારાજાને મીનીસ્ટરની હાજરીમાં બોલવાનું થયું અને કલેકટર નારાજ થયા તેથી મારૂ ખાસ “તપેલુ ચડાવવાજ ઓડીટ મોકલી આ ગુન્હો દાખલ કરાવેલ છે. હું તો નાનો માણસ ચીઠ્ઠીનો ચાકર આતો “પાડે પાડા ઝઘડે અને ઝાડનો ખો કાઢેતેમ હું નિદોર્ષ હોવા છતા મારી પાછળ પડયા છે.પરંતુ એલ.આઈ.બી. લોકલ ઈન્ટેલીજન્સ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ હસુભાઈ રાવળત્યાં હાજરહતા તેમણે સાચુ કહી દીધું કે “આંદોલન વખતે આ કલેકટર સાહેબનું અપમાન કરેલુ તેનું શું ? જો કલેકટરને બનારાજા સાથે વાંધો હોય તો તેના પગતો કાદવમાં જ છે તેનીતો સાંજ પડે તેમ નથી પરંતુ તે વાત નથીઆ તમે કરેલ અપમાનનો જ જવાબ છે.

છતા જયુભાએ જયદેવને ભલામણ કરી કે કર્મચારીઓનાં હિત માટે કાર્ય કરે છે.તેથી આપણે તેને આશ્ર્વાસન આપવું જોઈએ જયદેવે કહ્યું કે ભલે આપણે કાયદેસર કાર્યવાહી જ કરીશું તેનું માન સન્માન જળવાશે જયુભાએ તે સંદેશો મી.આઈડીઆને પહોચાડયો પરંતુ મી.આઈડીઆને બનારાજાએ ખૂબ ડરાવી દીધેલો તેથી જુદી જુદી જગ્યાએથી જયદેવને ભલામણ કરાવવા લાગ્યો.

તે સમયે સને ૧૯૭૬ની કટોકટીના અનુભવ પછી ભારતીય ક્રીમીનલ પ્રોસીજલ કોડમાં સુધારો કરી ખાસ જોગવાઈ આગોતરા જામીનની કરવામાં આવેલ કે કોઈ પણ નાગરીક ને પોતાને એમ લાગે કે પોલીસ દ્વારા ધરપકડ થાય તેમ છે તો ધરપકડમાં લોકઅપ કસ્ટડી ટાળવા આગોતરા જામીન કોર્ટમાંથી મેળવી શકે તેવી હજુ નવી નવી જ જોગવાઈ કાયદામાં થયેલી અને તેનું વ્યવહારીક ચલણ હજુ દિલ્હી સુધી જ સીમીત હતુ. આ સુધારો હજુ સમગ્ર દેશમાં ચલણ અને વ્યવહારમાં આવ્યો ન હતો. પરંતુ મી.આઈડીઆતો યુનિયનના નેતા ગમે ત્યાંથી માર્ગદર્શન મળ્યું કે મેળવ્યું અને ગયા સેશન્સ કોર્ટમાં અને સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટે તેમની આગોતરા જામીન અરજી દાખલ થતા તેની સુનાવણી કરી આગોતરા જામીન હુકમ પણ કર્યો. જેથી જયદેવે આ ક્રીમીનલ પ્રોસીજર કોડમાં થયેલ સુધારાનો અભ્યાસ કર્યો અને જોયું કે આગોતરા જામીન હુકમમાં કોર્ટે જણાવવું પડે છે કે પોલીસને આરોપીની રીમાન્ડ (કસ્ટડી) ન્યાયના તપાસના હીતમાં જરૂરી હોય તો તે ગુણવતા મુજબ મળી શકે તેવો ઉલ્લેખ જરૂરી છે. પરંતુ આ આગોતરા જામીન હુકમમાં તે જોગવાઈ મુજબ તે શરત રીમાન્ડ કેસની ગુણવતા જોઈ સક્ષમ અદાલત આપી શકે નો ઉલ્લેખ કરવાનો રહી ગયો હતો.

