Abtak Media Google News

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાને રોકવા કર્ફયુ અને લોકડાઉન લાદવામાં આવ્યું.તેનાથી કોરોનાના કેસમાં ઘટાડો સાથે પણ હજી સુધી તે ચિંતાનો વિષય છે. દરરોજ 20 હજારથી વધુ નવા દર્દીઓ આવી રહ્યા છે, અને તેમાંથી 300થી વધુ કોરોના દર્દીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આ દરમિયાન દિલ્હીની કેજરીવાલ સરકારે સેનાની મદદ માંગી છે. રવિવારે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ સેનાને પત્ર લખી મદદની માંગ કરી હતી.

શનિવારે, દિલ્હી હાઈકોર્ટે હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય, બેડ અને દવાઓના અભાવ અંગે દાખલ કરેલી અરજી પર સુનાવણી કરી હતી, જેમાં કોર્ટે દિલ્હી સરકારને સખત ઠપકો આપ્યો હતો. કોર્ટે રાજ્ય સરકારને દિલ્હીમાં વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવા સશસ્ત્ર દળોની મદદની માંગવા જણાવ્યું હતું. આ પછી, રવિવારે દિલ્હી સરકારે સેનાની મદદ માંગી હતી.

આ સાથે કેન્દ્ર સરકારે રવિવારે હાઈકોર્ટને કહ્યું હતું કે, ‘જો દિલ્હી સરકાર જવાબદારી નિભાવવામાં અસમર્થ છે તો કેન્દ્ર સરકારને કહો, અમે ઉપરાષ્ટ્રપતિને કહીશું, દિલ્હીની જવાબદારી સંભાળીશું.’ સરકાર વતી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ આ દલીલ ત્યારે કરી જ્યારે અદાલતે કહ્યું કે, ‘થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકારે એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં દિલ્હી સરકારની લેફ્ટનન્ટ રાજ્યપાલને સોંપવામાં આવી છે.’

હાઈકોર્ટના ઠપકા બાદ દિલ્હીમાં કુલ 454 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય કરવામાં આવ્યું છે. આ સપ્લાય એક દિવસમાં સૌથી વધુ છે. દિલ્હી સરકારનું કહેવું છે કે, ‘તેઓ હજી પણ જરૂરી ઓક્સિજન મેળવી રહ્યા નથી. આને કારણે રવિવારે દિવસભર દિલ્હીની હોસ્પિટલોમાં કટોકટીની સ્થિતિ રહે છે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.