આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 2025: ભાષા લોકોની વિવિધ ઓળખને પ્રોત્સાહન આપે છે. ભાષાઓ લોકોને જોડે છે અને લોકોને તેમની સંસ્કૃતિને જાળવવાની તક પણ આપે છે. લોકોની આ વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે, યુનેસ્કોએ 1999 માં 21 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય ભાષા દિવસ તરીકે જાહેર કર્યો હતો. આ ઉપરાંત યુનેસ્કો અનુસાર, વિશ્વભરમાં 8,324 ભાષાઓ છે, જેમાંથી 7000 આજે પણ ઉપયોગમાં છે. પરંતુ, આ ભાષાઓ ઝડપથી અદૃશ્ય થઈ રહી છે. આવી સ્થિતિમાં, આ લુપ્ત થતી ભાષાઓને ઉપયોગમાં રાખવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસનો ઇતિહાસ :
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણીનો ઇતિહાસ બાંગ્લાદેશ સાથે જોડાયેલો છે. ભારત અને પાકિસ્તાનના ભાગલા પછી બાંગ્લાદેશ પાકિસ્તાનનો ભાગ હતું. તેને પૂર્વ પાકિસ્તાન કહેવામાં આવતું હતું. પાકિસ્તાને ઉર્દૂને દેશની માતૃભાષા જાહેર કરી હતી. પરંતુ, પૂર્વ પાકિસ્તાનમાં બંગાળી ભાષી વસ્તી વધુ હતી અને નાગરિકોએ માંગ કરી હતી કે બંગાળીને માતૃભાષા બનાવવામાં આવે. આ ઉપરાંત 21 ફેબ્રુઆરી,1952ના રોજ, બાંગ્લાદેશમાં માતૃભાષા ચળવળનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ પોલીસ ગોળીબારમાં શહીદ થયેલા લોકોની યાદમાં 21 ફેબ્રુઆરીના દિવસે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણીની જાહેરાત કરી. આ દિવસને બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી છે.
ત્યારપછી, માતૃભાષાના મહત્વને ધ્યાનમાં રાખીને, યુનેસ્કોએ 1999 માં 21 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે જાહેર કર્યો. પ્રથમ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ વર્ષ 2000 માં ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની 25મી વર્ષગાંઠ છે.
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની થીમ
આ વર્ષે યુનેસ્કો “આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની રજત જયંતિ ઉજવણી” થીમ પર આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ દિવસે કવિતા વાંચન, વિવિધ ભાષાઓમાં વાર્તા કહેવા અને સાંસ્કૃતિક સંગીત સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉજવણી ફ્રાન્સના પેરિસમાં યુનેસ્કોના મુખ્યાલયમાં થઈ રહી છે.
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસનું મહત્વ
આ દિવસની ઉજવણીનો હેતુ વિવિધ ભાષાઓનું જતન કરવાનો, બહુભાષી શિક્ષણને પ્રોત્સાહન આપવાનો અને વિવિધતાના મહત્વને ઉજાગર કરવાનો છે. સારા શિક્ષણ માટે, શાળાઓમાં વિવિધ ભાષાઓ શીખવા પર ભાર મૂકવામાં આવે છે. ઉપરાંત, આદિવાસી વસ્તીના ભાષાકીય અધિકારોનું રક્ષણ કરવું પણ આ દિવસની ઉજવણીનું એક મુખ્ય કારણ છે.