- ભાગીદારીમાં ઓરિસ્સા ખાતે પાઇપ ફેક્ટરી શરૂ કર્યા બાદ પૈસાના હિસાબમાં ડખ્ખો થતા ત્રણ ભાગીદારો ખડી ગયાં
- પેઢીમાંથી છુટ્ટા થયાં બાદ નાણાંની ઉઘરાણીનો હવાલો રૂખડીયાપરાની ગેંગનો અપાયો : યુવકને ઉઠાવી જઈ ઢોર માર મરાયો
શહેરના યુનિવર્સિટી રોડ પરથી ધોળા દિવસે વેપારી યુવાનનું અપહરણ કરી લેવાયાનો બનાવ સામે આવ્યો છે. વેપારી યુવાને ચાર વર્ષ પહેલા ભાગીદારીમાં ઓડીસા ખાતે પાઇપની ફેક્ટરી ચાલુ કરી હોઇ કોરોનાકાળ આવ્યા બાદ ફેક્ટરી બંધ કરવી પડે તેવી હાલત થઇ જતાં એક પછી એક ભાગીદાર છુટા થઇ ગયા હતાં.છેલ્લે આ યુવાન અને બીજા એક મિત્ર ભાગીદારમાં રહ્યા હતાં અને છેલ્લે આ યુવાન પર છુટો થઇ ગયો હતો. આ પછી બાકીના છુટા થયેલા ત્રણ ભાગીદારોને ચુકવવાના થતાં 75-75 લાખ રૂપિયા છેલ્લે જેણે વહિવટ સંભાળ્યો તેને ચુકવવાનું નક્કી થયુ હોવા છતાં બે ભાગીદારોએ આ યુવાન પાસેથી નાણાની ઉઘરાણી ચાલુ રાખી છેલ્લે રૂખડીયાપરાની ગેંગને હવાલો આપતાં આ ગેંગના શખ્સોએ યુવાનનું યુનિવર્સિટી રોડ પરથી નંબર વગરની ગાડીમાં અપહરણ કરી રૂખડીયાપરામાં ઢોરના વાડામાં લઇ જઇ અમે હવાલો લીધો છે, રૂપિયા રવિવાર સુધીમાં નહિ આપ તો તને અને આખા પરિવારને ઘરમાં આવી છરીના ઘોદા મારી પતાવી દઇશું તેવી ધમકી દઇ પરત યુનિવર્સિટી રોડ પર ઉતારી મુકતાં પોલીસે તેના પુર્વ ભાગીદારો સહિત 10 સામે ગુનો નોંધ્યો છે. મામલામાં યુનિવર્સીટી પોલીસે હવાલો આપનાર મુખ્ય સૂત્રધાર સમાન ભાગીદાર અમિત કાચાને દબોચી લેવામાં આવ્યો છે.
બનાવમાં યુનિવર્સિટી રોડ પર ટીએનરાવ કોલેજ સામે નંદભુમિ એપાર્ટમેન્ટ વીંગ-1 ફલેટ નં. 132માં રહેતાં આનંદભાઇ ગીરધરભાઇ કણસાગરા (ઉ.વ.39)એ રાજકોટના અમિત પ્રફુલચંદ્ર કાચા, હિરેન ગોરધનભાઇ ઠુમ્મર, જાહીર મહમદરફીક સંઘવાણી, સમીર ઉર્ફ ધમો બસીરભાઇ શેખ, ઇશોભા રીઝવાન દલ, મીરખાન રહીશ દલ અને ચાર અજાણ્યા શખ્સોંનું નામ આપતાં યુનિવર્સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે, રાજકોટના સુમિત ભીમાણી, અમિત કાચા, ગોરધન ઠુમમર, જીનેશ મહેતા સાથે મેં પાર્ટનરશીપમાં ઓડીશાના ભુબન શહેરમાં વર્ષ 2018માં વોટરવે ઇન્ફ્રાકોન નામને ફેક્ટરી ચાલુ કરી હતી. ગોરધન ઠુમ્મરનું ભાગીદારમાં નામ હતું પણ તેનો વહિવટ તેનો પુત્ર હિરેન સંભાળતો હતો. અમે આ ફેક્ટરીમાં આરસીસી પાઇપ બનાવતાં હતાં. આ માલ ત્યાંની સરકારમાં જ સપ્લાય કરતાં હતાં. લોકડાઉન વચ્ચે પણ અમે કામ ચાલુ રાખ્યું હતું. પરંતુ ભાગીદારો વચ્ચે પ્રોબ્લેમ થતાં વર્ષ 2021ના અંતમાં ફેક્ટરી બંધ કરી દીધી હતી. એ પછી ભાગીદાર અમિત કાચાએ અમારી કંપનીનું એક્સીસ બેંકનું એકાઉન્ટ બંધ કરાવી દીધુ હતું.
