જૂનાગઢ – મેંદરડા બાયપાસ રોડનું 7 માસથી ટલ્લે ચડેલ કામ શરૂ કરાવવા ધારાસભ્યએ તંત્રને જગાડ્યું

કામને ટલ્લે ચડાવતા વિભાગને જવાબ ભરાવવા માટે ધારાસભ્યએ પ્રશ્ન ફરિયાદ સમિતિમાં મૂક્યો

અબતક, દર્શન જોશી, જુનાગઢ

બે – બે વખત પ્લાન મંજૂર કરી, એક વખત જમીન સંપાદન માટે રૂ. 210 લાખ મંજૂર થયા બાદ અને પ્રાંત અધિકારી દ્વારા જાહેરનામું મંજૂર કરવામાં આવ્યું હોવા છતાં નગર નિરજન કચેરીમાં સાત માસથી જમીનની કિંમત નક્કી કરવાની પેન્ડિંગ રહેલ કામગીરીના કારણે જુનાગઢ – મેંદરડા બાયપાસ નું કામ ચાલુ કરાવવા જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી એ આગામી ફરિયાદ સમિતિમાં પ્રશ્ન રજૂ કરવા કલેકટરને રજૂઆત કરી છે.

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીના અંગત સચિવ મનોજભાઈ જોશીના જણાવ્યા અનુસાર સને 2012 માં સરકારે મેંદરડા જુનાગઢ વાયા ઇવનગર બાયપાસ માટે રૂ. 730 કરોડ મંજૂર કર્યા હતા. અને કૃષિ યુનિવર્સિટી વચ્ચેથી રોડ બને તે રીતે પથરેખા એ મુજબ કામગીરી થવાની હતી. પરંતુ તેમાં ફેરફાર કરવામાં આવ્યો અને પથ્થરેખા બી મુજબ સાગડી વીડી ફાર્મ તરફથી આ બાયપાસ રોડ બનાવવાનું નક્કી થયું હતું. અને ખેડૂતોની જમીન સંપાદન માટે રૂ. 210 લાખ મંજૂર પણ કરી દેવામાં આવ્યા હતા.

આ માટે કૃષિ યુનર્વિસટીની જમીન બાયપાસમા આવતી હોવાથી કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે તે જમીન માર્ગ અને મકાન વિભાગને સોંપવા સૂચના કરતા તત્કાલીન કૃષિ યુનિના વાઇસ ચાન્સેલર એ કપાતમાં આવતી જમીન માર્ગ અને મકાન વિભાગને સોંપવા માટે મંજૂરી પણ આપી હતી. અને તે માટે જમીનનો રેવન્યુ રેકોર્ડ ફેરફાર કરવા માટે મામલતદારને સાદર કરેલ જે કામગીરી હજુ સુધી પેન્ડિંગ છે.

જમીન સંપાદન મંજુર

જુનાગઢ -મેંદરડા વાયા ઇવનગર બાયપાસ રોડ બને તે માટે જે તે વખતે પ્રાંત અધિકારી દ્વારા રસ્તાની જમીનનું સંપાદન કરવા જાહેરનામું 10, 11 અને 19 મંજુર પણ કરી દેવામાં આવ્યું હતું અને જમીનની કિંમત નક્કી કરવા નગર નિયોજનની કચેરીમાં આ કામગીરી સોંપવામાં આવી હતી. જે આજ સુધી પેન્ડિંગ છે. આમ છેલ્લા સાત માસથી કામગીરી પેન્ડિંગ રહેતા જુનાગઢ – ઇવનગર – મેંદરડા બાયપાસનું કામ હજુ ચાલુ કરવામાં આવ્યું નથી. ત્યારે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી એ લેખિત રજૂઆત કરી, જુનાગઢ -મેંદરડા વાયા ઇવનગર બાયપાસનું કામ સત્વરે શરૂ કરવાની માંગ સાથે આગામી ફરિયાદ સમિતિમાં પ્રશ્ન રજૂ કરવા રજૂઆત કરી છે.

મતદાન બહિષ્કારની ચીમકી

તાજેતરમાં જ જૂનાગઢ તાલુકાના ઇવનગર ગામના ગ્રામજનો એ જો જુનાગઢ  -મેંદરડા વાયા ઇવનગર બાયપાસ રોડનું કામ તાત્કાલિક કરવામાં નહીં આવે તો, આગામી વિધાનસભાના મતદાનનો બહિષ્કાર કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારાઈ છે. ત્યારે તંત્ર દ્વારા કેટલા અને કેવા ઝડપી નિર્ણય લઇ જુનાગઢ  -ઇવનગર -મેંદરડા બાયપાસનું કામ શરૂ કરવામાં આવે છે તેના તરફ સૌ કોઈની મીટ મંડાયેલી રહેલી છે