કાળ સમા ઓસામા-બિન-લાદેનના આખરી દિવસો… આતંકના એક અધ્યાયનો કેવી રીતે આવ્યો’તો અંત ?

શું લાદેનના આખરી દિવસોના કેટલાક તથ્યો હજુ પણ બહાર નથી આવ્યા? શું લાદેન અમેરિકાના પૂર્વ પ્રમુખ ઓબામા અને જનરલ ડેવિડ પેટ્રોસ માટે જોખમ ઊભું કરવાનો હતો?

આપણે સહુ જાણીએ જ છીએ કે અમેરિકાએ દાયકા કરતાં પણ વધુ સમય સુધી અફઘાનિસ્તાનમાં યુદ્ધ લડયું. ત્યાર બાદ વર્ષો પછી તાજેતરમાં જ અચાનક જ અફઘાનિસ્તાન છોડયું. આજે એક એવી ઘટનાની વાત કરવી છે જેણે આ સમગ્ર યુદ્ધની પરોક્ષ નીવ રાખી. એક એવી ઘટના જે કેટલાય ઘટવિસ્ફોટ કરી શકે છે..

…અને આ એક ઘટનાની સાથે બરાક ઓબામા, હિલેરી કિલન્ટન સહિત વ્હાઈટ હાઉસનાં કોન્ફિડેન્શિયલરૂમમાં બેઠેલા તમામ ઉચ્ચ અધિકારીઓનાં શ્વાસ અધ્ધર થઈ ગયા. સી.આઈ.એ (સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી – યુ.એસ.)ની દસ વર્ષોની આકરી મહેનત અને ખોજનું પરિણામ આવું ભયાનક આવશે તેની કોઈને લગીરેય કલ્પના નહોતી. એક-એક સેક્ધડ વીતવાની સાથે એ કમરામાં છવાયેલો સન્નાટો ભારે અકળાવનારો પુરવાર થયો. બારથી પંદર લોકોની હાજરી હોવા છતાં ટાંકણી પડે તોય અવાજ સંભાળાય એટલી નીરવ શાંતિ પથરાઈ ચુકી હતી…!

આ આખી વાત 2011નાં મે મહિનામાં ચાલી રહેલાં ઓપરેશન ‘સીલ્સ મિશન’ની કહાની છે. જયાં અમેરિકી પ્રમુખ બરાક ઓબામાનાં નેતૃત્વ હેઠળ ઓસામા-બિન-લાદેનને ઠાર મારવાનો પ્લાન અમલમાં મૂકાયો હતો. જીવ સટોસટથી ભરેલા, આ ઓપરેશનમાં દસ વર્ષો સુધી અઢળક વિધ્નો આવ્યા. કેટલાયની જાન ગઈ, ઘણો ખૂનખરાબો થયો! 9/11 અમેરિકાનાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનાં આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ ઓસામા બિન લાદેન, જેનાં નામ માત્રથી અંધારી આલમમાં ભયનું લખલખું વ્યાપી જતું તેવાં માણસને જીવિત યા મૃત પકડવાનું અમેરિકાનું સપનું એક સમયે ચકનાચૂર થવાની કગાર પર ઉભું હતું! શું હતી આ આખી ઘટના? કેવા હતા ઓસામા-બિન લાદેનનાં આખરી ખૌફનાક દિવસો?

સન 1957માં અમીર સાઉદી પરિવારમાં જન્મેલાં બિન-લાદેનના ઉછેર પરથી કોઈ એવું ન કહી શકે કે એક દિવસ આ માણસ ઈસ્લામી જેહાદનો સૌથી ખતરનાક સાગિર્દ બનશે. બાવીસ વર્ષની ઉંમરમાં અફઘાનિસ્તાનમાં સોવિયેત આક્રમણના ખિલાફમાં લડવા માટે તે અફઘાન મુજાહિદ્દીનો હિસ્સો બન્યો. બિન-લાદેન માટે આ યુધ્ધ, કાફિરોને દૂર કરવા માટેનું એક ધર્મયુધ્ધ હતું. યુધ્ધની સમાપ્તિ પર બિન લાદેન જાંબાઝ મિલિટરી કમાન્ડર તરીકે નામના મેળવી ચૂક્યો હતો. જેના આધાર પર તેણે અલ કાયદાનું નિર્માણ કર્યું.