કંપની બંધ થઇ ગઇ હોઇ અને લોકડાઉન ચાલુ હોઇ પૈસાની જરૂર હોવાથી તે વખતે કોઇ પાર્ટનર પાસે પૈસા ન હોઇ જેથી મારુ મકાન રાજકોટમાં નંદભુમિ એપાર્ટમેન્ટમાં હોઇ તેના પર લોન થઇ શકે તેમ ન હોઇ જેથી આ મકાન અમિત કાચાને દસ્તાવેજ કરી આપેલો અને અમિત કાચાએ તેના પર 25 લાખની લોન લઇ અમારી કંપનીમાં નાણા ઉપયોગમા લીધા હતાં. જો કે આમ છતાં કંપની ચાલતી નહોતી અને રૂપિયા ઓછા પડતાં હતાં. જેથી અમિત અને હિરેને મારી સાથે એકાદ વર્ષ સુધી ઝઘડો ચાલુ રાખ્યો હતો. વર્ષ 2022માં મારા ભાગીદાર અમિત કાચા, ગોરધન ઠુમ્મર, જીનેશ મહેતા છુટા થઇ ગયા હતાં.
આ ત્રણેય જ્યારે છુટા થયા ત્યારે મારે અને સુમિતને મળી અમિત કાચા, હિરેન ઠુમ્મર અને જીનેશ મહેતાને રૂા. 75-75 લાખ ચુકવવાના હતાં. તે વખતે અમારી ફેક્ટરીના નામના ચેક અમે આ ત્રણેયને સિક્યુરીટી પેટે આપ્યા હતાં. 2024માં હું પણ ફેક્ટરીમાંથી છુટો થઇ ગયો હતો. એ પછી સુમિતે એકલાએ ફેક્ટરી સંભાળી લીધી હતી. તે વખતે મારે અને સુમીતને વાત થયેલ કે અમિત, હિરેન અને જીનેશને જે રૂપિયા આપવાના છે તે સુમિત ભીમાણી પોતે ચુકવશે, આ વાત મૌખિક રીતે થઇ હતી.
તે વખતે અમિત, હિરેનને મેં કહેલુ કે હું ફેક્ટરીમાંથી છુટો થયો છું અને તમારા રૂપિયા તમને હવે સુમિત ચુકવી દેશે. જેથી એ બંનેએ કહેલુ કે તુ ભલે છુટો થઇ ગયો તારે 50 ટકા રૂપિયા તો આપવા જ પડશે, તું છુટો થયો એમાં અમારે કંઇ લેવા દેવા નહિ. ત્યારબાદ અમિતે તેની પાસે રહેલો કંપનીનો ચેક બેંકમાં નાખ્યો હતો પણ બેલેન્સ ન હોવાથી રિટર્ન થયો હતો. બાદમાં અમિતે મારા અને સુમિત સામે કોર્ટમાં નેગોશિએબલ મુજબ કેસ કર્યો હતો જે હજુ ચાલે છે. આજથી બારેક દિવસ પહેલા મારા ઘરે જાહીર સંઘવાણી, સમીર ઉર્ફે ધમો શેખ રાતે એકાદ વાગ્યે આવ્યા હતાં અને જાહીરે તેના ફોનમાંથી કોઇ સાથે વાત કરાવતાં તે માણસે કહેલુ કે તમારે અમિત અને હિરેનને રૂપિયા આપવાના છે તે ક્યારે આપશો? જેથી મેં કહેલુ કે મારે રૂપિયા આપવાના નથી, આ રૂપિયા સુમિત ભીમાણીને આપવાના છે.આથી એ વ્યક્તિએ તું ગમે તે કર રૂપિયા તારે જ આપવા પડશે તેમ કહ્યું હતું. એ પછી ફોન કટ થતાં જાહીરે કહેલુ કે કાલે મારી ઓફિસે આવજો, જેથી મેં તેને હું તમને ઓળખતો નથી, મારે તમારી સાથે કંઇ લેવા દેવા નથી હું તમારી ઓફિસે નહિ આવું તેમ કહેતાં આ બંને જતાં રહ્યા હતાં. ત્યારબાદ બીજા દિવસે જાહીરે મને વ્હોટ્સએપ પરથી કોલ કરેલ પણ મેં ઉપાડયો નહોતો.
