મોરબીના ઉંચી માંડલ ગામે થયેલી લૂંટનો ગણતરીના કલાકોમાં  ભેદ ઉકેલાયો

સીસીટીવીના આધારે પોલીસે એમ.પી.ના બે શખ્સોને દબોચી લઈ મુદામાલ કબ્જે કર્યો

મોરબીના ઊંચી માંડલ ગામ પાસે થયેલ લૂંટને અંજામ આપનાર બન્ને આરોપીને ગણતરીની કલાકોમાં મોરબી તાલુકા પોલીસે પકડી પાડ્યા છે વિગતવાર માહિતી જોવા જઈએ તો મોરબીના ઊંચી માંડલ ગામ પાસે સાંજના સુમારે મોબાઇલની દુકાન ધરાવતા મોંટુભાઈ ચુનીલાલ કાલરીયાને દુકાનમાં મોબાઈલમાં ગ્લાસ નાખવાનું બહાનું કરી બન્દુક દેખાડી રૂ.25000 ની બે અજાણ્યા શખ્સો લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.

ગ્રાહકના સ્વાંગમાં આવેલા હિન્દીભાષી બે શખ્સોએ બંદૂકની અણીએ 25 હજારની લૂંટ ચલાવી ‘તી

એએસપી અતુલ બંસલ, મોરબી તાલુકા પોલીસ પીઆઇ વિરલ પટેલ, મોરબી એલસીબી પીએસઆઇ એન એચ ચુડાસમા, મોરબી એસઓજી જે એમ આલ સહિતનો કાફલો ઘટનાંસ્થળે દોડી ગયો હતો જે દરમિયાન ગણતરીની કલાકોમાં ઊંચી માંડલ ગામ નજીક એક ખેતરમાંથી મૂળ મધ્યપ્રદેશ ના નિમચ ગામના વતની અને હાલ મોરબી સીરામીક યુનિટમાં રહી મજૂરી કામ કરતા એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે જ્યારે અન્ય બીજો આરોપી ઝાડી જંખરમાં છુપાયેલો હોવાની શક્યતા હોવાથી તેની શોધખોળ કરી પકડી પાડ્યો હતો. બન્ને આરોપીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું પણ ભોગ બનનારે જણાવ્યું હતું પરંતુ આ બતાવેલ પીસ્ટલ એરગન હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે ત્યારે ખરેખર ફાયરિંગ થયું છે કે પછી એરગનથી દુકાન માલિકને ડરાવવાનો પ્રયાસ કરાયો છે એ તપાસનો વિષય છે હાલ મોરબી તાલુકા પીઆઇ વિરલ પટેલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી ડોગ સ્કોડની ટીમને બોલાવી આગળની તપાસ હાથ ધરી છે.

જો કે આ ઘટનાની પોલીસને જાણ થતાં જ પ્રથમ મોરબી તાલુકા પીઆઇ વિરલ પટેલ, એસઓજી પીઆઇ જે એમ આલ,પીએસઆઇ એન એચ ચુડાસમા,એએસપી અતુલ બંસલ સહિતની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાબીલેદાદ કામગીરી કરી ગણતરી ના કલાકોમાં આરોપીની ધરપકડ કરી પ્રશંસનિય કામગીરી કરી હતી.

ચોરાઉ બાઈકનો લૂંટમાં ઉપયોગ કરાયો

મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ પાસે મોબાઇલ ની દુકાનમાં બે અજાણ્યા શખ્સોએ ઘુસી જઇ બન્દુક દેખાડી લૂંટ ચલાવી હતી. બનાવની વિગત મુજબ મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ પાસે મોંટુભાઈ ચુનીલાલ કાલરીયા ની મોબાઈલ સીટી પલ્સ નામની મોબાઇલની દુકાનમાં આજે બપોરના સમયે બે હિન્દીમાં વાતો કરતા બે શખ્સો આવ્યા હતા અને પ્રથમ મોબાઈલ પર ટફન ગ્લાસ નાખવાનું કીધું હતું બાદમાં મોકો જોઈને અજાણ્યા લૂંટારૂઓ એ બન્દુક કાઢીને દુકાનદારને જેટલા પૈસા હોય એટલા આપી દેવાનું કહ્યું હતું જેથી દુકાનદારે દુકાનના ગલ્લામાં પડેલા રૂ.25000 જેટલી રોકડ રકમ તેમને આપી દીધી હતી અને બાદમાં લૂંટારાઓ પૈસા લઈને નાસી ગયા હતા તે દરમિયાન દુકાનદારે વળતો પ્રહાર કરતા લૂંટારૂઓને પથ્થર માર્યા હતા જેમાં લૂંટારૂઓ એ પણ સામે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જોકે આ ફાયરિંગમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી અને આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી માં કેદ થઈ  ગઈ હતી.જેથી આ બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને સીસીટીવી ના આધારે લૂંટારૂઓ ને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.