એ સમયનાં એક પણ પત્રકારો કે જર્નલિસ્ટોમાં એટલી હિંમત નહોતી કે બિન લાદેન સાથે રૂબરૂ થવાનું જોખમ ઉઠાવી શકે. પીટર બર્ગન નામનો એક પશ્ચિમી જર્નલિસ્ટ, એવા અમુક મુઠ્ઠીભર જર્નલિસ્ટમાંનો એક છે જે આતંકના આ શહેનશાહને મળી ચૂક્યો છે! મે, 1997માં પીટર બર્ગને પોતાનાં બોસને કહ્યું કે આપણે બિન લાદેનનો ઈન્ટરવ્યુ કરવો જોઈએ. મહિનાઓની રકઝકને અંતે તેઓએ પીટરને બિન લાદેનની ખોજ આદરવા માટે મંજૂરી આપી. પીટર બર્ગનની રાત-દિનની મહેનત બાદ આખરે બિન લાદેન પાકિસ્તાનની બોર્ડર પર આવેલી તોરા-બોરાની પહાડીઓમાં મળ્યો. પીટર બર્ગન સાથેના ઈન્ટરવ્યુ દરમિયાન જ તેણે અમેરિકાનાં લોકો વિરૂધ્ધ જંગનું એલાન કરી દીધું હતું. 1997માં કરેલા આ એલાનને ચાર વર્ષ પછી એટલે કે 2001માં લોકોએ હકીકત બનતું નિહાળ્યું.

બિન લાદેનનાં માર્ગદર્શન હેઠળ અલ કાયદાનાં હુમલાખોરોએ આફ્રિકાની યુ.એસ. એમ્બેસીને પોતાનું નિશાન બનાવી. 11 સપ્ટેમ્બર, 2001માં વોશિંગ્ટનનાં પેન્ટાગોન અને ન્યુયોર્કનાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરી ત્યાંના લોકોમાં ભયની દહેશત ફેલાવી દીધી. પોતાનાં પ્રાણ સમા શહેર વોશિંગ્ટન પર થયેલા આ આકરા પ્રહાર બાદ અમેરિકા પણ કંઈ ચૂપ બેસે તેવાં દેશોમાંનું નહોતું. 9/11નાં બરાબર એક મહિના બાદ યુ.એસ. અને અફઘાની ફાઈટર્સે બિન લાદેનની શોધખોળ આદરી. એડીચોટીનું જોર લગાવીને અમેરિકન જાસૂસોએ તેને તોરા-બોરાની પહાડીઓમાંથી શોધી કાઢયો. અમેરિકાની પોતાને મારવાની બેતાબીથી ગભરાયેલાં બિન લાદેને રેડિયો ઉઠાવીને દરેક સમર્થકોને આત્મસમર્પણ કરવાની અનુમતિ આપી! અને પછીના દસ વર્ષો સુધી પોતે કયાંક એવી જગ્યાએ છુપાઈ ગયો જયાં સુધી પહોંચવાનું અમેરિકન ઈન્ટલિજન્સ માટે પણ સંભવ નહોતું.

વર્ષો સુધી સી.આઈ.એ.ની ટીમે બિન લાદેન સુધી જઈને અટકતી દરેક કડી-પુરાવાઓનું ગહન આકલન કર્યું પણ દર વખતે પરિણામ શુન્ય જ નીકળતું! બિન લાદેને પોતાનાં વિરૂધ્ધ કોઈ પુરાવા બાકી રહેવા જ નહોતા દીધા. ન કોઈ સંદેશાવ્યવહાર કે ન તો કોઈ આવનજાવન! જાણે ધુમાડાની માફક તે હવામાં ઓગળી ગયો હતો. 2007માં બિન લાદેનની શોધમાં વ્યસ્ત આખી અમેરિકન ટીમ સી.આઈ.એ.નાં ડિરેકટર માઈકલ હેડન પાસે આવી. જેમણે આ શોધખોળને વધુ વેગવાન બનાવી. આખરે એક દિવસ એમને એક મહત્વની કડી હાથ લાગી. બિન લાદેન પોતાના આતંકી સંદેશાઓને અલ કાયદાનાં માણસો સુધી પહોંચાડવા માટે જે સંદેશવાહકોનો ઉપયોગ કરતો તેમાંનો એક અબુ અહેમદ અલ કુવૈતી, જે બિન લાદેનનો સૌથી ભરોસાપાત્ર માણસ! આટલી માહિતી સાથે અલ કુવૈતીને શોધવામાં સી.આઈ.એ. જાસૂસોનાં વણ વર્ષ વીતી ગયા.

2010માં અલકાયદા ટેલિફોન લાઈન દ્વારા અલ-કુવૈતીની ભાળ મળી… અબોટાબાદ, પાકિસ્તાનમાંથી! જયાં છે, પાકિસ્તાનની સૌથી પ્રતિષ્ઠિત મિલિટરી એકેડમી! અબોટાબાદનું આહલાદક વાતાવરણ દરેક નિવૃત મિલિટરી કર્મચારીને ત્યાં વસવાટ કરવા માટે મજબૂર કરે તેવું છે. અહીંથી જ અલ કુવૈતીનું લોકેશન પણ મળ્યું. અલ કુવૈતીનું સ્થાનિક નામ અરશદ ખાન. ગામમાં આવેલા ત્રણ માળનાં એક વિશાળ ઘરનો પોતે માલિક. પહેલા અને બીજા માળે પાંચ પાંચ બેડરૂમ અને ત્રીજો માળ ગેરકાયદેસર રીતે ચણવામાં આવેલો. ઘરની આગળ એક મોટું ખેતર, જયાં પાકની ખેતી કરવામાં આવતી.