ત્યારબાદ આજથી બે દિવસ પહેલા 25/2/25ના સવારે અગિયારેક વાગ્યે હું રાજકોટ કોર્ટમાં નેગોશિએબલ કેસ ચાલુ હોઇ તેની મુદ્દતે કોર્ટમાં ગયો હતો. સુમિત ભીમાણી પણ ઓડીસાથી આવી કોર્ટમાં તારીખમાં હાજર રહેલ હતો. બપોરે અમારે યુનિવર્સિટી રોડ દ્વારકાધીશ હોટેલમાં જમવાનું હોઇ જેથી દોઢેક વાગ્યે હું ટુવ્હીલર લઇ કોર્ટથી નીકળી સવા બે આસપાસ દ્વારકાધીશ હોટલ પાસે પહોંચ્યો હતો. સુમિત મારી પહેલા જ અહિ પહોંચી ગયો હતો. હું એફેએસએલ કચેરી પાસે પહોંચતા કાળા રંગના કાચવાળી સ્કોર્પીયો આવી હતી અને મારા વાહન આડે નાખી મને ઉભો રાખી દેવાયો હતો. નંબર વગરની આ ગાડીમાંથી જાહીર સંઘવાણી, સમીર શેખ, ઇશોભા દલ, મીરખાન દલ એમ ચારેય ઉતર્યા હતાં. મને છરી બતાવી ‘તું ગાડીમાં બેસી જા નહિતર અહિ જ તારુ પુરુ કરી નાંખશું’ કહેતાં હું ડરી ગયો હતો.
આ લોકોએ મને બળજબરીથી પકડીને ગાડીમાં બેસાડી દીધો હતો અને ચાલુ ગાડીએ ત્રણ જણાએ ઢીકાપાટુ મારવાનું ચાલુ કર્યુ હતું અને કહેતાં હતાં કે તું કેમ ભેગો થતો નથી, અમારા ફોન કેમ ઉપાડતો નથી? ગાડી ઇશોભા ચલાવતો હતો, તેણે પણ મને ચાલુ ગાડીએ જમણી આંખ ઉપર મુક્કો મારી દીધો હતો. આ બધા મને હનુમાન મઢીથી આગળ લઇ ગયા હતાં. બાદમાં જંકશન રોડ પર રેલ્વે સ્ટેશન પાછળ રૂખડીયાપરામાં લઇ ગયેલા. જ્યાં માલઢોરનો ખુલ્લો વાડો હોઇ તેમાં લઇ ગયા બાદ જાહીરે કોઇને ફોન કરી રૂખડીયાપરામાં આવો તેમ કહેતાં થોડીવારમાં બીજા ચાર જણા આવી ગયા હતાં. જેમાં બે જણા પાસે લોખંડના પાઇપ હતાં.જાહીરે કહેલું કે તારે અમિત અને હિરેનના રૂપિયા આપવા પડશે, અમે આ પૈસાનો હવાલો લીધો છે. જેથી મેં તેને કહેલું કે મને અમિત અને હિરેન સાથે વાત કરાવો. આથી તેણે અમિત કાચાને ફોન જોડયો હતો અને ફોનના સ્પીકર મોડમાં અમિત સાથે મેં વાત કરી હતી. મેં તેને કહ્યું હતું કે રૂપિયા તમને સુમિતે આપવાના છે, આ લોકો મને અહિ લાવ્યા છે. ત્યારે અમિતે કહેલુ કે એ અમારે કંઇ જોવાનું નથી, તારે મને 50 ટકા રૂપિયા આપવા જ પડશે. આમ કહી તેણે ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ આ બધા શખસોએ વારાફરતી મને ઢીકાપાટુ, લોખંડના પાઇપથી આડેધડ માર માર્યો હતો. મારી વાત કોઇ સાંભળતા નહોતાં. મને સતત માર મારતાં હતાં. ત્યારબાદ જાહીરે કહેલુ કે હું વિડીયો ઉતારુ છું અને તારે બોલવાનું છે કે મારે અમિત કાચાને રૂા. 50 લાખ દેવાના છે. રવિવાર સુધીમાં હું 50 લાખ આપી દઇશ. આમ કહી મને સતત માર મારતાં હોઇ મેં તેને કહ્યું એ રીતે વિડીયોમાં બોલ્યું હતું. આ પછી જાહીરે કહેલુ કે રવિવાર સુધીમાં 50 લાખ નહિ દે તો તારા ઘરે આવી તને અને તારી દિકરીને છરીના ઘોદા મારી દઇશું. પોલીસ ફરિયાદ કરીશ તો પણ તારા પરિવારને છરીના ઘા મારી પતાવી દઇશું.
