Abtak Media Google News

કેન્દ્ર સરકારે દિલ્હીના ઉપરાજ્યપાલ(લેફ્ટનન્ટ ગવર્નર)ની શક્તિમાં વધારો કર્યો છે. હવે થી ઉપરાજ્યપાલની મંજૂરી લીધા વિના કોઈ કાર્યકારી કાર્યવાહી થઈ શકશે નહીં. કેન્દ્ર સરકારે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યક્ષેત્ર શાસન અધિનિયમ એટલે કે GNCT Actને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં GNCT Actને 27 એપ્રિલથી અમલમાં મુકવામાં આવ્યો.

દિલ્હી વિધાનસભામાં પસાર થયેલા કાયદાના સંદર્ભમાં, સરકારે કોઈ પણ કારોબારી પગલું ભરતા પહેલા લેફ્ટનન્ટ ગવર્નરની સલાહ લેવી પડશે. 22 માર્ચે લોકસભામાં અને 24 માર્ચે રાજ્યસભામાં આ ખરડો પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદાથી કેજરીવાલ સરકાર પર મુશ્કેલીઓ વધી શકે છે.

કાયદામાં થયેલ સુધારા મુજબ હવે સરકારે લેફ્ટનન્ટ ગવર્નરને ધારાસભ્યોની દરખાસ્તો ઓછામાં ઓછા 15 દિવસ અગાઉ અને વહીવટી દરખાસ્તો ઓછામાં ઓછા 7 દિવસ અગાઉ મોકલવાની રહેશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી હોવાને કારણે લેફ્ટનન્ટ ગવર્નરને ઘણી સત્તા મળી છે. દિલ્હીમાં અને કેન્દ્રમાં અલગ સરકાર હોવાને કારણે લેફ્ટનન્ટ ગવર્નર અને દિલ્હી સરકાર વચ્ચે અધિકારને લઈને વિવાદ ચાલી રહ્યા છે.

રાજ્યસભામાં જ્યારે આ બિલ પસાર કરવામાં આવ્યું ત્યારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે તેને લોકશાહી માટેનો દુઃખદ દિવસ ગણાવ્યો હતો. તે જ સમયે, કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીએ કહ્યું કે, ‘આ સુધારાનો મૂળ હેતુ બિલની અસ્પષ્ટતાને દૂર કરવાનો છે. જેથી કાયદાને વિવિધ અદાલતોમાં પડકારવામાં ન આવે. ઉપરાજ્યપાલ ને તમામ નિર્ણયો, દરખાસ્તો અને કાર્યસૂચિની જાણકારી આપવી પડશે. લેફ્ટનન્ટ ગવર્નર અને મંત્રીઓની પરિષદ વચ્ચે કોઈ બાબતે મતભેદ હોય તો લેફ્ટનન્ટ ગવર્નર આ બાબતે રાષ્ટ્રપતિ સાથે ચર્ચા-વિચારણા કરી શકે. આ બિલ કોઈપણ રાજકીય દ્રષ્ટિકોણથી લગાવવામાં આવ્યું નથી.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.