બીજી તરફ કલેકટર તપાસ ઉપર ધ્યાન રાખીને જ બેઠા હતા અને તપાસનો રોજેરોજનો અહેવાલ મેળવતા હતા તેમની ઈચ્છા એવી હતી કે મી. આઈડીઆ પોલીસ કસ્ટડીમાં ૨૪ કલાક કરતા વધારે સમય રહે તો સીવીલ સર્વીસ રૂલ્સ મુજબ તેને ફરજ મોકુફ કરી શકાય પરંતુ મી. આઈડીઆએ સુરેન્દ્રનગર જીલ્લાંમા સૌ પહેલા આગોતરા જામીન મેળવવાનો રેકર્ડ પોતાના નામે કરેલ તે વાતની કલેકટરને પણ ખબર પડતા તેઓ નારાજ થઈ ગયા પોલીસ વડાએ  જયદેવને સુરેન્દ્રનગર કેસ કાગળો લઈને બોલાવ્યો જયદેવે પોલીસ વડાને વિગતે સમજાવ્યા. પોલીસ વડા એ જયદેવને કલેકટરેપાસે મોક્લ્યો જયદેવે કલેકટરને પણ કાયદાકીય હકિકત વિગતે જણાવી તેથી તેમણે કહ્યું કે હવે શું થઈ શકે? તેથી જયદેવે કહ્યું કે હાઈકોર્ટમાં જવા કરતા આજ હુકમ માટે જે તે અદાલતમાં જ રીવીઝન અરજી કરી રીમાન્ડની જોગવાઈ કરવા પૂરતો સુધારો કરાવાય તો કામ બને અને આ કામ સરકારી વકીલનું છે.જેથી કલેકટર જીલ્લા સરકારી વકીલનેજ રૂબરૂ બોલાવ્યા જયદેવની હાજરીમાં ચર્ચા થઈ સુધારા રીવીઝન અરજી સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં દાખલ થઈ.

આ સઘળી હકિકતની ખબર મુળીમાં પણ પડી અને ચર્ચા થવા લાગી કે આ ફોજદાર જ દોઢ ડાહ્યો છે. થયેલ જામીન હુકમને પણ ચેલેન્જ કરે છે. બનારાજાએ પાછી દોડાદોડી શરૂ કરી મી આઈડીઆના વકીલને મળ્યા તાલુકા પંચાયત પ્રમુખ ચેમ્બરમાંજ તેમની મીટીંગ થઈ શું ગુન્હો છે. શુ પુરાવો છે. પોલીસે શું પુરાવો મેળવીને શુંશું કાર્યવાહી કરેલ છે તેનો અભ્યાસ થયો મી.આઈડીઆએ જે ખોટા ટીએ બીલ બનાવેલ તેને મંજૂર કરવાની સત્તા તાલુકા વિકાસ અધિકારીને જ હતી. તે ટીડીઓએ કુદરતી ક્રમમાંજ બીજા બીલો સાથે આ ખોટા બનાવેલ બીલો પણ પાસ કરેલા અને ટીડીઓ તો ઘણા સમયથી નિવૃત પણ થઈ ગયા હતા જયદેવે તેની તપાસમાં ટીડીઓની કાર્યવાહી કુદરતીક્રમની અને રાબેતા મુજબની જ ગણી હતી.

રીવીજન અરજી સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં ચાલુ થઈ અને પ્રથમ મી.આડીઆના વકીલે દલીલો ચાલુ કરી મી.લોર્ડ પોલીસની તો “એક ને ગોળ ને એકને ખોળજેવી ભેદભાવ યુકત તપાસ છે આ બીલ મંજૂર કરનાર ટીડીઓ પણ ગુનેગાર છે. તેને પોલીસ પકડતી નથી પરંતુ અમારા અસીલ યુનિયનના નેતા હોય અને આંદોલનમાં આગવો ભાગ ભજવેલો તેથી કીન્ના ખોરી રીતે અમને એકલાને જ ખોટી રીતે નુકશાન અને હેરાન કરવાનું આ તમામ અધિકારીનું કાવત્રું છે. વિગેરે દલીલો કરી પરંતુ અદાલતના ધ્યાન ઉપર તેમજ તમામના ધ્યાન ઉપર નિવૃત ટીડીઓ ની હકિકત પણ મૂકી પરંતુ આવી દલીલથી કાયદાકીય જોગવાઈને કોઈ ફર્ક પડતો નહિ હોય અદાલતે આગોતરા જામીન હુકમમાં સુધારો કર્યો કે પોલીસને તપાસના કામે આરોપીઓની જ‚રત હોય તો સક્ષમ અદાલત પાસે રીમાન્ડ માગી શકશે અને સક્ષમ અદાલત ગુણવતા આધારે હુકમ કરશે.

મી.આઈડીઆના ને તો કોઈ રાહત મળી નહિ ઉલટાના નિવૃત ટીડીઓને આ કાવત્રામાં ફસાવ્યા અને પોતે તો ફરારી જ રહ્યો દયાવાન જયદેવે નિવૃત ટી.ડી.ઓને કહેણ મોકલ્યું કે મુળી પોલીસ સ્ટેશને હાજર થવું કેસ કાગળો જોતા ટી.ડી.ઓ ભલે નૈતિક દ્રષ્ટીએ નિદોર્ષ હોય પણ તેમના તાબાના કર્મચારીએ પ્રથમ દ્રષ્ટીએ જ દેખાય તેવું ખોટુ રેકર્ડ ઊભુ કર્યું છે તો તેમણે તે જોઈને અટકાવવું જોઈએ સહી કરવી જોઈએ નહી ભલે ટેકનીકલ પણ ભૂલતો હતી જ.

