કોરોના સહાય માટે જરૂરી એમસીસીડી સર્ટિફિકેટનું કાલથી વિતરણ કરાશે

કાલે બપોર બાદ કોર્પોરેશનની સેન્ટ્રલ અને વેસ્ટ ઝોન કચેરી ખાતેથી સર્ટિફિકેટ અપાશે: સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલની જાહેરાત

રાજ્ય સરકારના સુધારા ઠરાવ બાદ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના વારસદારોને સહાય માટે હવે કોર્પોરેશનના એમસીસીડી કોઇ જરૂરીયાત નથી: આરટીપીસીઆર કે એન્ટીજન રિપોર્ટ હોય તો કલેક્ટરમાં સીધા અરજી કરી શકશે

સુપ્રિમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા કોરોનામાં મોતને ભેટેલા લોકોના વારસદારોને 50,000ની સહાય ચુકવવાનો નિર્ણય કર્યો છે. વ્યક્તિનું મોત કોરોનાથી થયું છે તે સાબિત કરવા માટે અરજદારે મહાપાલિકા પાસેથી એમસીસીડી સર્ટિફિકેટ મેળવવાનું રહે છે. છેલ્લા દોઢ વર્ષમાં રાજકોટમાં 458 લોકોના મોત થયા હોવાનું મહાપાલિકા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

બીજી તરફ ગત 20મી નવેમ્બરથી એમસીસીડી સર્ટિફીકેટ આપવા માટેની અરજીઓ સ્વિકારવામાં આવી છે ત્યારથી આજ સુધીમાં 1334 થી વધુ અરજીઓ કોર્પોરેશન સમક્ષ આવી ગઇ છે. દરમિયાન આવતીકાલે બપોર બાદ કોર્પોરેશનની સેન્ટ્રલ અને વેસ્ટ ઝોન ખાતેથી એમસીસીડી સર્ટિફીકેટનું વિતરણ કરવામાં આવશે તેવી જાહેરાત સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પુષ્કરભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા સદ્ગતના પરિવારજનોને 50,000 રૂપિયાની સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વ્યક્તિ મોત કોરોનાથી નિપજ્યું છે તે સાબિત કરવા માટે અરજદારોએ એમસીસીડી સર્ટિફીકેટ મેળવવાની જરૂરીયાત રહે છે. જે મહાપાલિકા દ્વારા આપવામાં આવે છે. ગત શનિવારથી અરજીઓ સ્વીકારવાનું શરૂ કરવામાં આવ્યું છે.

આજ સુધીમાં સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે, સેન્ટ્રલ ઝોન અને ઇસ્ટ ઝોનમાં 1134 અરજીઓ આવી છે. જ્યારે વેસ્ટ ઝોન ખાતે 200 અરજીઓ મળી છે. દરમિયાન આવતીકાલ બપોર પછી એમસીસીડી સર્ટિફીકેટ આપવાનું શરૂ કરવામાં આવશે. જેમાં 20મીએ અરજી કરનાર અરજદારોને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવશે. કાલે સેન્ટ્રલ ઝોનમાં 600 અને વેસ્ટ ઝોનમાંથી 100 એમસીસીડી સર્ટિફીકેટ આપવામાં આવશે. ત્યારબાદ ક્રમશ તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા કોરોના મૃતકોને આર્થિક સહાય આપવા માટે નિતિ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. અગાઉ કોરોનાથી વ્યક્તિનું મૃત્યુ થયું છે તે સાબિત કરવા માટે એમસીસીડી સર્ટિફીકેટ આવશ્યકતા રહેતી હતી અને એક કમિટિની પણ રચના કરવામાં આવી હતી. હવે એમસીસીડી સર્ટિફીકેટની જરૂરીયાત રહેતી નથી. કોવિડ મૃત્યુ વિષયક સહાયતા મેળવવા માટે અરજદારોએ સીધી ડિસ્ટ્રીક્ટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓર્થોરિટી જીલ્લા વહિવટ તંત્રમાં અરજી કરવાની રહેશે. જેમાં પોઝીટીવ આરટીપીસીઆર, રેપિડ એન્ટીજન ટેસ્ટ તથા સબ રજીસ્ટ્રાર દ્વારા આપવામાં આવેલો મરણનો દાખલો જોડવાનો રહેશે. અરજી કર્યાના 30 દિવસમાં સહાય ચૂકવવા પણ સુપ્રિમ કોર્ટ દ્વારા તાકીદ કરવામાં આવી છે.