આટલા વિશાળ પરિસરમાં ફોનલાઈન નહોતી કે નહોતી બહારની દુનિયા સાથેનો સંપર્ક! અમેરિકી જાસૂસોએ ડ્રોનની મદદથી આ જગ્યાનાં ફોટો ખેંચ્યા અને ત્યાં થતી દરેક વાતચીત શબ્દશ: રેકોર્ડ થાય તેવી ગોઠવણ ઉભી કરી. સી.આઈ.એ.નાં માણસોએ ઘર પર નજર રાખવા માટે ગામમાં જ એક દુકાન ખોલી. દરરોજ સવારે અમુક ગેલન દૂધ પરિસરનાં દરવાજા પાસે રાખવામાં આવતું અને અઠવાડિયે એકવાર અલ કુવૈતી નજીકની દુકાનમાંથી બકરી ખરીદતો. બિન લાદેનની હાજરી હોવાની 60 ટકા સંભાવનાને ધ્યાનમાં લેતા, ડિસેમ્બર 2010માં સી.આઈ.એ. ડિરેક્ટર લિઓન પેનોટા બરાક ઓબામાને મળ્યા અને આ વિશે કાર્યવાહી કરવા જણાવ્યું. ઓબામાએ પણ પ્લાનને આગળ ધપાવવા માટેની મંજૂરી આપી દીધી. 10 એપ્રિલથી 29 એપ્રિલ 2011 (વીસ દિવસ) સુધી આ મિશન માટે અમેરિકન કમાન્ડોને તાલીમ આપવામાં આવી. મે, 2011નાં રોજ રાતે અગિયાર વાગ્યે બે બ્લેક-હોક હેલિકોપ્ટરને અફઘાનિસ્તાનનાં જલાલાબાદ એર ફિલ્ડ ખાતે મોકલવામાં આવ્યા.

કુલ 23 નેવી સીલ્સ (કમાન્ડો) સાથે રવાના થયેલાં આ બંને હેલિકોપ્ટરમાં એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો જેને રડાર દ્વારા પણ ડિટેક્ટ ન કરી શકાય. 260 કિલોમીટરનો પ્રવાસ ખેડીને બંને બ્લેક-હોક રાતનાં અંદાજે એક વાગ્યે પોતાનાં ટાર્ગેટ પર પહોંચી ગયા. બીજી બાજુ વ્હાઈટ હાઉસનાં કોન્ફિડેન્શિયલ રૂમમાં બરાક ઓબામા, હિલેરી ક્લિન્ટન સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ આ આખી ઘટનાનો લાઈવ વીડિયો નિહાળી રહ્યા હતા.

અબોટાબાદમાં બિન લાદેનનાં ઘરનાં પરિસરની 4600 મીટર ઉપર ઉડી રહેલું ડ્રોન પળેપળની ખબરો વીડિયોરૂપે અમેરિકા મોક્લી રહ્યું હતું. એમાં થયું એવું કે અચાનક જ બેમાંથી એક હેલિકોપ્ટરે પોતાનું સંતુલન ગુમાવ્યું. આ જોતાંની સાથે જ વ્હાઈટ હાઉસમાં બેઠેલા દરેક વ્યક્તિનાં જીવ અધ્ધર થઈ ગયા. પોતાની દસ વર્ષોની મહેનત તેમને પાણીમાં ડૂબતી જણાઈ. બ્લેક-હોક ‘સેટલિંગ વિથ પાવર’ નામનાં એક એરોડાયનેમિક ફિનોમેનનને કારણે આગળની તરફ નમી ગયું અને ઘરની છત પર જઈને અથડાયું. સી.આઈ.એ.નું મિશન હવે ખતરામાં હતું.

થોડી મિનિટો બાદ 12 સીલ્સને હેમખેમ હેલિકોપ્ટરમાંથી બહાર નીકળતા જોઈને સૌના જીવમાં જીવ આવ્યો. એક એક કરીને દરેક કમાન્ડો ટુકડીઓમાં વિભાજીત થઈ ગયા. પહેલા માળે સૌથી પહેલા તેમનો સામનો અલ કુવૈતી સાથે થયો. જેમને તેઓએ ઠાર માર્યો. ત્યારબાદ અલ કુવૈતીનાં ભાઈ અબરાર અને પત્નીને પણ કમાન્ડોએ ગોળી ધરબી દીધી.

