Abtak Media Google News

લોકતંત્રમાં મીડિયા, અખબારી આલમને ચોથા સ્થંભની ઉપમા મળી છે. મીડિયા કર્મચારીઓની જવાબદારી લોકતંત્ર અને સમાજના પથદર્શક બનવા માટે માત્રને માત્ર કલમ ચલાવવા પુરતી નથી. જરૂર પડે ખંભે-ખંભો મિલાવીને કોઈપણ પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે સધીયારા બનવાની ફરજ પણ અદા કરવાની હોય છે. મીડિયા કર્મચારીઓની જવાબદારી લોક પ્રશ્ર્નોને વાચા આપવાની છે. સમાચારના કવરેજની સાથે સાથે જરૂર પડે ત્યારે પોતાની આગવી ફરજ માટે પણ તૈયાર રહેવું પડે. મીડિયા કર્મચારીઓ માટે પોતાના વ્યવસાયીક ફરજ, ધર્મ ઉપરાંત રાષ્ટ્ર સેવા અને માનવ સેવા માટે પણ હંમેશા તત્પર રહેવાનું ઉત્તરદાયિત્વ હોય છે.

અત્યારે કોવિડ-19ની વિકટ પરિસ્થિતિમાં સમાચારના કવરેજની સાથે સાથે કોવિડના દર્દીઓની મદદ કરવાનું ઉત્તરદાયિત્વ અને સામાજીક જાગૃતિ માટે સતત સજાગ રહેતું ‘અબતક’ મીડિયા અને પરિવારના પ્રત્યેક સભ્ય કોરોના વોરીયર્સ બનીને અખબાર, મીડિયા ધર્મની સાથે સાથે સાચા માનવ સેવકની બેવડી ભૂમિકા ભજવી રહ્યાં છે. કોવિડ દર્દીઓની મદદ માટે સતત જાગૃત રહેતા મીડિયા કર્મચારીઓ કોઈને હોસ્પિટલ પહોંચાડવા માટે સ્વજન પણ બની જાય છે. જરૂર પડે તો ખંભા ઉપર ઓક્સિજનનો બાટલો લઈને દર્દીને પહોંચાડે છે. હેલ્પલાઈન શરૂ કરીને સિવિલ હોસ્પિટલમાં પડતી હાલાકીમાં દર્દીના સગાને મદદરૂપ થવાથી લઈ તંત્ર સાથે સંકલન કરી રેમેડીસીવીર ઈંજેકશનથી લઈ પ્રાણવાયુ સમયસર લોકો સુધી પહોંચી જાય તે માટે પ્રજાનો અવાજ બનીને સધીયારા આપનાર મીડિયા કર્મચારીઓએ સમાજના સેવક, સારથી અને જવાબદાર નાગરિકની ત્રિવિધ ભૂમિકા જે રીતે સુપેરે નિભાવી છે તે ખરા અર્થમાં કોરોના વોરીયર્સની સેવા ગણી શકાય.

કોરોના દર્દીઓને જરૂર પડે એવી મદદ માટે તત્પર રહેતા મીડિયા કર્મચારીઓ સમાજને વિકટ ઘડીએ ખરા અર્થમાં ખંભે-ખંભા મિલાવીને સધિયારો બનવાની કાબીલેદાદ ફરજ બજાવી રહ્યાં છે. કોરોનાની શરૂઆતમાં સમાજને જ્યારે સાચા દિશા-નિર્દેશની જરૂરત હતી ત્યારે સમાચારોમાં જાગૃતિ લાવી મહામારીમાં ફસાયેલા દર્દીઓને માર્ગદર્શન આપવા માટે હેલ્પલાઈનથી લઈ હોસ્પિટલમાં ખાટલા અને જરૂર પડે ત્યારે ઓક્સિજનના બાટલા ઉપાડીને દર્દીઓ સુધી પહોંચાડવાથી લઈ એમ્બ્યુલન્સની જરૂર પડે ત્યારે ડ્રાઈવર કે 108ની રાહ જોયા વગર પોતે જ ડ્રાઈવર બનીને દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં નીમીત બનીને સાચા લોકસેવક અને ચોથી જાગીરના સ્થંભની ભૂમિકા ભજવતા પત્રકારો ખરા અર્થમાં કોરોના વોરીયર્સ તરીકે કામગીરી બજાવી રહ્યાં છે જે લોકતંત્રની તંદુરસ્તી અને માનવતાના મિસાલ જેવી કામગીરી ગણાય. અખબાર નવેસરથી માત્ર કલમથી લખીને જ લોકતાંત્રીક સેવાની ફરજ બજાવે એ પુરતુ નથી. માનવ સેવા અને સમાજમાં ગમે ત્યારે, ગમે તેવી પરિસ્થિતિમાં ગમે તેવી કામગીરીમાં સદા તત્પર રહે તે જ ખરૂ પત્રકારત્વ ગણાય. મીડિયા કર્મચારીઓની આ ધગશ જ લોકશાહીને રોનકરૂપ રાખી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.