રાજકોટના રાજમાર્ગો પર પડેલા ખાડા અંગે  મેયરે ઈજનેરોને તતડાવ્યા

ચોમાસાની સીઝનમાં સામાન્ય વરસાદ વરસતાની સાથે જ શહેરના રાજમાર્ગો પર મસમોટા ખાડા અને ગાબડા પડી જાય છે. પાંચ આંકડામાં પગાર લેતા અને એસી ગાડીમાં ફરતા ઈજનેરોને જાણે આ ખાડા દેખાતા ન હોય તેવું લાગી રહ્યું છે. વર્ષોથી મહાપાલિકામાં એક જાણે પરંપરા બની ગઈ હોય તેમ ચોમાસાની સીઝનમાં રાજમાર્ગો પર પડેલા ખાડા બુરવા માટે પદાધિકારીઓ કે વોર્ડના કોર્પોરેટરો ધ્યાન દોરે તો જ ઈજનેરો દ્વારા આ ખાડા પુરવા માટે તસ્દી લેવામાં આવતી હોય છે.

કોર્પોરેટરો ધ્યાન દોરે પછી જ ખાડા બુરવાની પરંપરા તોડો: તમામ સિટી ઈજનેરો અને વોર્ડના ડેપ્યુટી ઈજનેરોને મેયરે તતડાવી નાખ્યા

દરમિયાન આજે તમામ સિટી ઈજનેરો અને 18 વોર્ડના ડેપ્યુટી ઈજનેરોની સાથેની બેઠકમાં મેયર ડો.પ્રદિપ ડવે તમામ ઈજનેરોના કલાસ લીધો હતો. મોઢે મોઢ એવું પરખાવી દીધું હતું કે, રાજમાર્ગો પર ચોમાસાની સીઝનમાં પડેલા ખાડા તમને દેખાતા નથી દર વખતે નગર સેવકો સુચના આપે કે ધ્યાન દોરે તે પછી જ ખાડા બુરવાની કામગીરી કરવામાં આવે છે. તાત્કાલીક અસરથી પેચવર્ક કે મેટલીંગ કરવા તેઓએ કડક આદેશ આપ્યા છે.

મહાપાલિકા દ્વારા દર વર્ષે ડામર કામ પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે પરંતુ નબળી ગુણવત્તાના કારણે સામાન્ય વરસાદમાં રાજમાર્ગોની દશા ગાડા માર્ગ જેવી થઈ જવા પામે છે. મુખ્ય રાજમાર્ગો પર ફૂટ-ફૂટના ખાડા પડવાના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ રહે છે. મહાપાલિકામાં જાણે વણલખી પરંપરા બની ગઈ હોય તેમ ચોમાસાની સીઝનમાં પડેલા મસમોટા ખાડા પુરવા માટે ઈજનેરો દ્વારા ક્યારેય સ્વયંભૂ કામગીરી કરવામાં આવતી નથી. વોર્ડના કોર્પોરેટરો કે પદાધિકારીઓ સુચના આપે અથવા ધ્યાન દોરે ત્યારે કહેવા પુરતી કામગીરી કરવામાં આવે છે. બિસ્માર રસ્તાના પ્રશ્ર્ને જ્યારે મહાપાલિકામાં લોકોના ટોળા ઉમટે ત્યારે ઈજનેરોની બુદ્ધીના દ્વાર ખુલતા હોય છે.

આજે મેયર ડો.પ્રદિપ ડવે તમામ સિટી ઈજનેર અને વોર્ડના ડેપ્યુટી ઈજનેરો સાથે રોડ-રસ્તા પ્રશ્ર્ને એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી.

જેમાં તેઓએ એવી કડક તાકીદ કરી હતી કે, તમે દિવસ દરમિયાન સતત ગાડીમાં આંટાફેરા કરતા હોવ છો રાજમાર્ગો પર પડેલા ખાડા દેખાતા નથી કે અનુભવાતા નથી જ્યારે પદાધિકારીઓ કે કોર્પોરેટરો ધ્યાન દોરે ત્યારે જ  ખાડા બુરવા માટેની કામગીરી શરૂ કરવાની ? હજુ શહેરમાં સારા વરસાદની આગાહી નથી અને એક સપ્તાહનો પર્યાપ્ત સમય છે ત્યારે મુખ્ય રાજમાર્ગો પર પડેલા ખાડાઓમાં તાત્કાલીક પેચવર્ક કરી દેવામાં આવે તેવી સુચના આપી દેવામાં આવી છે.

જરૂર પડશે તો ખુદ મેયર સ્કૂટરમાં આંટા મારશે

સામાન્ય રીતે એસી કારમાં બેસીને ચક્કર મારવાથી રાજમાર્ગો પર પડેલા મસમોટા ખાડાનો અનુભવ કરી શકાતો નથી. આ  ખાડાઓ કેવી મુશીબત નોતરે છે તેનો ખ્યાલ તો સ્કૂટર કે બાઈક ચાલકને જ આવે છે. વાસ્તવમાં જો ગ્રાઉન્ડલક્ષી કામગીરી કરવી હોય તો ઈજનેરોને સ્કૂટરમાં ફેરવવા જોઈએ તેવું જ્યારે સુચના મળ્યું ત્યારે મેયરે એવી બાહેધરી આપી હતી કે, જરૂર પડશે તો હું ખુદ ખાડાઓનો અનુભવ કરવા માટે ચક્કર લગાવીશ અને ક્યાં વિસ્તારમાં કેટલા  ખાડા છે તેની યાદી અધિકારીને આપીશ. હવે ખાડા બુરવા માટે સુચનાની રાહ જોયા વિના સ્વયંભુ કામ કરવા તાકીદ કરવામાં આવી છે. આજે મીટીંગ બાદ સમયાંતરે ઈજનેરો પાસેથી કામગીરીનું ફોલોઅપ પણ લેવામાં આવશે.