- પરમધામના પ્રાંગણે રાષ્ટ્રસંત નમ્રમુનિ મ. સ.ની 34મી દીક્ષા જયંતિ બે દિવસીય શિબિર સંયમ અભિવંદનાના ભાવ સાથે ઉજવાય
બધું જ ત્યાગીને દીક્ષા ચાહે લઈ શકાય કે ન લઈ શકાય પરંતુ કોઈપણ પરિસ્થિતિનો પ્રસન્નતાથી સ્વીકાર કરવા સ્વરૂપ સ્વીકારભાવ રાખી શકાયનો બોધ પ્રસારીને પરમધામ સાધના સંકુલના પ્રાંગણે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની 34મી દીક્ષા જયંતિનો અવસર ભક્તિભાવથી ઉજવાયો હતો.
જેમનું અપ્રતિમ સંતત્વ અનેક હૃદયમાં સંતત્વના સંસ્કાર જાગૃત કરી રહ્યું છે એવા પરમ ગુરુદેવની દીક્ષા જયંતિ અવસરે એમને શુભેચ્છા વંદના અર્પણ કરવા અનેક ક્ષેત્રોથી પધારેલાં સેંકડો ભાવિકો માટે વિશેષરૂપે બે દિવસીય ક્રોધ વિજય શિબિર યોજાઇ હતી.
સંયમ જીવનના 34 વર્ષની સાધનાનો અર્થ આપતાં આ અવસરે પરમ ગુરુદેવે પ્રતિકાર ભાવનું પ્રાયશ્ચિત અને સ્વીકાર ભાવની રાખવાનો પ્રેરકબોધ ફરમાવીને કહ્યું હતું કે સંસારનો ત્યાગ કરીને દીક્ષા લેવાની કેપેસિટી કદાચ બધાંની ન હોઈ શકે પણ દીક્ષા એ જ લઈ શકે જેની દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરવાની તૈયારી હોય. અણગમતી, ન ગમતી કે પ્રતિકૂળ પરિસ્થિતિ પ્રત્યે જેનો પ્રતિકારભાવ છે એ દીક્ષિત હોવા છતાં એની દીક્ષા કદી સાર્થક નથી થતી. પરંતુ યોગ્ય કે અયોગ્ય, ગમતી કે ન ગમતી દરેક નાની-નાની વાતમાં જે સ્વીકારભાવ રાખે છે એનો સંયમ 100 ટચનો બની જાય છે.
પરમાત્મા કહે છે, સ્વીકારમાં સમાધિ છે, પ્રતિકારમાં ઉપાધિ છે. સ્વીકારમાં સમભાવ છે અને સમભાવ તે ઈચ્છા મુક્તિનો ઉપાય છે. સ્વીકારભાવ તે ક્રોધ અને ગુસ્સા પર વિજય પામવાનો શ્રેષ્ઠ ઉપાય છે. ’જી, હા, ઓકે, થઇ જશે’ રૂપી સ્વીકાર ભાવ રાખવાના મહામંત્રથી જીવનને શાંતિ -સમાધિથી સમૃદ્ધ બનાવીએ. આત્માનું પરમ કલ્યાણ કરાવી દેનારી પરમ ગુરુદેવની આ બોધધારા સાથે જ પરમધામના પ્રાંગણે એક દિવસીય નિ:શુલ્ક પશુ ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સરકાર પશુપાલન વિભાગના ઉપક્રમે રિલાયન્સ ફાઉન્ડેશનના અનુદાન તેમજ અર્હમ યુવા સેવા ગ્રુપ અને ઓલવેઝ એનિમલ કેર સેન્ટર તેમજ ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટના સહયોગે આયોજિત આ કેમ્પમાં કેન્સર, વિવિધ રોગોથી પીડાતાં ઘાયલ અને પીડિત એવા 62 જેટલા અબોલ નિ:સહાય પશુઓનું સફળ નિ:શુલ્ક ઓપરેશન કરીને એમને દર્દ મુક્તિ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આમ જીવદયા, માનવતા અને આત્મગુણોની વૃદ્ધિની પ્રેરણા પ્રસારીને ઉજવાયેલો પરમ ગુરુદેવની દીક્ષા જયંતિનો આ અવસર સહુ માટે વંદનીય બની ગયો.