છેલ્લે તમામ કમાન્ડો મુખ્ય બિલ્ડિંગમાં દાખલ થયા, જ્યાં તેમનો સામનો અલકાયદાનાં બાદશાહ ઓસામા બિન લાદેન સાથે થયો! પહેલી ગોળી કમાન્ડોએ તેની છાતી પર મારી અને બીજી તેનાં કપાળ પર! 2 મે, 2011ની રાતે એક વાગ્યાને વીસ મિનિટે આતંકના એક અધ્યાયનો અંત આવ્યો. તેના કમરામાંથી કમાન્ડોને પાંચ કમ્પ્યુટર્સ, દસ હાર્ડ-ડ્રાઈવ, એકસો દસ થમ્બ-ડ્રાઈવ અને એક હાથે લખેલી જર્નલ મળી. બિન લાદેનનાં ડેડ બોડીમાંથી ડી.એન.એ સેમ્પલ પણ લેવામાં આવ્યા. જપ્ત કરેલા સામાનમાંથી બિન લાદેનનાં કેટલાક વીડિયો મળી આવ્યા. જેના પરથી સાબિત થયું કે તે પોતાના ભાષણો બોલતા પહેલા એ માટેની સ્પીચ તૈયાર કરતો.

દાઢી રંગવાથી માંડીને મોઢા પર મેક અપ કરવા સુધીનાં દરેક કામ તે ભાષણોમાં જતાં પહેલા કરતો. એક જમાનાનો ઈસ્લામી જેહાદનો શહેઝાદો પોતાના આખરી દિવસોમાં એક સસ્તા ટીવી પર પોતાની તસ્વીરો જોતો! 9/11ની એનિવર્સરીને સેલિબ્રેટ કરવા તે નવા હુમલાઓની યોજના બનાવી રહ્યો હતો.

બિન લાદેનનો હવે પછીનો ટાર્ગેટ અમેરિકન પ્રમુખ બરાક ઓબામા અને જનરલ ડેવિડ પેટ્રોસ હતા!! 2010માં પાકિસ્તાનમાંથી પસાર થનાર અલ કાયદાની ટેલીફોન લાઈનમાં એક માણસે પોતાની ઓળખાણ અલ કુવૈતી તરીકે આપી. જે ગલ્ફનાં કોઈક ઘરાક પાસેથી પૈસાની ઉઘરાણી કરી રહ્યો હતો. આઈ.એસ.આઈ.એ આ કોલ સાંભળીને તેનું રૂપાંતર કરી સી.આઈ.એ.ને ફોરવર્ડ કર્યો. ફોનનું લોકેશન પેશાવર પાકિસ્તાનમાં અને તેનો સિગ્નલ શહેરમાં ફરતી એક સફેદ સુઝુકી વાનમાંથી મળ્યાં. સી.આઈ.એની ટીમે તુરંત જ વાનને શોધી, તેનો પીછો કરવાનું શરૂ કર્યું.

દર વખતે વાન અબોટાબાદની એક વિશાળ પરિસરમાં જઈને અટકતી હતી. ઉંચી ઊંચી દિવાલો, કડક ચોકી પહેરો, ફરતે તારની વાડ જોઈને યુ.એસ. ઈન્ટેલિજન્સને ખાતરી થઈ ગઈ કે નકકી અહીં કશુંક તો એવું છે જેને છુપાવવાનાં પ્રયાસો થઈ રહ્યા છે!! ઓસામા બિન લાદેનનું અપ્રકાશિત રૂપે અબોટાબાદમાં રહેવું અને અમેરિકન કમાન્ડો દ્વારા રાતોરાત અંધારામાં કોળિયો થઈ જવું એ પાકિસ્તાનીઓ માટે શરમજનક બાબત છે જેને તેઓ આવનારા દશકા સુધી કદાચ ભૂલી નહિ શકે!

ઓસામા બિન લાદેનનો ખાત્મો બોલાવવા માટે 14 માર્ચ, 2011નાં રોજ અમેરિકન પ્રમુખ બરાક ઓબામાને ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા

(1)  પાકિસ્તાની સેના સાથે મળીને હુમલો (2)  બી-ટુ બોમ્બની મદદથી ઉંચાઈ પરથી હુમલો (3)  યુએસ સ્પેશિયલ ફોર્સ સંચાલિત હેલિકોપ્ટર્સ દ્વારા હુમલો

તથ્ય કોર્નર

બિન લાદેન પર બાળકોમાંનું 17મું સંતાન હતો. તેના પિતા મુહમ્મદ અવાદ બિન લાદેન સાઉદીની સૌથી મોટી ક્ધસ્ટ્રક્શન કંપનીના માલિક હતા