જૂનાગઢના વહીવટદારોના અયોગ્ય નિર્ણયના પાપે વારસો તહસનહસ

દરબાર હોલ મ્યુઝીયમનું સ્થળાંતર કરી પ્રાચીન વારસાનું નખ્ખોદ વાળ્યું: મૂળ સ્થાને ખસેડવા માંગ

રાજાની કચેરી પુન: દિવાન ચોકમાં સ્થાપન કરાય તો ફરી વારસાની ગરિમા વધે

જૂનાગઢના દરબાર હોલ મ્યુઝીયમ તેવી પ્રાચીન વિરાસતનું સ્થળાંતર કરી નખ્ખોદ કાઢી નખાયું હોય મ્યુઝીયમને ફરી દિવાનચોકની મૂળ જગ્યાએ લાવી પ્રાચીન વારસો સાચવવા જાળવવા લોક માંગ ઉઠી છે.

જુનાગઢના નામ મુજબ તેની વિરાસત અને જાહો જલાલીની દાસ્તાન પણ ખૂબ જ જૂની અને રોચક અને સાહસથી ભરેલી છે, જૂનાગઢની કિસ્મતમાં વારંવાર દરેક યુગમાં પરિવર્તન અને ભવિષ્યના નિર્ણય લેવાના અવસરો આવતા જ રહે છે.

૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે દેશ આઝાદ થયો હતો તે દિવસે જૂનાગઢના નસીબમાં આઝાદી ન હતી ફરીથી ૯ નવેમ્બર ૧૯૪૭ નો દિવસ જૂનાગઢની કિસ્મત બદલ નારો બન્યો અને પછી તો ઘણી એવી તારીખો આવી કે જેમાં જૂનાગઢની આન, બાન, શાન અને કિસ્મત બદલવાના નિર્ણય એક પછી એક લેવાતા ગયા.

આવા નિર્ણયમાં મોટાભાગે છેલ્લા નવાબ મહાબત ખાનજી બીજાથી લઇને વર્તમાન શાસકો સુધીના લેવાયેલા નિર્ણયમાં પહેલો નિર્ણય અયોગ્ય અને ફેર વિચારણા લાયક જ હોય તેમ લોકતંત્રમાં પણ જુનાગઢ વિશેના નિર્ણયો વારંવાર ફેરવવાની ફરજ પડી છે.

તાજેતરની જ વાત કરીએ તો, કરોડોના ખર્ચે દામોદર કુંડનું નવીનીકરણ થયું મૂળભૂત કુંડમાંથી સ્વિમિંગ પૂલ જેવા કુન્ડો બનાવવાના નિર્ણયને ફરીથી કરોડના ખર્ચે ફેરવીને દામોદર કુંડની મૂળભૂત સ્થિતિ પાછી લાવવી પડી.

મુંબઈ જનારા લોકોને ખબર હશે કે ત્યાંનું બ્રિટિશ વખતનું જૂનું કોરોનો હાઉસ એટલે કે નગરપાલિકા કચેરીનું આખું લાકડાનું ભવન આજે પણ આબેહુુંબ્બ  સાચવીને મુંબઈની શાન ગણીને  સચવાયું છે, આવું જ એક આખું લાકડાનું ભવન જૂનાગઢમાં પણ હતું, જ્યાં અત્યારે મહાનગર સેવા સદન ઊભું કરવામાં આવ્યું છે, ત્યાં બ્રિટિશ વખતના જમાનામાં જ્યારે મુંબઈનું કોરોના હાઉસ બનાવાયું હતું તેવું જ આબેહૂબ લાકડાનું ભવન જૂનાગઢમાં પણ બન્યું હતું, પણ કમનસીબી એ કે, જૂનાગઢના કહેવાતા વિકાસલક્ષી શાસકોએ આખું લાકડાનું ભવન સાચવવાના બદલે માત્ર તેના લાકડા વેચવાના મોહમાં એન્ટિક ગણાય એવું અને અબજો રૂપિયા દેતા પણ ન બને તેવું જુનુ નગરપાલિકાનું ભવન તોડી પાડયુ.

જૂનાગઢના ઇતિહાસમાં રંગ મહેલની આગ પણ આવી જ કાલી ટીલી છે, આખું નકશીદાર મકાન અને આઝાદી પહેલાનું અને વર્તમાન સમયનું આખે આખું રેકોર્ડ જ્યાં સૂચવાયું હતું તે મકાન સળગીને નેસ્ત નાબૂદ થઈ ગયું અને જૂનાગઢનું જનજીવન જોતું રહ્યું.

