Abtak Media Google News

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 7 તાલુકાઓમાં મેઘમહેર: સૌરાષ્ટ્ર-કચ્છમાં 22 જુલાઈએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતા

ગત એક સપ્તાહથી પણ વધુ સમય માટે વરસાદ ખેંચાતા ખેડૂતો અને લોકોને ઘણી તકલીફ પહોંચી હતી. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેર અને રાજ્યમાં રવિવારથી ચોમાસું ફરી સક્રિય થઇ રહ્યું છે અને આગામી 11 થી 13 જુલાઈ દરમિયાન વરસાદ પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે જે સ્થિતિ જોવા મળી રહી છે તેને જોતા ચોમાસું આગામી બે દિવસમાં પૂર્ણત: સક્રિય થઇ જશે. બંગાળની ખાડીમાં હાલ લો પ્રેશર સર્જાયું છે ત્યારે તેની સીધી અસરથી હવે રાજ્યભરમાં ચોમાસુ ફરી સક્રિય થશે.

બીજી તરફ રવિવારના રોજ જો વરસાદ આવશે તો મહત્તમ તાપમાનમાં સીધો જ 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે. ત્યારે આગામી 24 કલાક બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટા-છવાયા વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી રહી છે. સામે હાલ જે હવામાં ભેજનું પ્રમાણ અને પવનની ગતિ જોવા મળી રહી છે તેને જોઈ સિસ્ટમ ફરી સક્રિય થઇ રહી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 7 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 19 મી.મી અને ડાંગના વઘઈમાં 10 મી.મી વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીના વાંસદામાં 5 મી.મી, વલસાડના કપરાડામાં 2 મી.મી, વેરાવળમાં એક, ગણદેવીમાં એક અને ડાંગના આહવામાં પણ એક મી.મી વરસાદ નોંધાયો છે.

દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગના મતે આગામી 11 જુલાઇના અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દમણમાં હળવાથી મધ્યમ, 12 જુલાઇના નર્મદા, ડાંગ, તાપી, સુરત, ભરૂચમાં ભારે, સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવોથી મધ્યમ જ્યારે 13જુલાઇના આણંદ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, દમણ અને ભાવનગરમાં અતિ ભારે,દાહોદ,પંચમહાલ,બોટાદ અને અમરેલીમાં ભારે વરસાદની સંભાવના છે.

રાજ્યમાં  વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ લેતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી ગયું છે.વરસાદ ખેંચાતાં રાજ્યમાં ચોમાસાની આ સીઝન દરમિયાન અત્યારસુધી સરેરાશ 4.84 ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાત તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. બીજી તરફ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ ડેવલોપ થતાં ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રવીવારથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની તિવ્રતામાં પણ વધારો થશે. વરસાદની આગાહીથી ખેડૂતો માટે પણ સારા સમાચાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.