ટી.ડી.ઓ નિવૃતીમાં ધર્મપારાયણ જીવન જીવતા હતા પરંતુ જતી જીંદગીએ આ આફત આવતા તેઓ જે સંપ્રદાયના ભકત હતા તે સંપ્રદાયના ગૂરૂઓ તથા ભગવાનના ફોટાઓ ઘરની બહાર ફેંકી દીધા અને આવ્યા મુળી પોલીસ સ્ટેશનમાં જયદેવને આ ઘટનાની ખબર પડી અને ઉંડો આઘાત લાગ્યો. જયદેવે મનોમન વિચાર્યું કે જીવનમાં મનુષ્ય પોતાની જ ઉભી કરેલી કર્મ રૂપી કર્મજાળમાં ફસાતો કે મોજ કરતો હોય છે. જયારે મોજ કરતો હોય ત્યારે માનવી તેને પોતાની આવડત સમજતો હોય છે. પરંતુ જયારે આ કર્મજાળ રૂપી મૂસીબતમાં ફસાય ત્યારે કુદરત કે ઈશ્ર્વરને દોષ દેતો હોય છે કે હું તમારા કેટલા જાપ કરૂ છું તો પણ હું ફસાયો પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં તેનો પણ ઉપાય બતાવેલ છે કે “યોગ: કર્મષુકૌશલમ્તમે નામ જાપતો ઠીક જરૂરી છે. પરંતુ તમે તમારા કર્મ કાર્યમાં નિપુણ બનો તેજ યોગ છે. પછી કયાં મુશ્કેલી છે? પરંતુ માનવી પોતાના મનની માયાજાળમાં જ મશગુલ છે!

જયદેવે નિવૃત ટી.ડી.ઓને આખા કેસની હકિકતથી વાકેફ કર્યા ફરિયાદ થવાનું કારણ, એફ.આઈ.આર. માં તેમનું નામ નહિ તપાસમાં પણ નહિ પરંતુ મી.આઈડીઆની આગોતરા જામીન અરજીમાં દલીલોમાં તમારી વિરૂધ્ધ પોલીસે કાંઈ કાર્યવાહી કરેલ નથી તેવી રજુઆત થયેલ હોય ના છૂટકે ભલે તમારી ટેકનીકલ ભૂલ છે. પણ હવે પોલીસે આ કાર્યવાહી કર્યા સિવાય છૂટકો નથી તેઓ ખરેખર સાત્વીક અને નિસ્પૃહીઅધિકારી હતા તેમની આંખોમાંથી પાણી આવવા લાગતા જયદેવે તેમને “કર્મનો સિધ્ધાંતસમજાવ્યો તથા નિવૃત રેવન્યુ અધિકારી હીરાભાઈ ઠકકરના  પુસ્તક “કર્મનો સિધ્ધાંતનો હવાલો આપી સમજાવ્યા કે “આ જન્મે ભલે કોઈ ખરાબ (નિશિધ્ધ) કર્મ કર્યા ન હોય પણ દરેક જીવાત્માનાં સંચિત કર્મો તો જન્મોજન્મ તેમની સાથે જોડાયેલા જ હોય છે.જેથી એમ માનવું કે આ રીતે તે સંચિત કર્મના ભારમાંથી મૂકત થયા, રાજા દશરથ અને કૃષ્ણના પિતા વસુદેવના જીવનમાં તેઓ ભગવાનના પિતા હોવા છતા આવેલ તકલીફો અને દુ:ખના ઉદાહરણ આપ્યા કે દુ:ખ સુખ તો જીવનદનો ઘટનાક્રમ છે. અને સમજાવ્યું કે તમારે હવે સસ્પેન્ડ થવાનું નથી કે પેન્શન અટકવાનું નથી ફકત અમારે તમને અટક જ કરવાના છે. અને તમારૂ નિવેદન લઈ કોર્ટમાં રજૂ કરવાના છે. આથી તેમને આશ્ર્વાસન લાગ્યું અને તેમણે જયદેવને કહ્યું તમે મારી દ્રષ્ટી ખોલી નાખી સાચો ખ્યાલ આપ્યો નહિતર હું અહીથી જામીન ઉપર છૂટીને આત્મહત્યા જ કરવાનો હતો પોલીસની કાર્યવાહી પૂરી થઈ.