આ જ રીતે જૂનાગઢના દિવાન ચોકમાં આવેલા દરબાર હોલની રાજધાની કચેરી, જુનાગઢ, ગુજરાત અને ભારત નહીં સમગ્ર વિશ્વમાં એક એવી પ્રાચીન જગ્યા હતી કે જે જૂના જમાનામાં જ્યાં રાજવીનો દરબાર અને કચેરી ભરાતી હતી તે જગ્યાએ આબેહૂબ રીતે તમામ વસ્તુઓ સાથે આબાદ બચી હતી, આ જગ્યાને બચાવવાના બદલે માત્ર સાડા છ કરોડ રૂપિયાની વિકાસ લક્ષી ગ્રાન્ટ આવતાની સાથે જુનાગઢનો દરબાર હોલ મ્યુઝિયમ ફેરવવાનો નિર્ણય લીધો અને તેનાથી અડધી જગ્યા પણ ન હોય તેવા સરદારબાગના પેલેસમાં  મ્યુઝિયમ ફેરવી નાખવામાં આવ્યું.

દરબાર હોલ મ્યુઝિયમમાં મોટાા મોટા ગાલીચા અનેે સોના-ચાંદીના વાસણ, અલભ્ય કોતરણી વાળા, ફર્નિચર, બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મનીમાં  ખાસ ઓર્ડર દઈને તૈયાર કરવામાં આવેલા અરીસા, રાચ રસીલા, ઘોડા, ઊંટ ઉપર બેઠા બેઠા શિકાર કરી શકાય તેવી ક્યાંય ન સચવાય હોય તેવી જામગરી બંદુકો અને જુનવાણી હથિયારો, નકશી કામ કરેલા પહેરવેશ, બકર હાથીની અંબાડી, બેગમો માટેની બગી, નાનાા બાળકો માટેના પાલના, જ્યાં જેવી રીતેે હતા તેવી રીતે સચવાયેલા હતા.

દિવાન ચોકના દરબાર હોલ મ્યુઝિયમની સીડી ચડીને કોઈ મુલાકાતી દરબાર હોલમાં પગ મૂકે એટલે તેનેે એવું થાય કે, જાણે તે નવાબના જમાનામાં જ પહોંચી ગયા છે.

આ આખી વિરાસતને બીજે ઠેકાણે ફેરવીને જૂનાગઢની વિરાસતનું નખ્ખોદ વાળી નાખ્યું, દરબાર હોલ મ્યુઝિયમ સરદાર બાગમાંં ફેરવી નાખવામાં આવતા પ્રવાસીઓની સંખ્યા તો ઘણી ઘટી જ ગઈ છેે, સાથોસાથ દિવાન ચોકમાં પણ પ્રવાસીઓની રોનક ઉડી ગઈ છે.

બીજી બાજુ હજુ આ મ્યુઝિયમની છત ઉપર લગાવવામાં આવેલા જુનવાણી પંખા અને ઝુમ્મર ઉતારી શકાયા નથી, અને દુ:ખ સાથે  નિર્માણ કરનારાઓને એ ખબર નહીં હોય કે, એક દિવસ એવો આવશે કે, રાજાની આ કચેરી માત્ર બે-ત્રણ સરકારી અધિકારીઓના નિર્ણયથી રફેદફે થઈ જશે.

ત્યારે હવે જ્યારે ઉપરકોટ, મહાબત મકબરા, મજેવડી ગેટ, બાઉદીન બિલ્ડીંગનું રીનોવેશન જૂનાગઢના પનોતા પુત્ર એવા જવાહરભાઈ ચાવડાના મંત્રી પદ હેઠળ સરકાર થઈ રહ્યું છે, ત્યારે જવાહરભાઈનું બાળપણ જ્યાં દરબાર હોલ પાસેના આહિર ભવનની સાક્ષીએ વિત્યુ છે તેવા જૂનાગઢની વિરાસત એવા દરબાર હોલ મ્યુઝિયમમા ફરીથી મ્યુઝિયમ પરત થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

બીજી બાજુ મંત્રી જવાહરભાઇ ચાવડાએ આ વિરાસતનું મહત્વ સમજીને દરબાર હોલ મ્યુઝિયમ ફરીથી દિવાન ચોકમાં લઇ આવવું જોઇએ તેવી આ વિસ્તારના વેપારીઓમાંથી પણ માંગ ઉઠી છે.