તેમ કહી ત્યાંથી મને બીજી બલેનો બેસાડી દીધો હતો, તેમાં નંબર પ્લેટ વાળી દીધેલી હતી. આ ગાડીમાં ધમો, જાહીર, બે અજાણ્યા મને ફરી આકાશવાણી ચોક પાસે લાવ્યા હતાં અને ઉતારી દીધો હતો. બાદમાં મેં મિત્ર નિલેષભાઇને ફોન કરતાં તેણે નરેન્દ્રભાઇને મોકલેલા અને હું ઘરે પહોંચ્યો હતો. મેં ઘરમાં બધાને આ વાત કરી હતી અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં આનંદભાઇ કણસાગરાએ જણાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ વી. જી. ડોડીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હવાલો આપનાર અમિત પ્રફુલચંદ્ર કાચાને સકંજામાં લઇ લેવામાં આવ્યો છે.
પૈસા ચૂકવવાની જવાબદારી સુમિત્તે લીધી પણ ઉઘરાણી આનંદ પાસે કરાતી’તી
વર્ષ 2022માં મારા ભાગીદાર અમિત કાચા, ગોરધન ઠુમ્મર, જીનેશ મહેતા છુટા થઇ ગયા હતાં. આ ત્રણેય જ્યારે છુટા થયા ત્યારે મારે અને સુમિતને મળી અમિત કાચા, હિરેન ઠુમ્મર અને જીનેશ મહેતાને રૂા. 75-75 લાખ ચુકવવાના હતાં. તે વખતે અમારી ફેક્ટરીના નામના ચેક અમે આ ત્રણેયને સિક્યુરીટી પેટે આપ્યા હતાં. 2024માં હું પણ ફેક્ટરીમાંથી છુટો થઇ ગયો હતો. એ પછી સુમિતે એકલાએ ફેક્ટરી સંભાળી લીધી હતી. તે વખતે મારે અને સુમીતને વાત થયેલ કે અમિત, હિરેન અને જીનેશને જે રૂપિયા આપવાના છે તે સુમિત ભીમાણી પોતે ચુકવશે, આ વાત મૌખિક રીતે થઇ હતી.
મારે અમિત કાચાને રૂ. 50 લાખ આપવાના છે… વેપારીને માર મારી વીડિયો બનાવ્યો
જાહીરે કહેલું કે તારે અમિત અને હિરેનના રૂપિયા આપવા પડશે, અમે આ પૈસાનો હવાલો લીધો છે. જેથી મેં તેને કહેલું કે મને અમિત અને હિરેન સાથે વાત કરાવો. આથી તેણે અમિત કાચાને ફોન જોડયો હતો અને ફોનના સ્પીકર મોડમાં અમિત સાથે મેં વાત કરી હતી. મેં તેને કહ્યું હતું કે રૂપિયા તમને સુમિતે આપવાના છે, આ લોકો મને અહિ લાવ્યા છે. ત્યારે અમિતે કહેલુ કે એ અમારે કંઇ જોવાનું નથી, તારે મને 50 ટકા રૂપિયા આપવા જ પડશે. આમ કહી તેણે ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ આ બધા શખસોએ વારાફરતી મને ઢીકાપાટુ, લોખંડના પાઇપથી આડેધડ માર માર્યો હતો. મારી વાત કોઇ સાંભળતા નહોતાં. મને સતત માર મારતાં હતાં. ત્યારબાદ જાહીરે કહેલુ કે હું વિડીયો ઉતારુ છું અને તારે બોલવાનું છે કે મારે અમિત કાચાને રૂા. 50 લાખ દેવાના છે. રવિવાર સુધીમાં હું 50 લાખ આપી દઇશ. આમ કહી મને સતત માર મારતાં હોઇ મેં તેને કહ્યું એ રીતે વિડીયોમાં બોલ્યું હતું.