પોલીસની આ કાર્યવાહીની જાસુસી મી.આઈડીઆ અને બનારાજાના માણસો કરતા જ હતા તેમણે ખાસ નોંધ એ લીધી કે જયદેવે નિવૃત ટી.ડી.ઓને અટક કરી એક જ કલાકમાં કોર્ટમાં રજૂ કરી દીધા હતા. આમ તો મી.આઈડીઆ રખડી રખડીને થાકયા હતા તેની પાસે હવે પોલીસમાં રજૂ થવા સિવાય કોઈ રસ્તો ન હતો.

મી.આઈડીઆએ કોન્સ્ટેબલ જયુભાના પગ પકડી લીધા જયુભા તેને લઈ જયદેવ પાસે આવ્યા જયદેવે મી. આઈડીઆને શાંતિથી સાંભળ્યો અને તેનુંવિગતે નિવેદન લીધું અને કહ્યુંકે જે અત્યારે વિધિ થઈ તે જો આટલી દોડાદોડી કરીતે પહેલા આવ્યા હોત તો પણતેજ થવાનું હતુ આ નિદોર્ષ ટી.ડી.ઓને સાથે જોતરવાની જરૂરત ન હતી મી.આઈડીઆએ નિખાલસ પણે કહ્યું “હા સાહેબ પણ ડુબતો માણસ તણખલુ જાલેતેમ બચવા પ્રયત્ન કર્યો હતો. જયદેવે કહ્યું પરંતુ તણખલુ પણ સાથે જ ડુબી ગયુંને? સાંજ સુધી તેની પૂછપરછ કરી અટક કરી કોર્ટના હુકમ મુજબ જામીન ઉપર મૂકત કરી બીજે દિવસે આવવા નોટીસ આપી તેની સહી લીધી

જયદેવને ખબર હતી કે તપાસ ઉપર કલેકટર તથા પોલીસ વડાનું રડાર ચાલુ જ છે. મી.આઈડીઆની સતત દૈનિક ધોરણે પૂછપરછ ચાલુ રાખી સવારે આવવાનું સાંજે પાછા જવાનું નોટીસ લેતા જવાનું મી.આઈડીઆ આથી કંટાળ્યા અને વચ્ચે વચ્ચે આવવાનુંબંધ કરતા જયદેવ તેની સ્ટેશનડાયરીમાં નોંધ કરતો તથા ફરી આવે ત્યારે નોટીસમાં તેનોઉલ્લેખ કરતો.

છેલ્લે જયદેવે તેને નોટીસ આપી બીજે દિવસે મુળી કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું.મી.આઈડીઆ મુળી કોર્ટમાં હાજર રહ્યા નહિ તેથી જયદેવે તેની કેસ ડાયરી કે જેમાં મી.આઈડીઆનો તપાસમાં અસહકારનું જણાવેલ તથા રીમાન્ડ શા માટે જરૂરી છે.તેના કારણો લખેલ તે વિગત સાથેનો આરોપીને ૧૪ દિવસની રીમાન્ડ ઉપર સોંપવાનો મુળી કોર્ટને રીપોર્ટ કયો. કોર્ટે તે પછીના દિવસની તારીખ આ રીમાન્ડ અરજી સાંભળવા ઉપર રાખી પરંતુ આરોપી મી.આઈડીઆ આવ્યા નહિ કોર્ટે આરોપી મી.આઈડીઆના દિવસ ૭ના રીમાન્ડ મંજૂર કર્યા પોલીસે પણ કોઈ વિલંબ કર્યા સિવાય મી.આઈડીઆને સુરેન્દ્રનગર ટાવર ચોકમાંથી ઉપાડી લીધો.

આખરે જે થવાનું હતુ તે થઈ ને જ રહ્યું આરોપી મી.આઈડીઆ પોલીસ કસ્ટડીમાં આવ્યા બાદ તેમની ફરજ મોકૂફીનો હુકમ પોલીસ કસ્ટડીમાં જ બજાવવામાં આવ્યો. જયદેવે તેને સાત દિવસ સાચવવો પડયો! તાલુકા પ્રમુખ બનારાજાએ લગાડેલી આગ કુદરતી રીતે જ ક્રમશ: તેમને જ દઝાડતી હતી તાલુકા પંચાયત કચેરીમાંનો તેમનો અંગત અને ભોમીયો માણસ ગયો જેમ રાવણ નો મેઘનાદ ગયો હતો.

પરંતુ જયદેવને વિજય પામ્યાનો કે કોઈ આનંદનો અહેસાસ ન હતો. પરંતુ ટેકનીકલી દોષીત ટી.ડી.ઓને ધરપકડમાંથી બચાવી શકયો નહિ તેનો અફસોસ હતો. આ અફસોસ જયદેવને જીંદગીભર રહ્યો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.